હથોડા: પાલોદ પોલીસ (Police) ચોકીની હદમાં આવેલા પીપોદરા ગામે પટેલ ફળિયામાં આજે ધોળા દહાડે ઘરમાં ઘૂસેલા તસ્કરો આઠ તોલા સોનાનાં (Gold) ઘરેણાંની ચોરી કરી ફરાર થઈ જતાં પીપોદરા ગામની જનતામાં ભયનો માહોલ છવાયો છે.
પીપોદરા ગામે પટેલ ફળિયામાં રહેતા શીરીષ અરવિંદ પટેલ શુક્રવારે સવારે બહારગામ ગયા હતા અને તેમનો પુત્ર સ્નેહલ ખેતરે (Farm) ગયો હતો. જ્યારે પુત્રવધૂ પ્રિયંકા (Priyanka) ઘરે હાજર હતી અને ઘરની સાફ સફાઇ કરીને કચરો ઘરની નજીક આવેલા વાડા તરફ નાંખવા ગઈ હતી. ત્યારે સવારના દસ વાગ્યાના સમયે પાછળના ભાગેથી બે ચોર ઘરમાં ઘૂસી કબાટમાંથી 8 તોલા સોનાના દાગીના ચોરી કરી ગયા હતા. ઘરથી થોડે દૂર કચરો નાંખીને પ્રિયંકા ઘરે આવતાં અને પાછળના ભાગે જોરથી અવાજ આવતાં પ્રિયંકાએ બૂમ પાડતાં તસ્કરો દીવાલ કૂદી ભાગી છૂટ્યા હતા. આ બનાવ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવતાં કોસંબા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આઠ દિવસ પહેલાં પણ મંદિરમાં ચોરી થઈ હતી
પીપોદરા ગામવાસીઓના જણાવ્યા મુજબ પીપોદરામાં વેરાઈ માતાના મંદિરની મૂર્તિ પર બે કિલો ચાંદીની આવેલી છત પણ તસ્કરો આઠ દિવસ પહેલાં ચોરી ગયા હતા. આ બનાવ અંગે નજીકમાં આવેલી પાલોદ પોલીસને જાણ કરાતાં પોલીસ ઘટના સ્થળે લટાર મારી ચાલી ગઈ હતી.
ટ્રક ચોરીને ભંગારમાં વેચી દેતી ટોળકીના 6 શખ્સ કીમ ચાર રસ્તા પાસેથી ઝડપાયા
પલસાણા, હથોડા: કોસંબાના હથોડા ગામે ઈંટના ભઠ્ઠા પર પાર્ક કરેલી ટ્રક ચોરી કરનારા 6 શખ્સને સુરત જિલ્લા એલસીબી અને એસઓજીએ સંયુક્ત કાર્યવાહી કરી ઝડપી પાડ્યા હતા. ચોરેલી ટ્રકને કટિંગ કરી ભંગારમાં વેચી દેતા હતા. પોલીસે તેમની પાસેથી 7.23 લાખ રૂપિયાનો સામાન કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે. ગત 22મી ફેબ્રુઆરીથી 24મી ફેબ્રુઆરી દરમિયાન માંગરોળના હથોડાની સીમમાં સરવે નં.121વાળી જમીનમાં ઈંટના ભઠ્ઠાના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી ટ્રક કિંમત રૂ.7 લાખ ચોરી થઈ હતી. આ અંગે જયસુખ પોપટ ભલોડિયાએ કોસંબા પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસ જિલ્લા એલસીબી અને એસઓજીની સંયુક્ત ટીમ કરી રહી હતી. ગુરુવારે રાત્રે અલગ અલગ ટીમ કીમ અને કોસંબા પોલીસમથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. એ સમયે ખાનગી રાહે મળેલી બાતમીના આધારે ટ્રક ચોરીમાં સંડોવાયેલા આરોપીઓને કીમ ચાર રસ્તાથી પકડી પાડ્યા હતા. પોલીસે હથોડા ખાતે રહેતો મોહમદ સઈદ ઝીણા, હનીફ ઉર્ફે માજુ ઇબ્રાહિમ ઉર્ફે મકબુલ અબજી, મહુવેજ ખાતે રહેતા મોઇન અલ્તાફ શેખ, અંકલેશ્વરના ભડકોદરા ગામે રહેતા મોહમદ ઉસ્માન અલી શેરખાન, ફરીદ મહેંદી હસન શાહ અને અંકલેશ્વરના કાપોદ્રા રહેતો નિયાઝ અહમદ કરન હુસેન શેખની ધરપકડ કરી હતી. જ્યારે સુલેમાન અલી શેરખાન, રાજુ ભરવાડ, નીતિન ઉર્ફે લાલાભાઈ અને ઓવેશ કુરેશીને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે તેમની પાસેથી રોકડા રૂ.33,500, મોબાઈલ નંગ-5 કિંમત રૂ.19,500, ટાયર નંગ 7 કિં.રૂ.70 હજાર, ટ્રકની ચેસ કિં.રૂ.5 લાખ અને ટ્રકની બોડી કિં.રૂ.1 લાખ મળી કુલ 7.23 લાખ રૂપિયાનો સામાન કબજે કર્યો હતો.