Nasvadi

અહીં નથી પહોંચ્યો વિકાસ ! નસવાડી તાલુકાની સગર્ભાને કાચા રસ્તા પર ત્રણ કિમી ઝોળીમાં નાંખીને લઈ જવી પડી

નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના ત્રણ ગામોના રસ્તા કાચા હોવાથી વાહનો જઈ શકતા નથી, ચોમાસાના ચાર મહિના આ ગામના લોકો મુશ્કેલીનો સામનો કરે છે

નસવાડી: નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં વારંવાર સગર્ભા મહિલાઓને હાલાકી ભોગવવાનો વારો આવે છે. પરંતુ વારંવારની ઘટના બાદ પણ તંત્રને જાણે કાઈ પડી હોય તેમ લાગતું નથી. ગઈ મોડી રાત્રીના સમયે સગર્ભાને હોસ્પિટલ લઈ જવાની જરૂરિયાત ઉભી થઈ, પરંતુ નસવાડીના ખેંદા ગામના પરિવારજનો મૂંઝવણ માં મુકાઈ ગયા હતા .108 ને ફોન પણ કરવામાં આવ્યો પરંતુ ગામ સુધી જવાનો રસ્તો કાચો હોવાથી 108 ગામ સુધી પહોંચી શકી ન હતી. ગામથી ચાર કિમી દૂર 108 ની ગાડી તો ઊભી હતી પરંતુ ત્યાં પહોંચવામાં પરિવાર માટે મૂંઝવણ ઊભી થઈ અને છેલ્લા ખાનગી જીપ ને બોલાવવામાં આવી. સગર્ભા મહિલાને જીપમાં સુવડાવવામાં તો આવી પણ જીપ કાચા અને પથરાળ રસ્તાના ઢોળાવ પર ચડી ના શકી . જીપ ઢોળાવ રસ્તા પરથી પાછી પડતી હોય મહિલાને ગાડીમાંથી ઉતારી દેવામાં આવી અને ઝોળીમાં નાખવાની ફરજ પડી. કાચા રસ્તા પર થઈ ચાર કિમી દૂર સુધી ઊભેલી 108ની ગાડી સુધી પહોચાડવામાં આવી. 108ની ગાડી નસવાડીના સરકારી દવાખાના સુધી પહોંચાડવામાં આવી.

તુરખેડાની મહિલાનું ઝોળીમાં નાંખી લઈ જતા મોત થયું હતું

નસવાડી તાલુકામા એક નહીં અનેક વાર સગર્ભા મહિલાઓને હોસ્પિટલ પહોચતા ભારે હાલાકી ભોગવવાનો વારો આવે છે. 2024ના વર્ષની ઘટના જો ધ્યાને લેવામા આવે તો 1 ઓક્ટોબરના રોજ તુરખેડાની એક મહિલાનું ઝોળીમાં નાખી હોસ્પિટલ લઈ જતા રસ્તામાં મોત થયું હતું. 20 ઓક્ટોબરના રોજ તુરખેડાની મહિલાને ઝોળીમાં નાખીને લઈ જવામા આવી. 21 ઓક્ટોબરે નસવાડીના ખેડા ગામની મહિલાને પણ ઝોળીમાં નાખી લઈ જવામા આવી હતી. જ્યારે 3 નવેમ્બરના રોજ કુકરદા ગામની એક મહિલા તો હોસ્પિટલ સુધી પણ ના પહોંચી શકી અને તેને પોતાના ઘરે પ્રસુતિ કરાવવા માટે મજબૂર બન્યું હતું. આવા અનેક વાર બનાવો બને છે. તેનું એક જ કારણ છે રોડ રસ્તાઓનો અભાવ. જિલ્લા કલેક્ટર કે જિલ્લા વિકાસ અધિકારી આ બાબતે બિલકુલ બોલવા તૈયાર નથી. 108 ગામ સુધી કેમ નથી પહોંચી રહી ત્યારે જિલ્લા આરોગ્ય અધિકારીએ રોડ રસ્તાનો અભાવ હોવાનું જણાવ્યું. હાલની જે ઘટના બની તેમાં પણ 108 ગામ સુધી પહોંચી શકી નહીં. તેમણે એ પણ જણાવ્યું કે જો 108 ગાડી સુધી સગર્ભા મહિલા સમયસર ના પહોંચે તો સગર્ભા મહિલાને જીવનું જોખમ પણ ઊભું થઈ શકે છે.

ચોમાસામાં રસ્તા કીચડવાળા થઈ જતા ગામ સુધી જઈ શકાતું નથી

દાદુભાઈ ડુંગરાભીલ નામના સ્થાનિક યુવાનના જણાવ્યા મુજબ અમારા ગામમાં પહોંચવા માટે કાચો રસ્તો છે અને ઉનાળા સમયમાં ખાનગી વાહનો જતા હતા. પરંતુ ચોમાસુ આવતાની સાથે જ કાચા રસ્તા ઉપર કાદવ કીચડ થઇ જતા ગામ સુધી પહોંચવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ખાનગી વાહનો પણ જતા નથી. દર વખતે નેતાઓ ચૂંટણીના સમયે વચન આપીને જતા રહે છે અને ત્યાર બાદ પરત અમારી તરફ ધ્યાન આપતા નથી

રસ્તાની સુવિધા ના હોવાથી 108 એમ્બ્યુલન્સ ગામ સુધી પહોંચી ના હતી
ભરતભાઈ ચૌહાણ , જિલ્લા આરોગ્ય અધિકારી, છોટાઉદેપુર ના જણાવ્યા મુજબ નસવાડી તાલુકાના ખેંદા ગામની રીનાબેન માવસિંગભાઇ ડુંગરાભીલને પ્રસુતિનો દુખાવો ઉપડતા રસ્તાની સુવિધા ના હોવાને કારણે તેઓને ઝોળીમાં નાખીને લાવ્યા હતા. રસ્તાની સુવિધા ના હોવાથી 108 એમ્બ્યુલન્સ ગામ સુધી પહોંચી ના હતી. જયારે આ મહિલાને એમ્બ્યુલન્સમાં રસ્તા ની સુવિધા હતી. ત્યાંથી બેસાડવામાં આવી હતી અને દુગ્ધા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં સારવાર માટે લઇ જવામાં આવી હતી હાલ તો આ મહિલા સારવાર હેઠળ છે અને તેની તબિયત સારી છે પ્રસુતિ થઇ નથી.

Most Popular

To Top