Charotar

આણંદમાં સાઉન્ડ મીટર વગરના ડીજે પર પ્રતિબંધ

ધ્વનિ પ્રદૂષણ નિયમો મુજબના ડેસીબલ પ્રમાણે  માઈક સીસ્ટમ/વાજીંત્રનો ઉપયોગ કરી શકાશે

વરઘોડા સહિતના પ્રસંગમાં ખુલ્લી જગ્યામાં ઉપયોગ માટે માઇક સીસ્ટમ ભાડે આપી શકાશે નહીં .

આણંદ જિલ્લામાં લગ્ન પ્રસંગ સહિત ધાર્મિક શોભાયાત્રા, રેલી, સરઘસમાં મોટે મોટેથી વાગતા ડીજે પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ ડીજેનો ઉપયોગ કરવા માટે સાઉન્ડ મીટર ફરજીયાત કરવામાં આવ્યું છે. આ મીટર હશે તે જ ડીજેનો ઉપયોગ થઇ શકશે. આણંદ જિલ્લામાં માઈક સીસ્ટમ થકી થતાં અવાજના પદૂષણને અટકાવવા અંગે કેટલાક પ્રતિબંધો દર્શાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.

આણંદ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે બહાર પાડેલા જાહેરનામા મુજબ, માઈક સીસ્ટમ ભાડે આપનારા માલિક, ભાગીદાર, સંચાલક, મેનેજર, ઇવેન્ટ મેનેજર સમગ્ર આણંદ જિલ્લાના હુકમતના વિસ્તારમાં વરઘોડા, રાજકીય, સામાજિક અથવા ધાર્મિક શોભાયાત્રા, રેલી સરઘસમાં જાહેર રસ્તા કે જાહેર જગ્યામાં ઉપયોગ માટે તેમજ પાર્ટી પ્લોટ, ખુલ્લી જગ્યા, રહેણાકોની પાસે નજીકમાં આવેલ ખાનગી માલિકીની ખુલ્લી જગ્યામાં ઉપયોગ માટે માઈક સીસ્ટમ ભાડે આપી શકશે નહી.

આ ઉપરાંત હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓ, અદાલતો અને ધાર્મિક સ્થળોની આજુબાજુના 100 મીટરના ઘેરાવાનાં વિસ્તારને શાંત તરીકે ગણવામાં આવે છે, જેથી શાંત વિસ્તારની આજુબાજુમાં માઈક સીસ્ટમનો ઉપયોગ થઈ શકે નહીં. રસ્તાની ડાબી બાજુ ચાલવા, ટ્રાફીકને અડચણ ન થાય તથા ટ્રાફીકના તમામ નિયમો અને કાયદાઓનો અમલ કરવા તેમજ નાચગાન – ગરબા જાહેરમાર્ગમાં રોકાઈને કરવા નહીં. ડી.જે. સીસ્ટમ એમ્બીઅન્ટ એર ક્વોલિટી સ્ટાનર્ડડ ઈન રીસ્પેકટ ઓફ નોઇઝ અંગે સુપ્રિમ કોર્ટના વખતો વખતના ચુકાદાનાં નિર્દેશ તથા ધી નોઈઝ પોલ્યુશન (રેગ્યુલેશન એન્ડ કંટ્રોલ) રૂલ્સ 2000 ના ઈન્વાયરમેન્ટ પ્રોટેકશનની જોગવાઈ મુજબ એમ્બીઅન્ટ એર ક્વોલિટી સ્ટાન્ડર્ડ હોવુ જોઈએ. તે જોતા ડી.જે. સીસ્ટમ વગાડવા માટે ઉપર જણાવેલ તમામ પ્રાવધાનો  અને જોગવાઈઓનો ઉલ્લંઘન કરતા હોય તેવુ જાહેર જગ્યાએ ખુલ્લા સ્થળોએ વગાડવા પર પ્રતિબંધ છે. આ હુકમ 15મી એપ્રિલ 2024ના રાત્રીના 12 વાગ્યા સુધી અમલમાં રહેશે.જિલ્લાના કોઈ પણ વ્યક્તિને આ હુકમના ભંગ બદલ શિક્ષાને પાત્ર થશે.

ડીજે સંચાલકો માટે પરવાનગી ફરજીયાત કરાઇ

 • માઈક સીસ્ટમ વગાડવા માટે તેના માલિક કે ભાગીદારે પરવાનગી અરજી સંબંધિત મામલતદાર કચેરી ખાતે અરજી 7-દિવસ પહેલા કરી પુર્વ મંજુરી મેળવી લેવાની રહેશે.
 • મામલતદારની મંજુરીમાં આપેલી શરતોનો ચુસ્તપણે બીનચુક અમલ કરવાનો રહેશે અને શરતોનો ભંગ થયે પરવાનગી રદ બાતલ થયેલ ગણાશે.
 • વરઘોડા કે રેલી સમય દરમ્યાનમાં શરતોનો ભંગ કરે અથવા કોઈ બનાવ બને તો તેની જવાબદારી પરવાનેદારની રહેશે.
 • આણંદના વિસ્તારની અંદર જાહેર જગ્યામાં અથવા તો જાહેરમાં સાંભળી શકાય તેવી જગ્યામાં માઈક સીસ્ટમ કે વાજીંત્રનો ઉપયોગ અધિકૃત કરેલા અધિકારીની લેખીત પરવાનગી સિવાય કરી શકાશે નહી.
 • અવાજનું પ્રદુષણ ફેલાવી શકશે નહીં. આવી પરવાનગી માટેની અરજી લેખિત હોવી જોઈએ અને તેનો ઉપયોગ કરનારા વ્યકિતની તેના ઉપર સહી હોવી જોઈએ.
 • પરવાનગીની અરજી તેનો ઉપયોગ કરવાના હોય તે દિવસના સાત દિવસથી ઓછા નહીં તેટલા સમય પહેલાં પરવાનગી કાઢી આપવા માટે અધિકૃત અધિકારીને અરજી કરવાની રહેશે.પરંતુ વાજબી કારણ દર્શાવતા સાત દિવસ કરતા ઓછા સમયની અંદર માંગવામાં આવેલી પરવાનગી, તેમ કરવા માટે અધિકૃત અધિકારી, પોતાની વિવેક બુધ્ધિ અનુસાર આપી શકશે.
 • અરજદાર અથવા તેના પ્રતિનિધિએ મળેલી પરવાનગી સાથે માઈક સીસ્ટમ વાજિંત્રનો ઉપયોગ થાય તે સમયે ઉપરોકત જાહેર જગ્યા ઉપર હાજર રહેવું પડશે. ફરજ ઉપરના પોલીસ અધિકારી આ અંગેની જોવા માંગે ત્યારે પરવાના ધારકોએ તે રજુ કરવાનો રહેશે.
 • માઈક સીસ્ટમ કે વાજીંત્રનો ઉપયોગ પરવાનગી મેળવીને ઉપરોકત અવાજની માત્રા દર્શાવતા શીડયુલ પ્રમાણે સવારના 6-00 કલાકથી  રાત્રિના 10 કલાક સુધી જ થશે. માઈક સીસ્ટમ કે વાજીંત્રનો ઉપયોગ રાત્રીના 10 કલાકથી વહેલી સવારના 6 કલાક સુધીના સમય દરમ્યાન વગાડી ન શકાય તેવી જોગવાઈઓ હોઈ આ સમય માટે માઈક સીસ્ટમ કે વાજીંત્ર માટે કોઈ પરવાનગી આપવામાં આવશે નહીં.
 • ઓડીટોરીયમ, કોન્ફરન્સ હોલ, કોમ્યુનીટી હોલ કે ખાનગી મકાન જેવા બંધ સ્થળો વિગેરેમાં માઈક સીસ્ટમ અંદરના ભાગે વગાડવા ઉપર કોઈ પ્રતિબંધ નથી. પરંતુ તેનો અવાજ જે તે સ્થળથી બહાર જવો જોઈએ નહીં.
 • મંદિરો, ચર્ચ અને મસ્જીદોમાં માઈક સીસ્ટમ કે વાજીંત્રની અવાજ એ રીતે મર્યાદીત કરેલા હોવો જોઈએ કે સંકુલની હદ બહાર જાય નહીં.
 • ગતિમાન વાહનમાંથી કોઈપણ માઈક સીસ્ટમ કે વાજીંત્રનો ઉપયોગ મામલતદાર તરફથી અધિકૃત કરેલા અધિકારીની પરવાનગી સિવાય કોઈપણ હેતુ માટે વાપરવો નહીં. અથવા ચલાવવો નહીં.

Most Popular

To Top