ICC મહિલા T20 વર્લ્ડકપ 2026 માટે સંપૂર્ણ સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. ટુર્નામેન્ટની શરૂઆત 12 જૂને થશે અને ફાઇનલ મુકાબલો 5 જુલાઈએ રમાશે. આ મહિલા T20 વર્લ્ડકપની 10મી આવૃત્તિ હશે, જેમાં કુલ 12 ટીમો ખિતાબ માટે ટક્કર આપશે. તમામ ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ 1માં ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નેધરલેન્ડ્સનો સમાવેશ થાય છે. જ્યારે ગ્રુપ 2માં વેસ્ટ ઇન્ડિઝ, ઇંગ્લેન્ડ, ન્યુઝિલેન્ડ, શ્રીલંકા, આયર્લેન્ડ અને સ્કોટલેન્ડ સામેલ છે. પહેલી મેચ 12 જૂને યજમાન ઇંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે રમાશે. ટુર્નામેન્ટની ફાઇનલ 5 જુલાઈએ રમાશે.

12 જૂને ઓપનિંગ મેચમાં યજમાન ઇંગ્લેન્ડ અને શ્રીલંકા આમને-સામને આવશે. 13 જૂને આયર્લેન્ડ અને સ્કોટલેન્ડ ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે પોતાના અભિયાનની શરૂઆત કરશે. 20 જૂને હેડિંગ્લી ખાતે ઇંગ્લેન્ડ અને સ્કોટલેન્ડ વચ્ચે મુકાબલો રમાશે, જે ICC ઇવેન્ટમાં બંને ટીમો વચ્ચેનો ઇંગ્લેન્ડની ધરતી પરનો પહેલો સામનો રહેશે. ભારતનો પ્રથમ મુકાબલો 14 જૂને એજબેસ્ટન ખાતે પાકિસ્તાન સામે રમાશે, જે ટુર્નામેન્ટનો સૌથી વધુ રાહ જોવાતો મુકાબલો ગણાય છે. ત્યારબાદ 17 જૂને હેમ્પશાયરમાં નેધરલેન્ડ્સ સામે મેચ થશે. 21 જૂને દક્ષિણ આફ્રિકા સામે અને 25 જૂને બાંગ્લાદેશ સામે ભારત ટકરાશે. ગ્રુપ સ્ટેજમાં ભારતનો અંતિમ મુકાબલો 28 જૂને લોર્ડ્સ ખાતે ઓસ્ટ્રેલિયા સામે યોજાશે.
ICC ના CEO સંજોગ ગુપ્તાએ જણાવ્યું કે મહિલા T20 વર્લ્ડકપ 2026નું શિડ્યૂલ જાહેર થઈ ગયું છે. તેમણે કહ્યું કે મહિલા ક્રિકેટમાં ICC સતત રોકાણ કરી રહ્યું છે, જેમાં ઇનામ રકમ, ઉચ્ચ-પ્રદર્શન માળખું, મીડિયા વિતરણ અને વ્યાપારી ભાગીદારીનો સમાવેશ થાય છે. તેમણે ઉમેર્યું કે ભારતમાં યોજાયેલા મહિલા ક્રિકેટ વર્લ્ડકપે રમતને નવી ઊંચાઈ આપી હતી અને હવે જૂન-જુલાઈમાં યોજાનારી આ ઇવેન્ટમાં પણ તે જ ઉત્સાહ અને સફળતા તેઓ જાળવી રાખશે એવી તેમને આશા છે.