ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશમાં પેપર લીકના (Paper leak) મામલાઓ દિવસે ને દિવસે વધી રહ્યા છે. ત્યારે યુપીના (U.P) મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath) હવે સરકારી પરીક્ષાઓના પેપર લીકને લઈને એક્શન મોડમાં દેખાઈ રહ્યા છે. યુવાનોના ભવિષ્ય સાથે થઇ રહેલા ચેંડાને દૂર કરવા માટે યોગી સરકાર હવે કડક કાયદો (Law) લાવવા જઈ રહી છે.
ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે આ મામલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, તેઓ યુપીમાં યોજાનારી ભરતી પરીક્ષાઓમાં પેપર લીકને રોકવા માટે ટૂંક સમયમાં નવો કાયદો લાવવા જઈ રહ્યા છે. અમે કોઈપણ કિંમતે યુવાનોના ભવિષ્ય સાથે રમત સ્વીકારીશું નહીં. તેમજ આમ યુવાનોના ભવિષ્ય સાથે ચેંડા કરનાર સામે સખત કાર્યવાહી કરવામાં આવશે.
અસલમાં યુપીમાં લોકસભા ચૂંટણી પહેલા યોજાયેલી કોન્સ્ટેબલ ભરતી પરીક્ષાનું પેપર લીક થવાનો મામલો ભારે ગરમાયો હતો. હવે સીએમ યોગીએ આ મામલે એક્શન લેતા કહ્યું હતું કે યુવાનો વિરુદ્ધ કામ કરી રહેલા કોપી માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જો તેઓ યુવાનોના ભવિષ્ય સાથે રમત કરશે તો અમે તેમના પ્રત્યે કોઈ નમ્રતા નહીં દાખવીએ. સીએમ યોગી કે જેઓ ઉત્તર પ્રદેશમાં ગૃહ, ન્યાય અને કાયદા વિભાગ પણ સંભાળે છે, તેમણે સ્પષ્ટ કર્યું છે કે નકલ વિરોધી કાયદાનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે.
8 ભરતી પરીક્ષાના પેપર લીક થયા
માહિતી અનુસાર યુપીમાં છેલ્લા 7 વર્ષમાં 8 ભરતી પરીક્ષાના પેપર લીક થયા છે, જેમાં RO/ARO, UPSSSC, PET અને UPTETના પેપર લીકની ઘટનાઓ પણ સામેલ છે, હવે યોગી સરકાર આ પેપર માફિયાઓને રોકવા માટે ખૂબ જ કડક કાયદો ઘડશ. તેમજ સરકાર ટૂંક સમયમાં પેપર લીકનો કાયદો લાવવા જઈ રહી છે. આ કાયદા હેઠળ પેપર લીક કેસમાં સામેલ ગુનેગારોને 1 કરોડ રૂપિયા સુધીનો દંડ તેમજ આજીવન કેદની સજા પણ થઈ શકે છે.
આ સિવાય એવી જોગવાઈ પણ કરવામાં આવી રહી છે કે જો આરોપીઓ પર ગેંગસ્ટર એક્ટ લગાવવામાં આવશે તો તેની સંપત્તિ પર બુલડોઝર ચલાવવામાં આવશે. ઉપરાંત, આ કેસોમાં ગુનેગારોને ઝડપી સજા સુનિશ્ચિત કરવા માટે દરેક આરોપીની કોર્ટમાં અલગ ટ્રાયલ થશે.
પેપર લીક રોકવા માટે હવે કાયદો
હાલમાં રાજ્યમાં પેપર લીકના આરોપીઓ સરળતાથી જામીન પર છૂટી જાય છે. તેનું મુખ્ય કારણ કડક કાયદાઓની ગેરહાજરી છે. હાલમાં રાજ્યમાં 1998માં બનેલા કાયદા હેઠળ જ કાર્યવાહી થાય છે. જેમાં 1 થી 7 વર્ષની જેલ અને 10,000 રૂપિયાના દંડની જોગવાઈ છે. જેથી આરોપીઓને કઠોર સજાનો કોઈ ડર નથી અને તેઓ મુક્તિ સાથે યુવાનોના ભવિષ્ય સાથે રમત રમી રહ્યા છે.