Gujarat

ગુજરાતમાં વરસાદી તોફાનનું યલો એલર્ટ

અમદાવાદ : રાજ્યમાં એક તરફ ગરમીનો પ્રકોપ વધતો જઈ રહ્યો છે તો બીજી તરફ હવામાન વિભાગે આગામી તા.18થી 20મી માર્ચ દરમ્યાન વરસાદ અને તોફાની પવન અને ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ મહુવામાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે રાજ્યમાં ઠંડીનું કેન્દ્ર બન્યું છે. જ્યારે બીજી તરફ રાજકોટમાં સૌથી વધુ 38 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું.

રાજ્યના અનેક શહેરોમાં ગરમીનો માહોલ જોવા મળ્યો હતો. જેમાં ભૂજ, રાજકોટ, સુરેન્દ્રનગર અને અમદાવાદમાં 38 ડિગ્રી સુધી તાપમાન પહોંચ્યું હતું. અમરેલી અને ગાંધીનગરમાં 37 ડિગ્રી, વડોદરા 36 ડિગ્રી, ભાવનગર અને વલ્લભ વિદ્યાનગરમાં 35 ડિગ્રી નોંધાયું હતું.હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે.

18 માર્ચથી 19 માર્ચ સવારે 8:30 વાગ્યા સુધી ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના જામનગર, મોરબી, દ્વારકા અને કચ્છ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ સાથે ગાજવીજ અને 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. 19 માર્ચથી 20 માર્ચ સુધી ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, દાહોદ, પંચમહાલ દક્ષિણ ગુજરાતના ભરુચ, સુરત, નવસારી, વલસાડ સહિતના વિસ્તારો,
સૌરાષ્ટ્ર-કચ્છમાં રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, કચ્છ સહિતના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ વિસ્તારોમાં ગાજવીજ, 40થી 50 કિમીની ઝડપે – પ્રતિ કલાકના પવન અને હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 20 માર્ચથી 21 માર્ચ દરમિયાન ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર અને કચ્છમાં હળવો વરસાદ કે ઝાપટાં પડી શકે છે.

Most Popular

To Top