Entertainment

આ તખ્તાનો સૂનકાર કોણ ભરશે? સામે વિશ્વ રંગભૂમિ દિવસ છે!

કળાકીય પ્રવૃત્તિઓ વિના સમય પસાર થઇ રહ્યો છે. આવું તો સદીઓમાં કયારેક જ બને! જે કાંઇ જાહેર પ્રવૃત્તિ થઇ રહી છે તે રાજકીય પ્રવૃત્તિઓ છે. આપણાં અખબારોમાં કે ટી.વી. ન્યૂઝ ચેનલમાં સૌથી વધુ જગ્યા આ રાજકારણીઓ જ બથાવી પાડે છે. આપણા જીવન પર રાજકીય પ્રવૃત્તિઓનું, રાજકારણીઓનું આટલું બધું આક્રમણ તો કયારેય નહોતું. પણ અત્યારે એક રાજનેતાઓ અને બીજા અપરાધીઓ જ ‘સમાચાર’ તરીકે સૌથી વધુ જગ્યા રોકે છે. કળા પ્રવૃત્તિઓ મારી ફરે છે. એને ખોળે લેવા કોઇ તૈયાર નથી. સામાજિક તરીકે આપણી સાંસ્કૃતિક દૃષ્ટિ ભ્રષ્ટ થઇ ચૂકી છે. કળાકારો ‘સંજોગોવસાત’ શાંત પડી ગયા છે એ તો ઠીક પણ સામાન્ય લોકોમાં તેમનો ખાલીપો વર્તાય છે ખરો? તેમને એવું લાગે છે ખરું કે અમે નાટક વિના, સંગીત વિના, નૃત્ય વિના, સાહિત્ય, સિનેમાની પ્રવૃત્તિ વિના જીવી જ નહીં શકીએ? કળાકાર ને કળા પ્રવૃત્તિ આક્રમક બની શકતા નથી. આપણા સમાજે એ બાબતે સૌથી વધુ સાધનસંપન્ન રાજનેતાઓને બનાવ્યા છે ને પછી ધાર્મિક સંગઠનના નેતાઓ સંપન્ન છે.

કળાકારોનો ‘અવાજ’ જાહેર અવાજ નથી બની શકતો.અત્યારે યાદ આવે છે પૃથ્વીરાજ કપૂર, ઉત્પલ દત્ત, બાદલ સરકાર અને ઇન્ડિયન પિપલ્સ થિયેટર. સમાજ જયારે તેના સૌથી વધુ કટોકટીના સમયમાં હતો ત્યારે તેમણે સમાજ વચ્ચે જઇ નાટકો ભજવ્યા છે. બાદલ સરકાર જેવાએ શેરી, બાગ જેવાં સ્થળોને ‘ભજવણીના સ્થળ’ બનાવ્યાં. અત્યારે જાહેર સ્થળોનો સૌથી વધુ ઉપયોગ રાજકારણીઓ જ કેમ કરે છે? તેઓ ભજવે છે તે ‘નાટક’ કેમ આપણા જીવન પર નિર્ણાયક બની અસર કરે છે? આપણે વૃત્તિભ્રષ્ટ પ્રજાસમૂહ છીએ? આપણા પ્રજામનના ‘હીરો’ કોણ છે? કોરોના કાંઇ કાયમી નથી. એવી મહામારીઓ આવે છે ને જાય છે. સ્થાયી ભાવે આપણે કેટલાક સવાલો પોતાના માટે પૂછવાના છે. કોરોના દરમ્યાન થોડા મહિના જાહેર પ્રવૃત્તિ નથી થઇ પણ પછી તો થઇ જ છે ને! શું એવા વખતે માત્ર કોરોના દરમ્યાન સરકારી તંત્ર, નેતા, હોસ્પિટલ, ડૉકટરો વડે જે કાંઇ થયું તેમાં હાસ્ય અને કરુણની ભૂમિકાએ કહી શકાય એવા ‘નાટક’ નથી બન્યા? તે કળાકારો ભજવી શકયા? કળાકારો ‘જાહેર’ અવાજ બની શકયા? બધા નાટકોને પાકા બાંધેલા, નરમ ગાદીવાળી ખુરશી હોય તેવા ‘પ્રેક્ષાગૃહ’ની જ જરૂર નથી હોતી.

તમે જુઓ કે નેતાઓ એવી જગ્યાઓનો ભાગ્યે જ ઉપયોગ કરે છે. હકીકતે આપણે સમયે સમયે નાટકને પણ જુદી રીતે વિચારવું જોઇએ. એકની એક રીતે નાટક કરો તો બંધાઈ જવાનું આવે. જુદાં જુદાં સમય, સંજોગો નવી રીતની અભિવ્યકિતની અપેક્ષા રાખે છે. જે કાંઇ આજ સુધી કર્યું તેની સ્મૃતિઓમાં ડૂબી આત્મગૌરવમાં રાચવું કળાકારને અટકાવી દે છે.કોરોનાએ આપણી જીવન વિશેની ધારણાઓ બદલી કાઢી છે તે આપણી રંગભૂમિની ધારણા બદલશે કે પછી જે કરતાં આવ્યા એ જ આગળ પણ થતું રહેશે? વિશ્વ રંગભૂમિ દિવસ ૨૭ મી માર્ચે આવશે. ૧૯૬૨થી તે ઉજવાતો આવ્યો છે. તેનો પ્રથમ સંદેશ ફ્રેન્ચ કવિ, નવલકથાકાર, ફિલ્મસર્જક અને નાટયલેખક જયાં કોફતોએ લખેલો. આ વખતે ‘વર્લ્ડ થિયેટર ડે’ની ઉજવણી ઓનલાઇન થવાની છે. પણ આવી ઉજવણી શરૂ થઇ તે પહેલાં એક દીર્ઘ નાટયપરંપરા દેશ – દુનિયાએ સર્જી દીધી હતી. આપણે કહેવું જોઇએ કે જગતમાં પહેલું નાટયશાસ્ત્ર આપણે ત્યાં રચાયું છે. મહેલ, મંદિર, ગામપાદર, શેરી, મેદાનમાં આપણે નાટક ભજવ્યા છે.

આ હજારો વર્ષમાં સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય પરિવર્તનો આવતાં રહ્યાં છે અને એવું બનવું જ સ્વાભાવિક ગણાવું જોઇએ. માણસ અને માનવસમાજ તો સદા પરિવર્તનશીલ જ હોય અને હોવો જોઇએ.સુરતના નાટયકર્મીઓએ બે વર્ષ સુધી યશસ્વી રીતે વર્લ્ડ થિયેટર ડે ઊજવ્યો પણ આ વખતે વિચારની નર્મદમુદ્રા ધારણ કરી છે પણ એવું હોય છે કે તખ્તાને તાકી સેંકડો પ્રેક્ષકો ઊભા હોય ને તખ્તા પર એક પાંદડું ઊડે ત્યારે તે સ્વયં એક નાટકીય ઘટના બને છે. બસ, આ જ તો રહસ્ય છે કે શું બનશે હવે? હા, આપણો ‘સમાજ’ પ્રેક્ષક બનીને તખ્તાને તાકી રહ્યો છે ખરો? એવો સવાલ હોય તો તખ્તા પર એક પાંદડું ઊડશે ને પાછળ હવાનું સંગીત બજશે ને પાછળ કોઇના પગના રણકાર સંભળાશે. આપણે રાહ જોઇએ!

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top