Vadodara

વડોદરામાં વિરોધ જારી : સ્માર્ટ ફોન જ નથી તો પ્રિપેડ વીજ મીટરનું રીચાર્જ કરવું કેવી રીતે?

નવા મીટર કાઢી નાખી જૂના મીટર લગાવવા અકોટા વિસ્તારના લોકોની રજૂઆત :

રિચાર્જ કરવાની સમજ અને સ્માર્ટ ફોન ન હોવાથી ગ્રાહકોને હાલાકી :

( પ્રતિનિધિ ) વડોદરા તા.14

વડોદરામાં એમજીવીસીએલના નવા પાયલેટ પ્રોજેકટ સ્માર્ટ વીજ મીટરોનો વિરોધ થઈ રહ્યો છે. સોમવારે શરૂ થયેલો આ વિરોધ બીજા દિવસે પણ યથાવત રહ્યો હતો. અકોટા વિસ્તારના લોકોએ નવા સ્માર્ટ મીટરમાં બીલ વધારે આવતું હોવાના આક્ષેપ સાથે વીજ કચેરી ખાતે હલ્લો મચાવી ઉગ્ર સુત્રોચાર સાથે જૂના મીટર લગાવી આપવા માંગણી કરી હતી. બીજી તરફ વાવાઝોડાના કારણે વીજ પુરવઠો ઠપ્પ થયા બાદ બીજા દિવસે પણ કાર્યરત નહિ થતા રજૂઆત કરવામાં આવી હતી.

મધ્યગુજરાત વીજ કંપની દ્વારા શહેરમાં સ્માર્ટ પ્રીપેઈડ વીજ મીટરો લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જોકે નવા સ્માર્ટ મીટર લગાવ્યા બાદ માત્ર થોડા સમયમાંજ તેનો વિરોધ શરૂ થઈ ગયો છે. હાલ સ્માર્ટ મીટર લગાવવાના ફાયદા કે ગેરફાયદાની કોઈ પ્રકારની જાગૃતિ ફેલાવ્યાં વગર વીજ કંપની દ્વારા લોકોના ઘરોમાં નવા સ્માર્ટ વીજ મીટરો લગાવી દેવામાં આવ્યા છે. જેનાથી વીજ બીલનું ભારણ વધતું હોવાની ફરિયાદ સાથે સલ્મ વિસ્તારના લોકો અકોટા વીજ કચેરી ખાતે પહોંચ્યા હતા. જ્યાં મહિલાઓએ નવા સ્માર્ટ વીજ મીટરોનો વિરોધ કરી ભારે સુત્રોચાર કર્યા હતા અને જૂના વીજ મીટર લગાવી આપવા માંગણી કરી હતી. કેટલાક લોકોને ઓનલાઈન રિચાર્જની સમજણ ન હોવાથી રિચાર્જ કરી શકતા ન હોઈ વીજ પુરવઠા વિના રહેવાની ફરજ પડતા તેવા લોકોમાં પણ વીજ કંપની સામે રોષ જોવા મળ્યો હતો. જોકે આ પ્રોજેકટ કેન્દ્ર સરકારનો પ્રોજેકટ હોય અધિકારીઓમાં પણ સુડી વચ્ચે સોપારી જેવો ઘાટ સર્જાયો છે. ત્યારે ફરિયાદ કરવા ગયેલા લોકોએ અધિકારીઓને પણ આડેહાથ લીધા હતા. અકોટા વિસ્તારના એક વીજ ગ્રાહકે જણાવ્યું હતું કે પહેલા અમારું બીલ 1 હજાર અને વધુમાં વધુ 1200 રૂપિયા સુધીનું આવતું હતું. નવા સ્માર્ટ મીટરમાં બીલ વધારે આવી રહ્યું છે. જે પરવડે તેમ નથી. જેથી કરીને જૂના વીજ મીટર બરાબર હતા તેજ લગાવી આપવા માંગણી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે વીજ કંપની ની અકોટા વીજ કચેરી ખાતે વિસ્તારના સ્થાનિક લોકો પહોંચ્યા હતા અને પ્રીપેઈડ વીજ મીટર કાઢી જવા માટે રજૂઆત કરી હતી. જો કે વીજ કંપનીના અધિકારીઓ દ્વારા એકબીજાને ખો આપતા લોકો ભરાયા હતા અને વીજ કચેરી પરિસરમાં જ ભારે હલ્લો મચાવી ઉગ્ર સૂત્રોચારો કર્યા હતા.

જૂનામાં 60 દિવસનું અને નવા મીટરમાં પર-ડેનો વપરાશ ગ્રાહકોને દર્શાવે છે :

ડેપ્યુટી એન્જીનિયર રાકેશ સિંઘે જણાવ્યું હતું કે જૂના મીટરમાં 60 દિવસ અને નવા સ્માર્ટ મીટરમાં પર-ડે એટલેકે દિવસ પ્રમાણે વપરાશ બતાવે છે. 100 થી 200 યુનિટ વપરાશ હોય તો 6.30 રૂ., એનાથી ઉપર વપરાશ જશે તો 7.30 રૂ. અને 1 હજાર યુનિટ વપરાશ થાય તો 8.30 રૂ. બીલ આવે છે. તમે કેટલો વપરાશ કરો છો એ પ્રમાણે વીજ બીલ આવતું હોય છે. હાલમાં લોકો છેલ્લા બે મહિનાનું વપરાશનું બીલ જોઈ રહ્યા છે. ગરમીની ઋતુ પહેલાનું બીલ અને હાલમાં બીલ સરખું કરીને જોશો તો ફરક પડશે. ગરમીની સિઝન છે લોકોના ઘરોમાં સતત પંખા, કુલર , એસી ચાલુ રહે છે, માટે જે મુજબ વપરાશ થશે એ પ્રમાણે બીલ આવી રહ્યા છે. કોઈ ખોટા બીલ થોપવામાં આવતા નથી. લોકોને હાલમાં સમજવામાં ભૂલ થઈ રહી છે.

Most Popular

To Top