વોટ્સએપની નવી ગોપનીયતા નીતિ તેના માટે જ પડકાર બની ગઈ છે. નવી નીતિના આગમન પછી, લાખો લોકોએ વોટ્સએપ (WhatsApp)ને અલવિદા કહી દીધું, ત્યારબાદ ઘણા લોકોએ વોટ્સએપ પે માટે પણ સાઇન અપ કર્યું નહીં. વોટ્સએપની નવી નીતિને લઈને સુપ્રીમ કોર્ટ (SUPREME COURT)માં સુનાવણી પણ ચાલી રહી છે. 15 ફેબ્રુઆરીએ સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે નવી ગોપનીયતા નીતિ અંગે વોટ્સએપ અને ફેસબુક (FACEBOOK)ને નોટિસ પાઠવી છે.
વોટ્સએપે આ વર્ષે જાન્યુઆરીમાં નવી ગોપનીયતા નીતિ જારી કરી હતી, જે મુજબ ઉપભોક્તા આ નીતિ માટે હામી નહીં આપે ત્યાં સુધી તેમાં એન્ટર કરી શકાય નહીં તેવું ઇન્ટરફેસ (INTERFACE) રાખવામાં આવ્યું હતું. જેનાથી ઘણા લોકોને પોતાની પર્સનલ ઇન્ફો માટે વાંધો હતો, જો કે ઘણી ફરિયાદોના કારણે આ કેસ આખરે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. જેના કારણે ઘણો વિવાદ પણ સર્જાયો હતો. આ મામલે સુપ્રીમ કોર્ટ અને દિલ્હી હાઈકોર્ટ (DELHI HIGH COURT)માં પણ જાહેર હિતની અરજી કરવામાં આવી છે. હવે આ કેસની સુનાવણી કરતાં કોર્ટે ફેસબુક અને વોટ્સએપ પાસેથી જવાબ માંગ્યા છે. અને હવે આ કેસની સુનાવણી ચાર અઠવાડિયા પછી થશે.
ચીફ જસ્ટિસ એસ.એ.બોબડેએ કરમણ્યસિંહ સરીનની વચગાળાની અરજી પર સરકાર અને ફેસબુકની માલિકીની વોટ્સએપને નોટિસ ફટકારી છે. આ સૂચના બાકી રહેલી 2017 પિટિશનમાં દાખલ કરેલી વચગાળાની અરજી પર જારી કરવામાં આવી છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે લોકો કંપની કરતાં તેમની ગુપ્તતાને વધારે મૂલ્ય આપે છે, પછી ભલે તે કંપનીની એક ટ્રિલિયન રૂપિયાની હોય. વોટ્સએપે ટોચની અદાલતને જણાવ્યું હતું કે યુરોપમાં ગોપનીયતા અંગે વિશેષ કાયદો છે, જો ભારતમાં સમાન કાયદો હોય તો તે તેનું પાલન કરશે.
મહત્વની વાત છે કે આ કેસ 2016થી કોર્ટમાં ચાલી રહ્યો છે. કર્મણ્યા સિંહ સરીને 2016 માં સુપ્રીમ કોર્ટમાં વોટ્સએપની ગોપનીયતા નીતિ વિરુદ્ધ અરજી કરી હતી. પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે વોટ્સએપ ફેસબુક પર આવ્યો ત્યારથી જ ફેસબુક સાથે વોટ્સએપ વપરાશકારોનો ડેટા શેર કરવામાં આવી રહ્યો છે. જે ઉપભોક્તાની ગોપનીયતાના મુદ્દે ગંભીરતા માંગી લે છે, વોટ્સએપ તો બાદમાં આવ્યું પણ ફેસબુક પહેલાથી જ આ વાત માટે વિવાદમાં છે.