Gujarat

“બેટી બચાવો’’ના સૂત્ર વચ્ચે ભાજપના રાજમાં પાંચ વર્ષમાં મહિલા અત્યાચારના 40600 ગુના નોંધાયા

અમદાવાદ : મહિલા સુરક્ષાની (Women’s security) મોટી મોટી વાતો અને જાહેરાતો વચ્ચે છેલ્લા પાંચ વર્ષ(૨૦૧૭-૨૧)માં ભાજપના (BJP) રાજમાં ગુજરાતમાં ૪૦,૬૦૦થી વધુ મહિલાને લગતા ગુના નોંધાયા છે, જે ગુજરાત (Gujarat) માટે ખૂબ ચિંતાજનક છે. રાજ્યમાં અપહરણ, બળાત્કાર, ઘરેલુ હિંસા, દહેજ મૃત્યું અને શોષણ, મહિલાઓ પર ઍસિડથી પણ હુમલા, મહિલાઓનું ટ્રાફિકિંગ, મહિલાઓ સાઇબર ક્રાઇમ સહિતના ગુના થઇ રહ્યા છે, તેવું કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હિરેન બેંકરે જણાવ્યું હતું.

ગુજરાતમાં વધતા મહિલાઓને લગતા ગુના અંગે ભાજપ પર આકરા પ્રહાર કરતા પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા હિરેન બેંકરે વધુમાં કહ્યું હતું કે, ગુજરાતમાં સરેરાશ દર વર્ષે ૮૦૦૦થી વધુ મહિલાને લગતા ગુના નોંધાય છે એટલે કે દર મહિને સરેરાશ ૬૭૦થી વધુ અને દરરોજ ૨૨થી વધુ મહિલાને લગતા ગુના નોંધાય છે. ન નોંધાયેલા ગુનાનો આંકડાઓ પણ ખૂબ મોટો છે. મહિલા સુરક્ષાના તમામ કાયદા હોવા છતાં મહિલાઓ વિરુદ્ધના અપરાધના મામલા વધી રહ્યાં છે ત્યારે મહિલાઓ વિરુદ્ધ થતા અત્યાચારો ઉપર લગામ લગાવવા અને દીકરીઓને સુરક્ષા આપવામાં ભાજપ સરકાર નિષ્ફળ નીવડી છે.

હિરેન બેંકરે જણાવ્યું હતું કે, દેશમાં પણ સતત મહિલાઓને લગતા ગુના વધી રહ્યાં છે. ભાજપ શાસનના નવ વર્ષના શાસનમાં મહિલાને લગતા ગુના અવિરત થઈ રહ્યાં છે. આંકડા પ્રમાણે કોરોના મહામારીનું ૨૦૨૦ના વર્ષને છોડી દઈએ તો પ્રતિવર્ષ મહિલા વિરુદ્ધના ગુનામાં સતત વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં લોકશાહીના મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, બીજી બાજુ જે મહિલાઓ-દીકરીઓએ સમગ્ર દેશને માન-સન્માન-ગૌરવ અપાવ્યું તેમની સાથે કેવું ગેરવર્તણુક કરવામાં આવ્યું એ દેશે જોયું છે. દર વર્ષે દેશમાં સરેરાશ ૩૭૦૦૦૦થી વધુ મહિલાને લગતા ગુના નોંધાય છે. માત્ર વર્ષ ૨૦૨૧માં જ ૪,૦૯,૨૭૩ જેટલા કેસ નોંધાયા છે. જે દેશ માટે ખૂબ જ ચિંતાનો વિષય છે.

ભાજપે “બેટી બચાવો’’ સૂત્ર તો આપ્યું છે, પરતું કોનાથી બચાવો. ભાજપના ધારાસભ્ય કુલદીપ સેંગર પર બળાત્કારનો કેસ, સાંસદ પર એથ્લિટ્સ ખેલાડીઓની છેડતીનો આરોપ, નલિયાકાંડ સહિતના કેસોમાં કેટલાંય ભાજપના નેતા, પદાધિકારીઓના નામ મહિલા અત્યાચારમાં સામે ત્યારે ભાજપ કેમ મૌન થઇ જાય છે? જે ભાજપની મહિલા વિરોધી માનસિકતા દર્શાવે છે. માત્ર જાહેરાતો- પ્રવચનો અને સુત્રોમાં મહિલા સુરક્ષાની વાતો કરવાને બદલે ભાજપ નકકર પગલા લે તો જ મહિલાને લગતા ગુના અટકશે અને બહેન-દીકરીઓ સુરક્ષિત અનુભવશે.

પાંચ વર્ષમાં મહિલાઓ અંગે નોંધાયેલા ગુના

વર્ષ ગુના
૨૦૧૭ ૮૧૩૩
૨૦૧૮ ૮૩૨૯
૨૦૧૯ ૮૭૯૯
૨૦૨૦ ૮૦૨૮
૨૦૨૧ ૭૩૪૮

Most Popular

To Top