સુરત : કોરોના (CORONA) ફરી વકરતાં ફરી આપણે લોકડાઉન (LOCK DOWN) તરફ આગળ વધી રહ્યા હોય તેવું પ્રતીત થઇ રહ્યું છે, છેલ્લા એક વર્ષથી લોકોના રોજગાર ધંધા પાટે ચઢ્યા નથી. તો બીજી તરફ પોલીસ લોકોને પકડી કોવિડ ગાઇડલાઇન(GUIDELINES)નું પાલન નહીં કરનારા લોકોની સામે એપેડેમીટ એક્ટ મુજબ ગુનો નોંધવાનું શરૂ કર્યું છે.
અડાજણ પોલીસ(ASAJAN POLICE)નો સ્ટાફ એલપી સવાણી રોડ, ટીજીબી કોમ્પલેક્ષ પાસે પેટ્રોલીંગ કરતા હતા ત્યારે એક વિદ્યાર્થી અધુરુ માસ્ક (MASK) પહેરીને નીકળ્યો હતો. પોલીસે તેને અટકાવ્યો હતો, માસ્ક નહી પહેરવા બદલ દંડની માંગણી કરી હતી. ત્યારે આ યુવકે કહ્યું કે, મારી પાસે પૈસા નથી, તું મને ફાંસીએ લટકાવી દે, પરંતુ દંડ તો નહીં જ ભરુ. કહીને પોલીસની સાથે માથાકૂટ કરી હતી. જો કે પોલીસે પોતાની સત્તાનો ઉપયોગ કરીને પાલનપુર જકાતનાકા પાસે સંધ્યાવદન સોસાયટીમાં રહેતા અમીત રામાશ્રેય સહાનીની સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
બીજા કિસ્સામાં અઠવાલાઇન્સ પોલીસ લાઇનમાં રહેતા 50 વર્ષીય શંકરભાઇ રુમાલભાઇ ભુરીયા હાલ શહેર ટ્રાફિક પોલીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. આ સાથે તેઓ શહેર ટ્રાફિક પોલીસની ક્રેન પર નોકરી કરી રહ્યા છે. તેઓ સાંજે પાંચ વાગ્યે લાલગેટ મહાલક્ષ્મી બેગ નામની દુકાન પાસે ગેરકાયદે પાર્ક કરેલા વાહનો ઉંચકી લઇ ક્રેનમાં મુકી રહ્યા હતા. આ પૈકી પોલીસે કબજે લીધેલી એક્ટીવાને છોડાવવા માટે દિપક મુકેશ શાહ (રહે. અરહિંત કોમ્પ્લેક્ષની સામે હરીનગર, ઉધના) અને લલીત લહેરીલાલ પ્રજાપતિ (રહે. જલારામ નગર, પાંડેસરા)એ ભેગા મળી ટ્રાફિક પોલીસ સાથે જીભાજોડી કરી તથા જાહેરમાં બુમ મચાવી પોલીસ સાથે અડચણ ઉભુ કર્યું હતું.
જેથી શંકરભાઇએ પોલીસ કંટ્રોલ રૂમ મારફત લાલગેટ પોલીસને જાણ કરી હતી. જેના પગલે દોડી આવેલી લાલગેટની પીસીઆર વાનમાં બંને યુવકોને બેસાડી દઇ લાલગેટ પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો. બાદમાં પોલીસે તેઓના વિરુદ્ધ ફરજમાં રૂકાવટની પોલીસ ફરિયાદ નોંધી બંનેની ધરપકડ કરી હતી.