વલસાડ: વિશ્વમાં 5 જૂનના દિવસને વિશ્વ પર્યાવરણ દિવસ (World Environment Day) તરીકે ઉજવણી (Celebration) કરવામાં આવે છે, ત્યારે વલસાડ (Valsad) જિલ્લામાં ઉત્તર અને દક્ષિણ વન વિભાગમાં દીપડાઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. 2016ના વર્ષમાં દીપડાઓની સંખ્યા 18 હતી, જે વધીને વર્ષ 2019ની છેલ્લી ગણતરી મુજબ 42 થઈ છે. તો છેલ્લા 5 વર્ષમાં મનુષ્ય પર હુમલાના 24 બનાવ બન્યા છે, પશુધન શિકારના 104 બનાવ બન્યા હતા. મનુષ્ય અને પશુધનની સુરક્ષા માટે વલસાડ વન વિભાગ દ્વારા છેલ્લા 3 વર્ષમાં માનવભક્ષી ગણાતા 8 દીપડાને પકડી અન્ય વિસ્તારના જંગલોમાં છોડવામાં આવ્યા છે. જેના કારણે માનવ પર હુમલાના બનાવ ઘટતા પ્રજાને રાહત થઈ છે.
ધરમપુર-કપરાડા અને ઉમરગામ તાલુકામાં જંગલ, વાંસ અને શેરડીના ખેતરોનું પ્રમાણ વધુ હોવાથી વલસાડ જિલ્લો દીપડા માટે આશ્રયસ્થાન બન્યો છે. ઉનાળામાં જંગલ વિસ્તારમાં પીવાના પાણીના અભાવે દીપડા પાણી અને શિકારની શોધમાં રહેણાંક વિસ્તારમાં આવી પહોંચે છે. વલસાડ જિલ્લામાં જંગલોનું પ્રમાણ જળવાઈ રહે અને દરિયા કાંઠાના ધોવાણને અટકાવવા માટે છેલ્લા 5 વર્ષમાં ઉત્તર અને દક્ષિણ વન વિભાગ દ્વારા કુલ 9130.55 હેક્ટર જમીન વિસ્તારમાં સાગ, વાંસ, સીસમ, ઔષધીય વનસ્પતિ અને મેન્ગ્રુવનું વાવેતર કરાયું હતું. તો દરિયાનું ધોવાણ અટકાવવા 270 હેક્ટરમાં મેન્ગ્રુવનું વાવેતર કરાશે.
5 વર્ષમાં મનુષ્ય પર હુમલાના 24 બનાવ તો પશુઓના શિકારના 104 બનાવ બન્યા
છેલ્લા 5 વર્ષમાં મનુષ્ય ઉપર દીપડાના હુમલાના 24 બનાવ નોંધાયા હતા. જેની સામે સરકાર દ્વારા રૂ. 1,36,500નું વળતર ઇજાગ્રસ્તને ચૂકવાયું હતું. સૌથી વધુ 9 હુમલા વર્ષ 2018-19માં મનુષ્ય પર થયા હતા. જ્યારે છેલ્લા 2021-22માં 5 હુમલા થયા હતા. શિકારની શોધમાં આવી ચઢતા દીપડાએ 5 વર્ષમાં 104 પશુધનનો શિકાર કર્યો હતો. જેની સામે સરકાર દ્વારા પશુપાલકોને રૂ. 12,94,000 વળતર ચૂકવાયું હતું. છેલ્લા 2 વર્ષમાં જિલ્લામાં 2 દીપડા અને 7 મોરના મોત થયા છે. વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીનું સંવર્ધન થતા હાલ જિલ્લામાં 42 દીપડાની સાથે 11 ઝરખ અને 15 જંગલી ભૂંડ પણ જોવા મળી રહ્યા છે.