કેપટાઉન : આઇસીસી (ICC) મહિલા ટી-20 વર્લ્ડકપની આજે ગુરૂવારે રમાયેલી પ્રથમ સેમિફાઇનલમાં (Semifinal) ઓસ્ટ્રેલિયાએ ભારતને (India) 5 રને હરાવી ફાઇનલમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. આ સાથે જ ભારતીય ટીમ વધુ એકવાર આઇસીસી ટૂર્નામેન્ટની નોકઆઉટ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે હારી હતી. ભારતની ખરાબ ફિલ્ડીંગ અને કંગાળ બોલિંગનો ફાયદો ઉઠાવીને બેથ મૂનીની અર્ધસદી ઉપરાંત મેગ લેનિંગના 34 બોલમાં 49 રન અને એશ ગાર્ડનરના 18 બોલમાં 31 રનની મદદથી ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે 20 ઓવરમાં 4 વિકેટે 172 રન બનાવીને મૂકેલા 173 રનના લક્ષ્યાંક સામે હરમનપ્રીત કૌરની અર્ધસદી અને જેમિમાની આક્રમક ઇનિંગ છતાં ભારતીય ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 167 રન સુધી જ પહોંચતા ઓસ્ટ્રેલિયાએ 5 રને જીત મેળવીને વધુ એકવાર ફાઇનલમાં એન્ટ્રી કરી લીધી હતી.
- ભારતની ખરાબ ફિલ્ડીંગ અને બોલરોની કંગાળ બોલિંગનો ફાયદો ઉઠાવી ઓસ્ટ્રેલિયાએ 4 વિકેટે 172 રન બનાવ્યા
- હરમનપ્રીત કૌર અર્ધસદી ફટકાર્યા પછી નવોદિત ખેલાડીની જેમ રનઆઉટ થઇ જે ભારતીય ટીમને ભારે પડ્યું
- મહિલા ટી-20 વર્લ્ડકપમાં ફરી એકવાર ઓસ્ટ્રેલિયા સામે ભારત નોકઆઉટમાં હાર્યું
લક્ષ્યાંક આંબવા મેદાને ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત સારી રહી નહોતી અને બંને ઓપનર બોર્ડ પર માત્ર 25 રન હતા ત્યારે આઉટ થઇ ગઇ હતી. તે પછી યાસ્તિકા ભાટીયા પણ રનઆઉટ થતાં ભારત મુશ્કેલીમાં મુકાયું હતું, અહીંથી જેમિમા અને હરમનપ્રીત વચ્ચે 69 રનની ભાગીદારી થઈ હતી અને એવું લાગતું હતું કે ભારત મેચ જીતવા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે જેમિમા અંગત 43 રને અને હરમન અંગત 52 રન કરીને આઉટ થઇ હતી. તે પછી ભારતીય બેટરો ઉતાવળીયા શોટ મારીને આઉટ થયા હતા અને અંતે ટીમ 8 વિકેટે 167 રન સુધી જ પહોંચી શકી હતી. ભારતીય ટીમે આજે ફિલ્ડીંગમાં ઘણાં લચ્છા માર્યા હતા. વિકેટકીપર ઋચા ઘોષે કેચ છોડવાની સાથે સ્ટમ્પીંગ ચાન્સ પણ આપ્યા હતા, તો શેફાલી વર્માએ બાઉન્ડરી પર સીધો કેચ પડતો મૂક્યો હતો. ભારતીયોએ ઘણી મીસ ફિલ્ડ પણ કરી હતી અને તેનો ફાયદો ઓસ્ટ્રેલિયનોએ ઉઠાવ્યો હતો.