Gujarat

પરવટ પાટિયા પર ચપ્પુ બતાવી યુવાનનું સરેઆમ અપહરણ

સુરત : સુરત શહેરના પરવટ પાટિયા વિસ્તારમાં ધોળા દિવસે ચપ્પુની અણીએ કુરિયરબોયનું અપહરણ કરવામાં આવ્યું હતું. થોડા દિવસ પહેલા હોટલમાં બેસવા બાબતે થયેલા ઝગડાનો બદલો લેવા યુવાનને જાહેરમાં માર મારી કારમાં ઉપાડી જઇ ડિંડોલી વિસ્તારમાં છોડી દેવામાં આવ્યો હતો.

આ ઘટનાની મળતી માહિતી અનુસાર ડિંડોલી વિસ્તારમાં રહેતા ફરિયાદી પ્રદીપસિંહ રાજેશ્વરસિંહ રાજપૂત કુરિયર બોય તરીકે નોકરી કરે છે, તેમણે પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ ઘટના 16 જાન્યુઆરી, 2026ના રોજ બપોરે આશરે 1:30 વાગ્યે પરવટ પાટિયા ચાર રસ્તા પાસે, ડી.જી.પોઈન્ટ એપાર્ટમેન્ટની સામે બની હતી.

પ્રદીપસિંહ જ્યારે કુરિયરની ડિલિવરી આપીને નીચે ઊતર્યા ત્યારે આકાશ રાજપૂત, ગોપાલ અને અન્ય છ જેટલા શખસોએ તેમને ઘેરી લીધા હતા. આરોપીઓએ તેમને ગાળો આપી માર માર્યો હતો અને બળજબરીપૂર્વક બ્લૂ કલરની સુઝુકી ફોર-વ્હીલ ગાડીમાં બેસાડી દીધા હતા.

ગાડીમાં બે ઇસમોએ પ્રદીપસિંહની કમર પર ચપ્પુ રાખી તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અપહરણકારો તેમને મહારાણા પ્રતાપ ચોક, પૂર્વાંચલ રેસ્ટોરન્ટ અને ડિંડોલી બ્રિજ નીચે ફેરવી અંતે કેસર ભવાની સોસાયટી પાસે ઉતારીને ફરાર થઈ ગયા હતા. પોલીસ ફરિયાદ મુજબ, આ ઘટના પાછળ 14 જાન્યુઆરીના રોજ થયેલી એક માથાકૂટ જવાબદાર છે. પૂર્વાંચલ રેસ્ટોરન્ટમાં બેસવા જેવી નજીવી બાબતે પ્રદીપસિંહ અને આરોપી આકાશના પિતરાઈ ભાઈ અભિષેક રાજપૂત વચ્ચે બોલાચાલી થઈ હતી, જેમાં પ્રદીપસિંહે અભિષેકને માર માર્યો હતો. આ અદાવત રાખીને આકાશે તેના મિત્રો સાથે મળીને આ અપહરણનું કાવતરું ઘડ્યું હોવાનું મનાય છે.

Most Popular

To Top