ચીનના વુહાનના વહીવટીતંત્રએ શુક્રવારે તેના નાગરિકોને ઘરમાં જ રહેવાની અને બિન જરૂરી બહાર ન જવાની સલાહ આપી હતી, નોવેલ કોરોના વાયરસના મુખ્ય કેન્દ્ર રહેલાં શહેરમાં અસિમ્પ્ટોમેટિક કેસોની સંખ્યામાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે ત્યારે ફરીથી બીમારી ફેલાવાની આશંકા વચ્ચે લોકોને આ સલાહ આપવામાં આવી હતી. શહેરમાં 9 અઠવાડિયાનું લોકડાઉન થોડા દિવસો પહેલાં જ ઉઠાવવામાં આવ્યું હતું. અસિમ્પ્ટોમેટિક કોરોના વાયરસ કેસ તેને કહેવાય છે જેમના ટેસ્ટ પઝિટિવ આવે છે પણ તેમનામાં કોઈ લક્ષણ દેખાતા નથી અને તેઓ ચેપ ફેલાવી શકે છે.
25 માર્ચના રોજ ચીને વુહાન શહેરમાં કોરોના વાયરસનું જોખમ ઉચ્ચથી મધ્યમ કર્યું હતું અને 3 મહિના બાદ શહેરની અંદર જ બસની સેવા ફરીથી શરૂ કરી હતી. વર્તમાનમાં ચીનમાં 1075 અસિમ્પ્ટોમેટિક દરદીઓ તબીબી નિરિક્ષણ હેઠળ છે. જો કે હ્યુબેઈ પ્રાંત અને તેની રાજધાની વુહાનમાં ગુરુવારે એક પણ કોરોના વાયરસનો સ્થાનિક ચેપનો કેસ નોંધાયો ન હતો, સ્થાનિક આરોગ્ય અધિકારીઓએ કહ્યું હતું કોવિડ-19ના 51 અસિમ્પ્ટોમેટિક કેસ નોંધાયા હતા જેના પગલે કુલ 742 કેસ થયા હતા આ બધાંને તબીબી નિરિક્ષણ હેઠળ રખાયા છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં ફાટી નીકળેલી મહામારી કોવિડ-19 પર મોડે મોડેથી કાર્યવાહી કરવા પર આંતરરાષ્ટ્રીય સુમદાય તરફથી ટીકાનો સામનો કર્યા બાદ ચીનના સત્તાધીશ પક્ષ કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ચીનના (સીપીસી) ટોચના નેતાઓ આ બીમારી ફરીથી ન ફાટી નીકળે તે માટે ચિંતાતુર છે.
વુહાન વહીવટીતંત્ર અભ્યાસ કરી રહ્યું છે કે અસિમ્પ્ટોમેટિક દરદીઓની ઓળખ કરવા સરકારે પ્રાંતના સમસ્ત નાગરિકોનો ટેસ્ટ કરાવવો જોઈએ કે નહીં.
ચીનના વુહાનમાં લોકોને ફરી ઘરની અંદર રહેવા સલાહ અપાઇ
By
Posted on