National

પોલીસે એક લાખનું ઇનામ જાહેર કર્યા પછી રેસલર સુશીલ કુમારે આગોતરા જામીન અરજી દાખલ કરી

નવી દિલ્હી : છત્રસાલ સ્ટેડિયમમાં એક યુવા રેસલરની હત્યાના કેસ (WRESTLER MURDER CASE)માં ફરાર રેસલર સુશીલ કુમાર (WRESTLER SUSHIL KUMAR)ને આજે દિલ્હીની રોહિણી કોર્ટે પછડાટ મળી હતી જ્યારે કોર્ટે તેની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. દિલ્હી પોલીસે (DELHI POLICE) એક દિવસ પહેલા તેના માથે એક લાખ રૂપિયાનું જ્યારે તેના સાથી અજય પર રૂ. 50 હજારનું ઇનામ (REWARD) જાહેર કર્યા પછી સુશીલ કુમારે આગોતરા જામીન અરજી દાખલ કરી હતી.

રોહિણી કોર્ટમાં મંગળવારે સુનાવણી દરમિયાન સુશિલના વકીલે કહ્યું હતું કે તેના અસીલને આ કેસ સાથે કોઇ લેવાદેવા નથી. સુશીલ વતી સીનિયર એડવોકેટ સિદ્ધાર્થ લુથરા અને વરિષ્ઠ વકીલ આરએસ જાખરે દલીલ કરી હતી. એડિશનલ સેશન્સ જજ જગદીશ કુમારે આગોતરા જામીન અરજી નકારતા નોંધ કરી હતી કે સુશીલ કુમાર મુખ્ય કાવતરાખોર છે અને તેની સામેના આરોપ ગંભીર છે. સાથે જ તેમણે કહ્યું હતું કે કેસની તપાસ હજુ ચાલું જ છે અને કેટલાક આરોપીઓની ધરપકડ (ARREST OF ACCUSED) હજુ થઇ નથી. વળી આરોપી સામે બિનજામીન પાત્ર વોરંટ પણ ઇસ્યુ થયેલું જ છે.

સુશીલની ઘણાં ગેંગસ્ટર સાથે સાંઠગાઠ હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું
છત્રસાલ સ્ટેડિયમમાં ફ્લેટ ખાલી કરાવા મામલે રેસલરોના બે જૂથ વચ્ચે થયેલી અથડામણમાં સાગર ધનખડ નામક યુવા રેસલરની હત્યા થઇ હતી અને એ કેસની દિલ્હી પોલીસની તપાસમાં સુશીલ કુમારની ઘણાં ગેંગસ્ટર્સ સાથે સાંઠગાંઠ હોવાનું સામે આવ્યું છે. પોલીસને એવી પણ માહિતી મળી છે કે આ ગેંગસ્ટર્સના ગુંડાઓ છત્રસાલ સ્ટેડિયમમા નિયમિત આવતા હતા.

અગાઉ પોલીસે ઘટનાના દિવસે ઘાયલ થયેલા સાગરના વધુ બે ઘાયલ કુસ્તીબાજો રવિન્દ્ર અને ભગતસિંહના નિવેદનો નોંધ્યા હતા. અપહરણ અને હુમલો કરવાના મામલે આ બંનેએ સુશીલનું નામ પણ લીધું હતું. માનવામાં આવે છે કે આ પછી સુશીલની મુશ્કેલીઓ વધી હતી. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે પૂછપરછમાં ભાગ લેવા સુશીલ અને અન્ય કુસ્તીબાજોના ઘરે કાનૂની નોટિસ મોકલવામાં આવી હતી. આ કેસની તપાસ કરી રહેલા એક પોલીસ અધિકારીએ કહ્યું કે તે સ્પષ્ટ છે કે સુશીલ અને બાકીના રેસલર્સ વચ્ચે લડત ફ્લેટ ઉપર થઈ હતી.

તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, ઘટનાના દિવસે મોડલ ટાઉનમાં સુશીલ જૂથ અને સાગર જૂથના કુસ્તીબાજો વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારથી જ સુશીલ ફરાર હતો.

Most Popular

To Top