નવી દિલ્હી : બે વારના ઓલિમ્પિક્સ મેડલ જીતનાર (OLYMPIC MEDAL WINNER) ઇન્ટરનેશનલ રેસલર સુશીલ કુમાર (SUSHIL KUMAR) છેલ્લા 18 દિવસથી માત્ર દિલ્હી પોલીસ (DELHI POLICE)થી જ નહીં પણ ગેન્ગસ્ટર (GANGSTER) સંદીપ ઉર્ફે કાલા જેઠડીથી પણ બચવા માટે ભાગી રહ્યો હતો. કાલા જેઠડી ઉત્તરભારતનો એક વોન્ટેડ ગેન્ગસ્ટર છે અને કહેવાય છે કે હાલમાં તે દુબઇમાં છે. તેણે હાલમાં જ જીટીબી હોસ્પિટલમાંથી પોતાના સાથી કુલદીપ સજ્જાને પોલીસની કેદમાંથી છોડાવવા માટે શૂટઆઉટ (SHOOTOUT) કર્યું હતું.
સુશીલ કુમારને જાણ હતી કે ઇલેક્ટ્રોનિક ડિવાઇસનો ઉપયોગ તેને ફસાવી દેશે પણ તે પોલીસના હાથે ઝડપાવાથી એટલો ચિંતિત નહોતો જેટલો તે જેઠડી સાથેની દૂશ્મનીથી ચિંતિત હતો. સૂત્રો કહે છે કે તે જેઠડીનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો કે જેથી તેને મળી શકે. દિલ્હી પોલીસે જ્યારે તેને પકડ્યો ત્યારે તેને સાગર ધનખડની હત્યા મામલે કોઇ રંજ નહોતો. તે પોલીસ પાસે માત્ર એટલું જ ઇચ્છે છે કે જેલમાં તેને જેઠડીના માણસોથી બચાવવામાં આવે.
જેઠડીથી ડરવાનું કારણ માત્ર એટલું જ છે કે સાગર ધનખડ સાથે જ્યારે મારપીટ કરવામાં આવી ત્યારે તેની સાથે જે અન્ય શખ્સને પણ ઘણો માર પડ્યો હતો તે સોનુ જેઠડીનો ભત્રીજો છે અને તેને જેઠડી પુત્ર જેવો માને છે. પોલીસનું કહેવું છે કે જેઠડી દિલ્હીમાં સોનુ તેમજ અન્ય લોકો દ્વારા મોટાપાયે વિવાદી પ્રોપર્ટી પર કબજો જમાવવાનું કામ કરે છે. સુશીલે કથિત રૂપે તેની સાથે હાથ મિલાવ્યો અને તેઓ ઉત્તર-પુર્વ દિલ્હીના મોડલ ટાઉન વિસ્તારના એમ 2 બ્લોકમાં એક મકાન પર પહોંચ્યા. આ મકાન જ બધા વિવાદનું મૂળ છે. આ ફ્લેટ જેઠડી-લોરેન્સ બિશ્નોઇ ગેંગના અપરાધીઓને છુપાવવા માટે ઉપયોગમાં લેવાતો હતો.
ઉત્તર-પૂર્વ દિલ્હીના મોડલ ટાઉન વિસ્તારના એમ-2 બ્લોકનો એક ફ્લેટ વેચવાની ભાંજગડે સુશીલને દોડતો કર્યો
ઉત્તર-પૂર્વ દિલ્હીના મોડલ ટાઉન વિસ્તારના એમ-2 બ્લોકના એક ફ્લેટને વેચવા મામલે થયેલી ભાંજગડે સુશીલ કુમારને દોડતો કરી દીધો. પોલીસના જણાવ્યા અનુસાર આ ફ્લેટ વેચીને જે કમાણી થાય તે જેઠડી અને સુશીલ વચ્ચે અડધી અડધી વહેંચાવાની હતી. જો કે થોડા મહિના પહેલા સુશીલે વિરોધી ગેંગ સાથે જોડાણ કરી લીધુ હતું અને તેના કારણે જેઠડી સાથેના તેના સંબંધો વણસ્યા હતા. આ ફ્લેટ વેચવા માટે જ્યારે સુશીલ પર જેઠડી ગેંગનું દબાણ વધ્યું તો તેણે ત્યાં રહેતા ઘનખડને એ ફ્લેટ ખાલી કરી દેવા કહ્યું અને તેનાથી જેઠડી ગેંગ નારાજ થઇ. સુશીલે જો કે હરીફ ગેંગના બેકીંગને કારણે ન કરવાનું કરી દીધુ અને અંતે તેના કારણે તે દોડતો થઇ ગયો.