ભારતના અંગ્રેજી પ્રિન્ટ પત્રકારત્વમાં, ઉત્તમ એડિટરોની એક લાંબી પરંપરા રહી છે. ઇલેક્ટ્રોનિક મીડિયા અને સોશ્યલ મીડિયાના પ્રસારમાં પ્રિન્ટનાં વળતાં પાણી છે અને તેમાં ધુરંધર એડિટરોનો વેલો સુકાઈ રહ્યો છે. એ પરંપરાના આખરી પ્રતિનિધિ કહી શકાય તેવા 80 વર્ષીય અરુણ શૌરીનું “ધ કમિશનર ફોર લોસ્ટ કોઝિઝ”નામનું પુસ્તક આવ્યું છે. ધ ઇન્ડિયન એકસપ્રેસના માલિક રામનાથ ગોયંકાએ શૌરીને એવું કહેલું કે તારી કેબીન બહાર કમિશનર ફોર લોસ્ટ કોઝિઝ એવું બોર્ડ લગાવી દેવું જોઈએ- નિષ્ફળ અભિયાનોનો અધિકારી. શૌરીએ એવું ખોજી પત્રકારત્વ કર્યું હતું જેથી ભારતીય જાહેર જીવનમાં શુદ્ધતા આવે. ગોયંકાએ જાડી ચામડીના રાજકારણીઓ પર વ્યંગ કરતાં કહ્યું કે તું આ બધી લડાઈઓ લડે છે પણ આ લોકો ના સુધરે. ન્યૂયોર્કમાંથી અર્થશાસ્ત્રમાં ડોકટરેટ થયેલા શૌરી ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ અને ‘ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’માં એડિટર હતા અને પાછળથી અટલ બિહારી વાજપેઈની સરકારમાં માહિતી અને વાણિજ્ય મંત્રાલયમાં મંત્રી બન્યા હતા. શૌરી અત્યારે નિવૃત્ત છે અને લખવા-વાંચવામાં સમય પસાર કરે છે.
તેમની પત્ની અનિતા પાર્કિન્સનની બીમારીથી પીડાય છે. તેમને 34 વર્ષનો એક દીકરો આદિત્ય છે, જેને જન્મથી જ સેરેબ્રલ પાલ્સી (મગજનો લકવા) છે. તે પગ પર ઊભો નથી રહી શકતો, જમણો હાથ ઉપયોગમાં લઇ નથી શકતો, એની દ્રષ્ટિ બેઢંગ છે, એ અટકી-અટકીને બોલે છે અને એનું મગજ નાના બાળક જેવું છે. શૌરી અને એમની પત્ની અનિતાએ 34 વર્ષ આદિત્યની સેવા પાછળ ગાળ્યાં હતાં, હવે 80 વર્ષે શૌરી બંનેની સારવાર કરે છે. એક જગ્યાએ તેમણે કહ્યું હતું, “મેં આખી જિંદગી પત્ની અને પુત્રની સેવા કરી છે. મેં આફતને આરાધનામાં તબદીલ કરી નાખી” તેમના નવા પુસ્તકના સંદર્ભે, હમણાં એક ઇન્ટરવ્યૂમાં, વરિષ્ઠ અંગ્રેજી પત્રકાર રિતુ સરિને અરુણ શૌરીને એક પ્રશ્ન પૂછ્યો હતો, “લોકો તમને કઈ રીતે યાદ રાખે તે ગમે, તમે તો મંત્રી પણ બન્યા હતા?” તેના જવાબમાં શૌરીએ એક સરસ વાત કરી હતી:
“હું માત્ર આદિત્યના પિતા તરીક ઓળખાવો જોઈએ. મને કશું હોવાનું ગૌરવ નથી. અટલ બિહારી વાજપેઈ જયારે વડાપ્રધાન હતા ત્યારે, સંસદના સિક્યુરીટી ગેટ પાસે પર્સનલ સુપરવાઇઝરે એક વાર મને તલાશી વગર જવા દીધો અને કહ્યું હતું, ‘શૌરીસાબ, તમારી ઓળખ મંત્રી તરીકેની નથી, અમે કોલેજમાં તમારા લેખો વાંચતા હતા.” એમાં એક મહત્ત્વની વાત શીખવા જેવી હતી: વી શુડ નોટ બિકમ અવર જોબ્સ- આપણો વ્યવસાય એ આપણું વ્યક્તિત્વ નથી. પાણી ઓસરે એટલે બધી સાહેબી જતી રહે. હું મારા પિતાથી પ્રેરિત થયો હતો. 75 વર્ષની ઉંમરે તે પેન્ટીંગ કરતાં શીખ્યા હતા. એ એકલા હાથે તેમની વ્યસ્તતા શોધી લેતા હતા અને 94 વર્ષે પણ બીજા લોકોની જેમ સક્રિય હતા.”
આ સમજવા જેવું છે. આપણે આપણા કામથી ઓળખાઈએ છીએ અને તેમાં આપણને કશું ખોટું લાગતું નથી કારણ કે આખી દુનિયામાં સદીઓથી લોકો તેમના વ્યવસાયને જ તેમની આઇડેન્ટિટી ગણે છે. આપણને કોઈ વ્યક્તિ પહેલી વાર મળે ત્યારે તે આપણને પહેલો પ્રશ્ન એ પૂછે કે “તમે શું કરો છો?”અથવા બાળપણમાં આપણને પહેલો સવાલ એ કરવામાં આવે કે, “તું કોનો દીકરો છે, તારા પપ્પા શું કરે છે?” આપણને આપણા સ્ટેટસ પ્રમાણે માન-પાન મળે છે. દાખલા તરીકે જવાબમાં તમે એમ કહો કે, “હું ઇન્કમટેક્સ ઓફિસર છું” અને હું એમ કહું કે, “હું કરિયાણાની દુકાન ચલાવું છું” તો સામેવાળી વ્યક્તિનો વ્યવહાર મારા અને તમારા માટે અલગ હશે. સામાજિક અસમાનતાનો જન્મ અહીંથી થાય છે. બીજું, આપણે આ ઓળખને એટલી સાચી માની લઈએ છીએ કે આપણી અસલી માણસાઈ ભૂલી જઈએ છીએ.
1995ની આસપાસ, અમિતાભ બચ્ચન સાથે એક વાતચીતમાં તેના પુરોગામી સુપરસ્ટાર રાજેશ ખન્નાએ તેને પૂછ્યું હતું કે, “મારી સમસ્યા એ હતી કે હું ઘરમાં પણ સુપરસ્ટાર હતો. મારા માટે ઘર અને કામ વચ્ચે વિભાજન નહોતું. હું મારી રોમેન્ટિક ઈમેજને ઘરે લઇ જતો હતો. તું પડદા પરના ગુસ્સાને ઘરે લઇ જતો હતો?” ત્યારે અમિતાભે કહ્યું હતું કે, “મને તો એ પણ ખબર નથી કે હું પડદા પર સારું કામ કરું છું કે નહીં. હું ડિરેકટર કહે એ રીતે મારું કામ કરીને છૂટો થઇ જાઉં છું. શૂટિંગમાં પેક-અપ થાય એટલે હું પણ પેક-અપ કરી દઉં છું.”
બીજા લોકો આપણને આપણા કામથી ઓળખે એ સમસ્યા નથી. સમસ્યા ત્યારે શરૂ થાય જયારે તમે તમારી પત્ની કે બાળકો સામે ‘સુપરસ્ટાર રાજેશ ખન્ના”તરીકે પેશ આવો. આપણા કામ-વ્યવસાય સિવાય આપણે કોણ છીએ તે આપણે શોધવું જોઈએ. કામનું તો એવું છે આપણા વગર એ અટકતું નથી અને એમાં આપણા વિકલ્પો પણ મળી રહેવાના છે. સારું કામ હોય તો આપણા ચારિત્ર્યનું ઉત્તમ ઘડતર થાય પરંતુ કારકિર્દી એ આપણું વ્યક્તિત્વ ન બને.
આપણે “પરિશ્રમ એ જ પરમેશ્વર”ની સંસ્કૃતિમાં જીવી રહ્યા છીએ, જ્યાં દરેક માણસ તેના કામથી ઓળખાય છે; હું એડિટર, હું મંત્રી, હું શિક્ષક, હું વકીલ, હું ડૉક્ટર, હું ઇન્સ્પેકટર વગેરે. આપણું આત્મસન્માન આપણા કામમાંથી આવે છે: “તને ખબર છે હું કોણ છું?”માણસ હોવાની આપણી અસલિયત પર આપણું કામ હાવી થઇ ગયું છે. મારી પાસે મોટું નામ છે અને દામ છે એટલે હું બીજા કરતાં બહેતર છું અથવા બીજા કરતાં વધુ સુખી છું એવું નથી. શક્ય છે કે હું બહુ જાણીતો હોઉં પણ એ મારા માણસ હોવાની વ્યાખ્યા નથી. કદાચ માણસ તરીકે, પિતા કે પુત્ર કે ભાઈ કે ભાઈબંધ તરીકે હું ભંગાર પણ હોઉં. અમેરિકા તેની કામ કરવાની સંસ્કૃતિ માટે જાણીતું છે. તેની અપાર ભૌતિક સમૃદ્ધિ 24 કલાક કામ કરવાની પરંપરામાંથી આવી છે. અમેરિકામાં દરેક માણસ અતિશય કામ કરે છે અને અતિશય કમાય છે પરંતુ 21મી સદીમાં આવીને હવે ત્યાં ભાન આવવા લાગ્યું છે કે ભૌતિક સમૃદ્ધિ અને સફળતાની અવિરત દોડમાં સંબંધો અને જીવનની સાર્થકતાનો ભોગ લેવાઈ રહ્યો છે.
ત્યાં માણસો ટાર્ગેટ પૂરા કરવા માટે આખી જિંદગી ઘસી કાઢે છે પણ સંતાનો માટે સમય કાઢી શકતા નથી. તેને “વર્કિઝમ”કહે છે-કામવાદ. વર્કિઝમમાં કામ કરવાથી માત્ર આર્થિક ફાયદો થાય છે એટલું જ નહીં, કામ તમારી આઇડેન્ટિટી અને જીવનનું લક્ષ્ય પણ છે. બધાએ કામ જ કરવું જોઈએ અને એ જ એકમાત્ર ધ્યેય હોવું જોઈએ. આપણે આપણા લેબલોથી વિશેષ છીએ. કોઈક દિવસ ખુદની ઓળખાણ આપવાની થાય ત્યારે, તમારા વ્યવસાય, ડિગ્રી, કંપની, જ્ઞાતિ, કોલેજ કે શહેરનું નામ વગર, તમારા ચરિત્ર્ય, સ્કિલ, ગુણ, સિદ્ધાંતો, વિચારો વગેરેથી ઓળખ આપી જોજો. ખબર પડશે કે આપણે માત્ર સામાજિક લેબલો છીએ, માણસ નહીં.