વડોદરા: શહેરના જાણીતા પર્યટન સ્થળ કમાટીબાગ ખાતે એક મહિના અગાઉ બનેલી દુર્ઘટનાની પૃષ્ઠભૂમિમાં સુરક્ષાના ભાગરૂપે જોય ટ્રેનના ટ્રેકની આસપાસ રેલીંગ લગાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 12 મેના રોજ પઠાણ પરિવારની એક નાની બાળકીના ટ્રેન અડફેટે આવતાં થયેલા દુઃખદ અવસાન બાદ, પાલિકા અને સંચાલક સંસ્થાએ ગંભીરતા સાથે કાર્યવાહી કરી છે. જંબુસરથી ફરવા આવેલા પઠાણ પરિવારની બાળકી ગેટ નંબર 2 પાસે ટ્રેક પરથી પસાર થતી વખતે જોય ટ્રેનની અડફેટે આવી હતી. આ ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર જગાવતા પ્રશાસન દ્વારા જોય ટ્રેન અચોક્કસ મુદત માટે બંધ કરી દેવામાં આવી હતી. હવે, આવી ઘટના ફરી ન બને તે માટે ટ્રેકની આજુબાજુ જ્યાં ખુલ્લી જગ્યા છે ત્યાં રેલીંગ લગાવવાનું આયોજન કરાયું છે. ખોડલ કોર્પોરેશનના સંચાલનમાં ચાલતી ટ્રેનના મેનેજર હિમાંશુભાઈએ જણાવ્યું કે, “અત્યારસુધી ટ્રેન ફરી શરૂ કરવાની કોઈ મંજૂરી મળેલી નથી. રેલીંગ લગાવ્યા બાદ અને સુરક્ષા સુવિધાઓને પૂર્ણ કરવાની પાલિકા તરફથી મંજૂરી મળ્યા બાદ ટ્રેન ફરી શરૂ કરવામાં આવશે.”
કમાટીબાગમાં સામાન્ય રીતે મોટી સંખ્યામાં પરિવારજનો, ખાસ કરીને બાળકો સાથે ફરવા આવતા હોવાને કારણે ટ્રેન ટ્રેક આસપાસ પૂરતી સુરક્ષા વ્યવસ્થા અનિવાર્ય ગણાય છે. ટ્રેકની આસપાસ ગ્રીલ લગાવવાથી હવે આવી દુર્ઘટનાઓની પુનાવૃતિ અટકાવી શકાય તેવી આશા છે.
