અબુ સાલેમ 1993ના મુંબઈ શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કેસમાં દોષિત ઠરાવવામાં આવ્યો હતો અને હાલમાં જેલમાં સજા ભોગવી રહ્યો છે. સર્વોચ્ચ અદાલતે અબુ સાલેમ દ્વારા દાખલ કરાયેલ મુક્તિ અરજી પર તાત્કાલિક રાહત આપવા ઇનકાર કર્યો છે. તેણે કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે તેને મળેલી 25 વર્ષની સજા હવે પૂર્ણ થઈ ગઈ છે, તેથી તેને વધુ સમય સુધી કેદમાં રાખવું કાયદેસર નથી અને તેને મુક્ત કરવો જોઈએ. તેના જવાબમાં સુપ્રીમ કોર્ટે અબુ સાલેમની અરજી ફગાવી કહ્યુ કે “તમે કોઈ સારું કામ કર્યું નથી”. તમને ટાડા (આતંકવાદી અને વિક્ષેપકારક પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ) હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા છે.આ તબક્કે સીધી રાહત આપવામાં આવી શકશે નહીં.
અબુ સાલેમને પોર્ટુગલમાંથી ભારત લાવવામાં આવ્યો હતો. તેની સોંપણી સમયે ભારત સરકારે ખાતરી આપી હતી કે તેને 25 વર્ષથી વધુ સજા આપવામાં નહીં આવે. આ આશ્વાસનના આધારે જ તેની ભારત તરફ સોંપણી શક્ય બની હતી. અબુ સાલેમનો દાવો છે કે જેલમાં સારા વર્તન બદલ મળતી રિમિશન સહિત તેની સજા ગણવામાં આવે તો તે 25 વર્ષનો સમય પૂર્ણ કરી ચૂક્યો છે. તેના વકીલોએ દલીલ કરી હતી કે સજા સમયગાળાની ગણતરી કરતી વખતે કાયદા મુજબ મળતા તમામ લાભોનો સમાવેશ કરવો જોઈએ અને જો આ રીતે ગણતરી કરવામાં આવે તો તેની કેદની મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે.
રાજ્ય સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે સજા સમયગાળાની ચોક્કસ ગણતરી અંગે હજી સ્પષ્ટતા આવવાની બાકી છે અને આ મુદ્દો હાઈકોર્ટ સમક્ષ ચાલી રહ્યો છે. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે હાઈકોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહી પૂર્ણ થયા પછી જ સ્પષ્ટ નિણર્ય આવી શકશે કે અબુ સાલેમે વાસ્તવમાં 25 વર્ષની સજા પૂર્ણ કરી છે કે નહીં. કોર્ટએ આ તબક્કે કોઈ અંતિમ અભિપ્રાય આપવાનો ઇનકાર કર્યો અને અરજી પર રાહત આપ્યા વગર મામલો હાઈકોર્ટ પર છોડી દીધો.
આ કેસ માત્ર એક કેદીની મુક્તિનો મુદ્દો નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય કરારો અને સજા ગણતરીની પદ્ધતિ અંગેના મહત્વપૂર્ણ પ્રશ્નોને પણ સ્પર્શે છે. જો હાઈકોર્ટ અબુ સાલેમના પક્ષમાં નિર્ણય આપે તો તેની મુક્તિનો માર્ગ ખુલ્લો થઈ શકે છે, પરંતુ જો દલીલો અસ્વીકારવામાં આવે તો તેને વધુ સમય સુધી જેલમાં રહેવું પડી શકે છે. કાનૂની નિષ્ણાતોનું માનવું છે કે આ કેસમાં રિમિશન કેવી રીતે ગણવામાં આવે અને આંતરરાષ્ટ્રીય આશ્વાસનને કઈ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે તે મહત્વપૂર્ણ મુદ્દા રહેશે. હાલ માટે અબુ સાલેમને કોઈ રાહત મળેલી નથી અને તે જેલમાં જ રહેશે. હવે સમગ્ર નજર હાઈકોર્ટના નિર્ણય પર ટકી છે. આવનારા દિવસોમાં હાઈકોર્ટની સુનાવણી બાદ જ સ્પષ્ટ થશે કે અબુ સાલેમને કાયદાકીય રીતે મુક્તિ મળે છે કે નહીં.