માનવીની ત્રણ મુખ્ય જરૂરિયાતો રોટી, કપડાં અને મકાન રોટી અને કપડાં તો મળી રહે પરંતુ પોતાનું ઘર બનાવવા માટે બહુ મહેનત કરવી પડે. દરેક વ્યકિતનું સ્વપ્નું હોય છે કે પોતાનું એક ખૂબસૂરત ઘર હોય અને એ પણ બધાંથી અલગ, અનોખું, પરંતુ ઘણી વાર આપણને વિચિત્ર ઘરો પણ જોવા મળે છે. આવો લઇએ કેટલાંક વિચિત્ર ઘરોની મુલાકાત….
જવાળામુખીના લાવાનું ઘર
અજબ દેખાતું આ ઘર તુર્કીમાં છે. એ ખાસ એટલા માટે છે કારણ કે એ જવાળામુખીની રાખમાંથી બન્યું છે. વૈજ્ઞાનિકોના મતાનુસાર લાખો વર્ષો પહેલાં આ વિસ્તારની આસપાસ જવાળામુખી ફાટયો હતો અને તેનો લાવા આખા વિસ્તારમાં ફેલાઇ ગયો હતો. એને કારણે કયાંક કયાંક તો ઊંચા પહાડો પણ બની ગયા હતા. આ પહાડોમાં જ લોકોએ પોતાનાં ઘર બનાવી દીધાં હતાં.
પાણીની વચ્ચે ઘર
પાણીની વચ્ચોવચ એક પથ્થર પર બનેલું આ નાનું પરંતુ સુંદર ઘર સર્બિયામાં છે. ચારેકોર જંગલ અને પાણીથી ઘેરાયેલું આ ઘર ૫૦ વર્ષ જૂનું હોવાનું કહેવાય છે. આ ઘર સુધી પહોંચવાનો માત્ર એક જ રસ્તો છે અને એ છે હોડી. જો કે તમે તરીને પણ પહોંચી શકો પરંતુ એ જોખમી ખરું.
સ્ટોન હાઉસ
પથ્થરોથી બનેલું આ ઘર બહુ અજીબોગરીબ છે. એને ‘હાઉસ ઓફ સ્ટોન’, ‘બોલ્ડર હાઉસ’ કે ‘કાસા ડો પેનેડા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. પોર્ટુગલમાં આવેલું આ ઘર બાંધવાનું કામ ૧૯૭૨માં શરૂ થયું હતું અને બે વર્ષ બાદ ૧૯૭૪માં પૂરું થયું હતું. શરૂઆતમાં એનો ઉપયોગ વેકેશનમાં સમય વિતાવવા માટે થતો હતો પરંતુ આજે આ ઘર એક મ્યુઝિયમ છે અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. એનો અજીબ આકાર ચાર વિશાળ પ્રાકૃતિક પથ્થરોને કારણે છે. આ ઘરની બીજી એક ખાસિયત એ છે કે તેની અંદર સ્વિમિંગ પુલ પણ છે જે પથ્થરો ઘસીને બનાવવામાં આવ્યો છે.
અપસાઇડ ડાઉન હાઉસ
બધાં ઇચ્છે છે કે તેનું ઘર બધાંથી અલગ અને ખૂબસૂરત હોય પરંતુ ઘણાં લોકો પોતાના ઘરને વિચિત્ર દર્શાવવાની કોશિશ કરે છે. પછી ભલે ને એમાં ખર્ચ વધારે થાય. પોલેન્ડમાં આવું જ એક વિચિત્ર ઘર છે. આ ઘર આપણા સામાન્ય ઘર કરતાં ઊલટું એટલે કે ઊંધું છે. એની છત નીચેની બાજુ અને ફર્શ ઉપરથી બાજુ છે. આ વિચિત્ર ઘર પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. આ ઘર જોવા માટે દરરોજ હજારો પર્યટકો આવે છે.
મશરૂમ હાઉસ
એને ટ્રી હાઉસ પણ કહેવામાં આવે છે. સિનસિનાટીમાં આવેલું આ ઘર વાસ્તુકળા અને ઇન્ટીરિયર ડિઝાઇનના પ્રોફેસર ટેરી બ્રાઉને ડિઝાઇન કર્યું છે.
ટ્રાન્સપરન્ટ હાઉસ
આપણે ઘર બનાવીએ ત્યારે ઘરમાં હવાઉજાસ આવે એ માટે બારીબારણાં રાખીએ છીએ. પરંતુ જાપાનના ટોકયોમાં એક એવું ઘર છે જે તદ્દન જ પારદર્શક છે. એ ‘હાઉસ ઓફ એની’ તરીકે ઓળખાય છે. બાથરૂમ સિવાયની ઘરની બધી જ દીવાલો પારદર્શક છે. તમે બહારથી ઘરની અંદર થતી બધી હિલચાલ જોઇ શકો છો. આ ઘરની ડિઝાઇન આર્કિટેકટ Sou Fujimoto એ કરી છે. આ ઘર આશરે ૯૫૦ સ્કવેર ફીટનું છે. લોકોમાં આ ઘર આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.