National

યમુના જળસ્તર ઘટ્યું: પૂરનો ખતરો ટળ્યો, હવે કાદવ- સ્વચ્છતા અને રોગોનો ભય

દિલ્હીમાં યમુનાના પાણીનું સ્તર ઘટી જતાં પૂરનો ખતરો ઓસર્યો છે. પરંતુ અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકો માટે નવી સમસ્યાઓ ઊભી થઈ છે. યમુના બજાર, મજનુ કા ટીલા, મઠ બજાર અને નિગમ બોધ ઘાટ જેવા વિસ્તારોમાં જાડા કાદવ અને કાંપનો પડ જમા થઈ ગયો છે. જેના કારણે સફાઈ કરવી મુશ્કેલ બની ગઈ છે. રસ્તાઓ પર લપસણો કાદવ હોવાથી ટ્રાફિક પ્રભાવિત થયો છે અને અકસ્માતોની ઘટનાઓ વધી રહી છે.

સ્થાનિક લોકો કહે છે કે ઘરો, શેરીઓ અને બજારોમાં ગંદું પાણી ભરાઈ જવાથી દુર્ગંધ ફેલાઈ રહી છે અને મચ્છરનો ઉપદ્રવ વધી ગયો છે. જેના કારણે ડેન્ગ્યુ, મેલેરિયા અને અન્ય ચેપી રોગો ફેલાવાનો ભય વધ્યો છે.

પૂર દરમિયાન હજારો લોકોને કામચલાઉ રાહત શિબિરોમાં રાખવામાં આવ્યા હતા. હવે પાણી ઓસરતાં લોકો પોતાના ઘરોમાં પાછા ફરવા લાગ્યા છે. જોકે હજી વીજળી અને પીવાના પાણીનો પુરવઠો સંપૂર્ણપણે પુનઃસ્થાપિત થયો નથી. જેના કારણે દૈનિક જીવન મુશ્કેલ બની રહ્યું છે. ઘણા પરિવારો હજુ પણ લોખંડના પુલની આસપાસ અને યમુના પારના વિસ્તારોમાં કામચલાઉ તંબુઓમાં રહેવા માટે મજબૂર છે.

બજારોની સ્થિતિ પણ સામાન્ય થઈ નથી. યમુના બજાર અને મઠ બજારની કેટલીક દુકાનો ફરીથી ખુલી છે. પરંતુ માલ ભીનો થવાને કારણે વેપારીઓને ભારે નુકસાન થયું છે. ગ્રાહકોની અવરજવર ઓછી હોવાથી વેચાણ પર અસર પડી છે. વેપારીઓનું કહેવું છે કે પૂરથી આજીવિકા પર સંકટ ઊભું થયું છે અને હજી બધું સામાન્ય થવામાં સમય લાગશે.

બીજી તરફ, પીડબ્લ્યુડી (PWD) મુખ્ય રસ્તાઓ પર સફાઈ અને સમારકામના કામમાં લાગી ગઈ છે. કાશ્મીરી ગેટ ISBCT, રિંગ રોડ અને બેલા રોડ જેવા વિસ્તારોમાં કાદવ દૂર કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ક્ષતિગ્રસ્ત ફૂટપાથ અને રસ્તાઓનું સમારકામ પણ શરૂ કરવામાં આવ્યું છે. તેમ છતાં, ગલીઓ અને રહેણાક વિસ્તારોની સફાઈનો ભાર સ્થાનિક લોકો પર જ છે. જે કાદવ અને ગંદકી દૂર કરવામાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.

પૂરનો તાત્કાલિક ખતરો ભલે ટળી ગયો હોય પરંતુ સ્વચ્છતા, સ્વાસ્થ્ય અને જીવનયાપનની નવી પડકારો સામે દિલ્હી હજુ લડી રહ્યું છે.

Most Popular

To Top