Gujarat

ભરૂચ અને નર્મદા જિલ્લામાં આજે ગાજવીજ સાથે વરસાદનું ‘યલો એલર્ટ’

અમદાવાદ : ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સાથે જ ગરમીનો પ્રકોપ વધવા લાગ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન ૩૫ ડિગ્રીને પાર કરી ગયું છે. બીજી તરફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે હવામાન વિભાગે આવતીકાલે એટલે કે ૭ એપ્રિલના રોજ રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી સાથે ‘યલો એલર્ટ’ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ૩ દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં. જોકે, ત્યારબાદ તાપમાનમાં ધીમે-ધીમે ૨ થી ૪ ડિગ્રીનો વધારો થવાની પ્રબળ શક્યતા છે, જેને પગલે રાજ્યમાં ગરમીનું જોર વધશે. વરસાદી માહોલને જોતા ખેડૂતોને સાવચેત રહેવા અને કાપણી કરેલા પાકને સુરક્ષિત રાખવા સૂચના આપવામાં આવી છે.

હવામાન વિભાગના આંકડા મુજબ, રાજ્યમાં અત્યારે સૂર્યનો મિજાજ આકરો જણાઇ રહ્યો છે. રાજકોટ અને સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ૩૬ ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું છે. •જ્યારે અમદાવાદ, ગાંધીનગર, ભૂજ, વડોદરા, સુરત, અમરેલી અને વલ્લભ વિદ્યાનગરમાં પારો ૩૫ ડિગ્રી સેલ્સિયસ રહ્યો છે. જ્યારે નલિયા, પોરબંદર અને મહુવામાં તાપમાન ૩૨ ડિગ્રીની આસપાસ નોંધાયું છે. દમણમાં ૨૭ ડિગ્રી સાથે સૌથી ઓછું તાપમાન રહ્યું છે. હવામાન વિભાગ મુજબ દક્ષિણ કાસ્પિયન સમુદ્ર વિસ્તારમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાયક્લોનિક સર્ક્યુલેશન રૂપે સક્રિય બન્યું છે. જોકે અગાઉનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે ગુજરાત માટે અસરકારક રહ્યું નથી. આગામી ત્રણ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં ખાસ ફેરફાર થવાની શક્યતા નથી, પરંતુ ત્યારબાદ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ વચ્ચે, આવતીકાલે તા. 7 એપ્રિલ 2026ના રોજ ગુજરાતના કેટલાક જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ અને નર્મદા જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની સાથે ગાજવીજ અને 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, મોરબી, દ્વારકા તથા કચ્છ જિલ્લામાં પણ છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Most Popular

To Top