National

ભારત મંડપમમાં ચાલી રહેલા એઆઈ સમિટ દરમિયાન યુથ કોંગ્રેસનો વિરોધ, ભાજપે ગણાવ્યું દેશવિરોધી કૃત્ય

નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે આયોજિત India AI Impact Summit દરમિયાન શુક્રવાર આજરોજ તા. 20 ફેબ્રુઆરીના રોજ યુથ કોંગ્રેસના કાર્યકરોએ ભારે વિરોધ પ્રદર્શન કર્યુ હતું. ભારત-અમેરિકા ટ્રેડ ડીલના મુદ્દે કેન્દ્ર સરકાર વિરુદ્ધ આ પ્રદર્શન કરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે. ઘટનાસ્થળેકોંગ્રેસના કાર્યકરોએ ટી-શર્ટ ઉતારી સૂત્રોચ્ચાર કરાતા તંગદિલીનો માહોલ સર્જાયો હતો. પોલીસે તરત જ કાર્યવાહી કરી તમામ પ્રદર્શનકારીઓને અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી છે. Indian Youth Congressએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ઘ તેમની વિદેશ નીતિ પર સવાલો ઉઠાવ્યા હતા. યુથ કોંગ્રેસે એવો દાવો કર્યો છે, કે દેશના હિત સાથે કોઈ સમાધાન સ્વીકાર્ય નથી અને સરકારની નીતિઓ પર પારદર્શક ચર્ચા જરૂરી છે. પ્રદર્શન દરમિયાન પીએમ મોદી વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા.

આ ઘટનાને લઈને ભાજપે કડક પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. ભાજપ આઈટી સેલના વડા અમિત માલવિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કોંગ્રેસ પર આક્ષેપ કર્યો કે વૈશ્વિક સ્તરે પ્રતિષ્ઠિત સમિટ દરમિયાન આવા પ્રદર્શનથી દેશની છબીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થયો છે. તેમણે જણાવ્યું કે રાજકીય વિરોધ લોકશાહીનો હિસ્સો છે, પરંતુ આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતને શરમજનક સ્થિતિમાં મૂકવું યોગ્ય નથી. ભાજપના પ્રવક્તા પ્રદીપ ભંડારીએ પણ કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તેમણે આ ઘટનાને દેશવિરોધી ગણાવી અને કહ્યું કે વિશ્વ સમક્ષ દેશની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડવી અયોગ્ય છે. તેમના મુજબ, આ પ્રકારના કૃત્યો દેશના વિકાસ અને પ્રગતિના પ્રયાસોને કમજોરી બનાવે છે. સમિટ દરમિયાન સર્જાયેલા આ રાજકીય વિવાદે રાજધાનીમાં રાજકીય તાપમાન વધારી દીધું છે. એક તરફ યુથ કોંગ્રેસ સરકારની નીતિઓ સામે આક્રોશ વ્યક્ત કરી રહી છે, તો બીજી તરફ ભાજપ તેને દેશની છબી સાથે ચેડાં કરવાના પ્રયાસ તરીકે રજૂ કરી રહી છે. દિલ્હી પોલીસ સૂત્રોએ કહ્યું છે કે તેમના વિરુદ્ધ લીગલ એક્શન લેવામાં આવશે. પોલીસના અનુસાર આ કિસ્સામાં કૃષ્ણા હરિ, રાષ્ટ્રીય સચિવ, યુથ કોંગ્રેસ, કુંદન યાદવ, બિહાર સચિવ, અજય કુમાર, પ્રદેશ કોંગ્રેસ અને નરસિમ્હા યાદવ, તેલંગાનાને હિરાસતમાં લીધા છે.

Most Popular

To Top