દુબઇ : ભારત (India) અને ઓસ્ટ્રેલિયા (Australia) વચ્ચે 2023ની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની (WTC) ફાઈનલમાંથી સોફ્ટ-સિગ્નલ નાબૂદ થઈ શકે છે. આ નિયમ, જે ઘણી વખત વિવાદાસ્પદ રહ્યો છે અને વ્યાપક ચર્ચાઓ તરફ દોરી ગયો છે, તેને ભારતના માજી કેપ્ટન સૌરવ ગાંગુલીની આગેવાની હેઠળની ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ની ક્રિકેટ કમિટીએ કથિત રીતે મંજૂરી આપી દીધી છે. તે 7 થી 12 જૂન દરમિયાન લંડનના ઓવલ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ડબલ્યુટીસી ફાઇનલ માટે પ્લેઇંગ કન્ડીશનનો ભાગ બનવાની તૈયારીમાં છે.
- સૌરવ ગાંગુલીની આગેવાની હેઠળની આઇસીસી ક્રિકેટ કમિટી દ્વારા સોફ્ટ સિગ્નલ નિયમને કાઢી નાખવાની મંજૂરી આપી દીધી
- લંડનના ઓવરમાં રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ દરમિયાન પ્લેઇંગ કંડીશન્સના નિયમોમાંથી તેની બાદબાકી થશે
સૌરવ ગાંગુલીની આગેવાની હેઠળની આઇસીસી ક્રિકેટ કમિટીએ ભારત અને ઓસ્ટ્રેલિયા બંને ટીમોને સોફ્ટ સિગ્નલ નિયમને હટાવવા સંબંધે જાણ કરી છે. સોફ્ટ-સિગ્નલના નિયમમાં ઓન-ફિલ્ડ અમ્પાયરો પોતાનો નિર્ણય લેતા પહેલા ત્રીજા અમ્પાયરને ચુકાદો આપવા કહેતી વખતે તે જોવાનો સમાવેશ કરે છે કે કેચ લેતી વખતે બોલ ફિલ્ડરના હાથમાં યોગ્ય રીતે ગયો છે કે કેમ. આ દરમિયાન ફિલ્ડ અમ્પાયર સોફ્ટ-સિગ્નલ આપે, ત્યારે ટેલિવિઝન અમ્પાયર અર્થાત થર્ડ અમ્પાયર તેને ત્યારે જ ફેરવી શકે જ્યારે વિડિયો રિપ્લેમાંથી આમ કરવા માટે પૂરતા પુરાવા તેને જોવા મળતા હોય. આઇસીસીના નિયમો અનુસાર, સોફ્ટ સિગ્નલ એ મુખ્ય અમ્પાયર દ્વારા થર્ડ અમ્પાયરને ટીવી રિપ્લે જોતા પહેલા આપવામાં આવતો એક સંકેત છે, જે થર્ડ અમ્પાયરને નિર્ણય લેવામાં મદદ કરે છે.
ઉલ્લેખનીય છે કે સોફ્ટ સિગ્નલ નિયમને લઈને પહેલા પણ ઘણો વિવાદ થયો છે. ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે આ નિયમને કારણે બેટ્સમેનને ખોટી રીતે આઉટ આપવામાં આવ્યો હોય અથવા તો ઘણી વખત આઉટ થયેલા બેટ્સમેનને નોટઆઉટ જાહેર કરવામાં આવ્યો હોય. આવી સ્થિતિમાં હવે આઈસીસીએ રમતને વધુ સારી કે યોગ્ય બનાવવા માટે આ નિયમ હટાવવાનો નિર્ણય લીધો છે.