World

બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ

બાંગ્લાદેશના મૈમનસિંઘ જિલ્લામાં એક હિંદુ યુવકની ક્રૂર હત્યાની ઘટનાએ દેશભરમાં ભારે ચકચાર જગાવી છે. સનાતન હિંદુ યુવક દીપુ ચંદ્ર દાસની હત્યા કેસમાં વચગાળાની યુનુસ સરકારે કડક કાર્યવાહી કરતા રેપિડ એક્શન બટાલિયન (RAB) દ્વારા સાત શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે. આ માહિતી બાંગ્લાદેશ સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે જાહેર કરી છે.

સ્થાનિક સૂત્રો અને બાંગ્લાદેશી મીડિયાના અહેવાલો અનુસાર 27 વર્ષીય દીપુ ચંદ્ર દાસ મૈમનસિંઘ જિલ્લાના બાલુકા વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં લિંકિંગ વિભાગમાં કામ કરતા હતા. ફેક્ટરીમાં કામ દરમિયાન દીપુ ચંદ્ર દાસે એક સહકાર્યકર સાથે વાતચીત દરમિયાન કથિત રીતે વાંધાજનક ટિપ્પણી કરી હતી. આ વાત થોડા જ સમયમાં ફેક્ટરીની બહાર ફેલાઈ ગઈ હતી. બનાવ ગઈ 18 ડિસેમ્બરે બન્યો હતો.

આ ઘટનાને પગલે ફેક્ટરીના ગેટની બહાર લોકો એકઠા થવા લાગ્યા હતા. શરૂઆતમાં ભીડ નાની હતી પરંતુ થોડા સમયમાં તે વધીને અંદાજે 1,500થી 2,000 લોકો સુધી પહોંચી ગઈ હતી. ભીડમાં ગુસ્સો વધતો ગયો અને સૂત્રોચ્ચાર શરૂ થયા. કેટલાક લોકોએ ફેક્ટરીમાં ઘુસવાનો પ્રયાસ કર્યો. જેના કારણે ફેક્ટરીના કામદારો અને વિરોધકારીઓ વચ્ચે તણાવ સર્જાયો હતો.

પરિસ્થિતિ બેકાબૂ બનતી જોઈને ઔદ્યોગિક પોલીસ અને ભાલુકા મોડેલ પોલીસ સ્ટેશનની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને ભીડને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં પરિસ્થિતિ વધુ વણસી ગઈ અને આ દરમિયાન દીપુ ચંદ્ર દાસ પર હુમલો કરી તેમની હત્યા કરવામાં આવી. ત્યારબાદ તેના મૃતદેહ સળગાવી દેવામાં આવ્યો હતો.

આ ગંભીર ઘટનાને લઈ RAB દ્વારા સંકલિત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓમાં મોહમ્મદ લિમોન સરકાર (19), મોહમ્મદ તારેક હુસૈન (19), મોહમ્મદ માણિક મિયા (20), ઇર્શાદ અલી (39), નિજુમ ઉદ્દીન (20), આલમગીર હુસૈન (38) અને મોહમ્મદ મિરાજ હુસૈન અકોન (46)નો સમાવેશ થાય છે. તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

યુનુસ વહીવટીતંત્રએ ઘટનાની સખત નિંદા કરી છે અને સ્પષ્ટ જણાવ્યું છે કે નવા બાંગ્લાદેશમાં ધાર્મિક કે કોઈપણ પ્રકારની હિંસાને કોઈ સ્થાન નથી. સરકાર દ્વારા લોકો સંયમ રાખવા અને અફવાઓથી દૂર રહેવાની અપીલ પણ કરવામાં આવી છે.

Most Popular

To Top