સુરત : અમરોલીમાં એક વૃદ્ધને બે મહિલાઓએ (Women) માર મારીને રૂા.2700 લૂંટી લીધા હતા. સ્થાનિકોએ ભેગા થઇને આ બંને મહિલાઓને પકડી પોલીસના (Police) હવાલે કરી હતી. પોલીસે બંનેની ધરપકડ (Arrest) કરી પુછપરછ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ અમરોલીમાં વલ્લભનગર સોસાયટી પાસે ઓમ રેસિડન્સીમાં રહેતા ૮૦ વર્ષીય હમીરભાઇ લાખાભાઇ વસરા વતન દ્વારકાથી 10 દિવસ પહેલા જ સુરતમાં આવ્યા હતા. તેઓ માનસરોવર બીઆરટીએસ જંક્શન પાસે પે એન્ડ યુઝ ટોયલેટમાં શૌચક્રિયા માટે ગયા હતા. ત્યાં બે મહિલા પહેલાથી જ હાજર હતી. આ બંને મહિલાઓએ હમીરભાઇને નિશાન બનાવીને મારામારી કરી હતી. એક મહિલાએ હમીરભાઇના હાથમાં બટકુ ભરી દીધું હતુ અને બીજી મહિલાએ હમીરભાઇના ખિસ્સામાંથી 2700 કાઢી લીધા હતા. આ સાથે જ લોકોનું ટોળુ ભેગુ થઇ ગયુ હતુ. લોકોએ બંને મહિલાને પકડીને અમરોલી પોલીસને જાણ કરી દીધી હતી. અમરોલી પોલીસે શીતલબેન પપ્પુભાઇ ગૌસ્વામી અને ચંપા મોહનભાઇ વણજારાની ધરપકડ કરી વધુ પુછપરછ શરૂ કરી છે.
કતારગામના એલઆઇસી એજન્ટ પ્રાણપ્રતિષ્ઠા માટે વતન ગયો અને ઘરમાંથી 1.81 લાખ ચોરાયા
સુરત : કતારગામમાં એલઆઇસી એજન્ટનો પરિવાર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માટે વતનમાં ગયો અને તેમના ઘરમાંથી 1.81 લાખના દાગીના ચોરાઇ ગયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ કતારગામ દરવાજા પાસે શિવમ એપાર્ટમેન્ટમાં રહેતા ભરતભાઇ જોરાભાઇ પુરોહિત એલઆઇસી એજન્ટ તરીકે કામ કરે છે. તેઓ બનાસકાંઠા પાસે માતાજીની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ગયા હતા. આ દરમિયાન તેમના ઘરે કોઇ અજાણ્યાએ નિશાન બનાવીને ઘરમાંથી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ મળી કુલ્લે રૂા.1.81 લાખની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
તસ્કરો સરસ્વતીના ધામને પણ છોડતા નથી : કતારગામનીમાં શાળામાંથી 21 હજારની ચોરી
સુરત : તસ્કરો હવે સ્કૂલને પણ છોડતા નથી, સ્કૂલમાં તોડફોડ કરીને રૂા. 21 હજારના ટેબ્લેટ તેમજ પિત્તળના દિવાની પણ ચોરી કરી ગયા હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ વાઇરલ થયો હતો, આ સાથે જ પોલીસે અજાણ્યાઓ સામે ગુનો નોંધીને તેઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ અમરોલી છાપરાભાઠા રોડ તક્ષશિલા સ્કૂલની બાજુમાં અરહિંત સોસાયટીમાં રહેતા મહેશભાઈ નારણભાઈ પટેલ(ઉ.વ.૫૦) કતારગામ કાસાનગર પાસે આવેલા હિન્દુ મિલન મંદિરની સંસ્થાની શાળામાં આચાર્ય તરીકે નોકરી કરે છે. આ સ્કૂલમાં બે દિવસ પહેલા રાત્રીના સમયે એક અજાણ્યો આવ્યો હતો. આ યુવકે રસોડા વિભાગ તેમજ ક્લાર્ક રૂમમાં જઇને તોડફોડ કરી હતી અને સામાન વેર-વિખેર કરી નાંખ્યો હતો. ત્યારબાદ કાર્યલયમાં એક પ્રિન્ટર, ટેબ્લેટ અને પિત્તળનો દિવો તેમજ એક હેડફોન મળી કુલ્લે રૂા. 21500ની ચોરી કરી નાસી ગયો હતો. બનાવ અંગે પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.