લંડન: ભારત (India) અને ઓસ્ટ્રેલિયા (Australia) વચ્ચે ચાલી રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની (WTC) ફાઈનલમાં ઓસ્ટ્રેલિન ટીમે મેચના ચોથા દિવસે શનિવારે પોતાની બીજી ઈનિંગ 8 વિકેટ પર 270 રન પર ડિક્લેર કરી હતી અને ભારતને 444 રનનો વિશાળ લક્ષ્યાંક આપ્યો હતો. ત્યારે હવે ભારતને બીજી ઈનિંગ જીતવા માટે 280 રન બનાવવાના છે. શનિવારે ભારતે 164 રન બનાવી 3 વિકેટ ગુમાવી હતી. કોહલીએ 60 બોલમાં 44 રન જ્યારે રહાણેએ 20 રન બનાવ્યાં હતા. રવિન્દ્ર જાડેજા ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થયો હતો. તે કેચ આઉટ થયો હતો. હવે ભારતીય ટીમ મુશ્કેલીમાં છે. ભારત માટે આ મેચ જીતવી લગભગ અશક્ય બની ગયું છે. ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 7 વિકેટની જરૂર છે.
રવિવારે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનો છેલ્લો દિવસ છે ત્યારે આજે લંડનમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે. જો આવા વાતાવરણમાં ભારત રમશે તો 280 રનનો ટાર્ગેટ પૂર્ણ કરવામાં ધણી સમસ્યાનો સામનો કરવો પડશે. જાણકારી મળી છે કે જો વરસાદ પડે છે અને મેચ એક કલાક કે તેથી વધારે સમય સુધી રમી ન શકાય તો મેચને રિઝર્વ ડે એટલે કે સોમવારે રમાશે. મેચ ડ્રો થશે તો ટ્રોફી બંને ટીમો વચ્ચે વહેંચાઈ જશે. આવી સ્થિતમાં ભારત અને ઓસ્ટ્રેલિયા બંને ટીમને વિજય ધોષિત કરવામાં આવશે.
વર્લ્ડ ટેસ્ટ ચેમિપ્યનશીપના ચોથા દિવસે ઓસ્ટ્રેલિયાએ 123/4ના સ્કોરથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. સેટ બેટ્સમેન માર્નસ લાબુશેન અને કેમેરોન ગ્રીન આઉટ થઈ ગયા હતા પરંતુ વિકેટકીપર એલેક્સ કેરી અને મિશેલ સ્ટાર્કે ટીમનો સ્કોર 250 સુધી પહોંચાડ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ 270/8ના સ્કોર પર પોતાનો દાવ ડિકલેર કર્યો અને ભારતને 444 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટીમ ઈન્ડિયાએ પણ ઝડપી શરૂઆત કરી હતી પરંતુ ત્રણેય ટોપ ઓર્ડર બેટ્સમેનોએ વિકેટ ગુમાવી દીધી હતી. જોકે વિરાટ કોહલી અને અજિંક્ય રહાણે બાજી સંભાળી રાખી હતી.
ગિલને ખોટી રીતે આઉટ અપાતા ભારતીય ફેન્સ નારાજ
ડબ્લુટીસીની ફાઈનલના ચોથા દિવસે જ્યારે ભારતીય ટીમ બીજી ઈનિંગ રમવા ઉતરી ત્યારે ઓપનર શુભમન ગિલને ખોટી રીતે આઉટ અપાતા ભારતીય ફેન્સ નારાજ થયા હતા અને તેમણે ઓસ્ટ્રેલિયન ટીમ અને ખાસ કરીને કેમરન ગ્રીનનો હુરિયો બોલાવ્યો હતો. ભારતીય ટીમનો સ્કોર 41 રન હતો ત્યારે ગ્રીને ગિલનો કેચ પકડયો હતો અને નરી આંખે જોઈ શકાતું હતું કે બોલે જમીનને સ્પર્શ કર્યો હતો. ગ્રીને ડાઈવ મારીને એક હાથે કેચ પકડયો હતો ત્યારબાદ મામલો થર્ડ અમ્પાયર રિચર્ડ કેટલબારો પાસે પહોંચ્યો હતો. રિપ્લેમાં દેખાઈ રહ્યું હતું કે બોલ જમીન પર પણ લાગ્યો છે તો છતાં રિચર્ડે ગિલને આઉટ આપ્યો હતો જેનાથી ગિલ અને રોહિત શર્મા પણ નિરાશ થયો હતો. ગિલ આજે સારું રમી રહ્યો હતો અને રોહિત સાથે તેની ભાગીદારી ઓસ્ટ્રેલિયા માટે જોખમી લાગી રહી હતી.