સિલ્હટ: મહિલા એશિયા કપ 2022માં (Women’s Asia Cup 2022) ફોર્મમાં ચાલી રહેલી મોટી ટીમો (Team) સામે જીત મેળવનારી પાકિસ્તાનની (Pakistan) ટીમને અહીં રમાયેલી એક દિલધડક મેચમાં (Match) થાઇલેન્ડની મહિલા ટીમે અંતિમ ઓવરમાં હરાવીને ક્રિકેટ ઇતિહાસમાં પહેલીવાર મુખ્ય ટીમોમાંની એક સામે જીત મેળવી હતી. નથાકન ચાન્થમની 51 બોલમાં 61 રનની ઇનિંગને પગલે થાઇલેન્ડે ગુરુવારે રમાયેલી મેચમાં એક બોલ બાકી રાખીને પાકિસ્તાનને ચાર વિકેટથી હરાવીને ત્રણ મેચોમાં પ્રથમ જીત નોંધાવી હતી.
પાકિસ્તાનને 20 ઓવરમાં પાંચ વિકેટે 116 રન સુધી મર્યાદિત રાખ્યા બાદ થાઈલેન્ડે 19.5 ઓવરમાં છ વિકેટે 117 રન પર હંગામો મચાવ્યો હતો. ચાન્થમને તેની મેચ વિજેતા અડધી સદી માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. તેણે 51 બોલમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. આ પહેલા પાકિસ્તાનની ઇનિંગમાં સિદ્રા અમીને 64 બોલમાં છ ચોગ્ગાની મદદથી 56 રન બનાવ્યા હતા. ચાન્થમે એક છેડો જાળવીને થાઈલેન્ડ વિજય નજીક લઇ ગઇ હતી. તે આઉટ થઈ ત્યારે થાઈલેન્ડનો સ્કોર 105 રન પર પહોંચી ગયો હતો. કે પછી નટાયા બૂચાથમ અને રોસેનન કાનોહે એક બોલ બાકી રાખી થાઇલેન્ડને જીતાડ્યું હતું. થાઈલેન્ડને છેલ્લી ઓવરમાં 10 રનની જરૂર હતી અને ડાયના બેગ જેવી બોલર સામે તે સરળ નહોતું છતાં પાંચ બોલમાં જ તેમણે રન બનાવીને જીત મેળવી હતી.
મહિલા એશિયા કપમાં આજે પાકિસ્તાન સામે ભારત વિજય અભિયાન જાળવી રાખવા માગશે
સિલ્હટ : મહિલા એશિયા કપ ટી-20માં આવતીકાલે શુક્રવારે અહીં જ્યારે ભારતીય ટીમ પોતાની પરંપરાગત હરીફ પાકિસ્તાન સામે મેદાને ઉતરશે ત્યારે તેમનો ઇરાદો પોતાનું વિજય અભિયાન જાળવી રાખવાનો રહેશે. પોતાની પાછલી મેચમાં નવોદિતોને તક આપનાર ભારતીય ટીમ આવતીકાલે પાકિસ્તાન સામે મજબૂત ટીમ ઉતારશે. ભારતે પોતાના સેકન્ડ કેડરના ખેલાડીઓને તક આપવા માટે છેલ્લી બે મેચોમાં કુલ આઠ ફેરફારો કર્યા હતા પરંતુ હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ટીમ સંભવિત રીતે તેમના મુખ્ય ખેલાડીઓ સાથે પાકિસ્તાન સામે ઉતરશે. પાકિસ્તાનને ગુરુવારે થાઈલેન્ડની નબળી ટીમના હાથે ચાર વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. તેની ટીમને ભારત સામે મેદાનમાં ઉતરતા પહેલા આ અપસેટમાંથી બહાર આવવાની પૂરતી તક પણ નહીં મળે.
આ બંને ટીમો હાલમાં ટેબલમાં પ્રથમ બે સ્થાન પર છે. ભારતે સતત ત્રણ મેચ જીતી છે અને તે ટેબલમાં ટોપ પર છે. શ્રીલંકા સામેની મેચ બાદ ભારતે છેલ્લી એક મેચમાં શફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાની ઓપનિંગ જોડીને આરામ આપ્યો હતો, પરંતુ પાકિસ્તાન સામે જોરદાર શરૂઆત કરવા માટે આ બંને ફરી એકસાથે આવશે. ભારત માટે મંધાના અને સુકાની હરમનપ્રીત સારા ફોર્મમાં છે અને તેમની સાથે જ ઈજામાંથી પરત ફરેલી જેમિમા રોડ્રિગ્સ પણ શાનદાર ફોર્મમાં છે. જો કે એકમાત્ર ચિંતા શેફાલી વર્માનું ફોર્મ છે. ભારતીય બોલરોએ છેલ્લી ત્રણ મેચમાં સારું પ્રદર્શન કર્યું છે અને પાકિસ્તાન સામે તે ફોર્મ જાળવી રાખવામાં તેઓ કોઈ કસર છોડશે નહીં.