National

ઝુબીન ગર્ગના મિત્રનો આક્ષેપ, ગાયકને “ઝેર આપવામાં આવ્યું હતું”

પ્રખ્યાત ગાયક ઝુબીન ગર્ગના રહસ્યમય મોતના કેસમાં નવો વળાંક આવ્યો છે. તેમના મિત્ર બેન્ડમેટ શેખર જ્યોતિ ગોસ્વામીએ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે ઝુબિનને તેમના મેનેજર સિદ્ધાર્થ શર્મા અને ફેસ્ટિવલ આયોજક શ્યામકાનુ મહંત દ્વારા ઝેર આપવામાં આવ્યું હતું. ગોસ્વામીએ આ ઘટનાને અકસ્માત નહીં પરંતુ કાવતરું ગણાવીને સત્તાવાર તપાસની માંગ કરી છે.

બેન્ડમેટનો આક્ષેપ
ગોસ્વામીએ જણાવ્યું કે ઝુબીન સાથે સિંગાપોરની પેન પેસિફિક હોટેલમાં રોકાયેલા મેનેજર શર્માનું વર્તન પહેલાથી જ શંકાસ્પદ હતું. યાટ ટ્રિપ દરમિયાન મેનેજરે બળજબરીથી કેપ્ટન પાસેથી યાટનું નિયંત્રણ લઈ લીધું હતું. જેના કારણે બધા મુસાફરોના જીવ જોખમમાં મુકાયા હતા.

ગોસ્વામીએ વધુમાં જણાવ્યું કે આસામ એસોસિએશન (સિંગાપોર)ના સભ્ય તન્મય ફુકન દ્વારા પીવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. તે દરમિયાન ઝુબીનને અચાનક શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી અને તે ડૂબવાની સ્થિતિમાં પહોંચી ગયા. ત્યારે મેનેજરે બૂમ પાડી હતી “જબો દે, જબો દે” (તેને જવા દો).

ઝેર આપવાનો આરોપ
ગોસ્વામીનો દાવો છે કે ઝુબીન એક તાલીમ પામેલા તરવૈયા હતા. તેથી સામાન્ય રીતે ડૂબી જવાથી તેમનું મૃત્યુ થવું અશક્ય છે. તેમણે સ્પષ્ટ આક્ષેપ કર્યો કે શર્મા અને મહંતે મળીને ઝુબીનને ઝેર આપ્યું અને આખી ઘટના છુપાવવા સિંગાપોરનું સ્થાન પસંદ કર્યું.

જ્યારે ઝુબીનના મોં અને નાકમાંથી ફીણ આવવા લાગ્યા ત્યારે શર્માએ તેને “એસિડ રિફ્લક્સ” ગણાવીને અન્ય લોકોને ચિંતા ન કરવા કહ્યું. પરંતુ તાત્કાલિક તબીબી સહાય ન બોલાવીને પરિસ્થિતિ વધુ ખરાબ કરી.

તપાસમાં નવા સવાલ
પોલીસે શર્મા વિરુદ્ધ પહેલેથી જ એફઆઈઆર નોંધાવી છે. જેમાં હત્યા, ગુનાહિત કાવતરું અને ગુનાહિત હત્યા જેવા ગંભીર આક્ષેપો સામેલ છે. શર્મા અને મહંતે તમામ આરોપોને નકારી કાઢ્યા છે પરંતુ તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ સાક્ષીઓના નિવેદનો અને નાણાકીય વ્યવહારો તેમના વિરુદ્ધ શંકા મજબૂત કરે છે.

ઝુબીન ગર્ગના મોતના કેસમાં આ નવો ખુલાસો તેમના ચાહકો અને સંગીત જગતમાં ભારે ચકચાર પેદા કરી રહ્યો છે.

Most Popular

To Top