National

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ: ફાઇનલમાં વિરાટ કોહલીના ખભે કરોડો લોકોની આશાનો ભાર

સાઉધેમ્પ્ટન : ટીમ ઇન્ડિયા (Indian cricket team) અને ન્યુઝીલેન્ડ (New zeland) વચ્ચે આવતીકાલથી અહીંના એજીસ બાઉલ મેદાન પર આઇસીસી (icc) વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ (wtc final) શરૂ થઇ રહી છે ત્યારે આ ફાઇનલમાં વિરાટ કોહલી (virat kohli)ના ખભે કરોડો લોકોની આશાનો ભાર હશે.

આવતીકાલ શુક્રવારથી શરૂ થઇ રહેલી આ ફાઇનલ વિરાટ કોહલી અને કેન વિલિયમ્સન વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ બની રહેશે. તેની સાથે જ ભારતીય ટીમ માટે વર્લ્ડકપની સેમી ફાઇનલમાં મળેલી હારનો બદલો વાળવાની પણ એક તક સમાન તે ગણાશે. ક્રિકેટ ચાહકોમાં ટેસ્ટ ક્રિકેટનું ફોર્મેટ સૌથી જુનુ ફોર્મેટ છે અને 144 વર્ષ જૂના આ ફોર્મેટને લોકપ્રિય બનાવવા માટે જ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ શરૂ કરવામાં આવી છે. વિરાટ કોહલી ભારતનો સૌથી સફળતમ ટેસ્ટ કેપ્ટન છે, પરંતુ છેલ્લા એક દશકા કરતાં વધુ સમયથી પ્રભાવત બેટિંગ કરતાં આવેલા કોહલીના માથે અત્યાર સુધી આઇસીસીની કોઇ ટૂર્નામેન્ટ જીતાડી ન શકવાનું મહેણું છે, જે આ ફાઇનલ જીતીને તે ભાંગી શકે છે.

ઇંગ્લેન્ડની પરિસ્થિતિ ભલે ન્યુઝીલેન્ડ માટે અનુકુળ ગણાતી હોય પણ વિરાટની આગેવાની હેઠળની ટીમ ઇન્ડિયાનો છેલ્લા કેટલાક વર્ષોનો વિદેશની ધરતી પરનો રેકોર્ડ તેમને બરોબરી પર મુકી જાય છે. જો ન્યુઝીલેન્ડ પાસે ટ્રેન્ટ બોલ્ટ, ટીમ સાઉધી, નીલ વેગનર જેવા બોલરો હોય તો ભારતની પાસે પણ જસપ્રીત બુમરાહ, ઇશાંત શર્મા, મહંમદ શમી જેવા બોલરો છે.

બેટિંગમાં પણ ડેવોન કોનવે, કે કેન વિલિયમ્સન અને રોસ ટેલરની સામે ભારતની પાસે રોહિત શર્મા, ચેતેશ્વર પુજારા અને વિરાટ કોહલી જેવા અનુભવીઓની સાથે ઋષભ પંત જેવો આક્રમક બેટ્સમન છે જે કોઇપણ મેચનું પાસુ પલટાવવાની ક્ષમતા ધરાવે છે. બોલિંગમાં ભારતીય ટીમની પાસે રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજા એવા બે હથિયાર છે કે જેઓ હરીફોને પોતાની આંગળીના ટેરવે નચાવી શકે છે.

ડબલ્યુટીસી ફાઇનલ માટેની ભારતની પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા, શુભમન ગીલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંકેય રહાણે, રવિન્દ્ર જાડેજા, ઋષભ પંત (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, મહંમદ શમી, ઇશાંત શર્મા, જસપ્રીત બુમરાહ.

Most Popular

To Top