Sports

મહિલા IPLની ફ્રેન્ચાઈઝી માટે હરાજીની જોરદાર તૈયારી, બેઝ પ્રાઇસ આટલા કરોડ રાખવાનો નિર્ણય

નવી દિલ્હી : છેલ્લા કેટલાક સમયથી ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) મહિલા ઇન્ડિયન પ્રીમિયર લીગ (Woman IPL) (ડબલ્યુઆઇપીએલ)ની તૈયારી કરી રહ્યું છે. આવતા વર્ષે મેન્સ આઈપીએલ પહેલા ટૂર્નામેન્ટની પ્રથમ સિઝન 5 ટીમો વચ્ચે રમાઈ શકે છે. અહેવાલો અનુસાર બીસીસીઆઇએ (BCCI) ફ્રેન્ચાઈઝી ખરીદવા માટે બેઝ પ્રાઈસ રૂ. 400 કરોડ રાખવાનો નિર્ણય કર્યો છે.

2008માં જ્યારે આઇપીએલની શરૂઆત થઈ ત્યારે મુંબઈ ઈન્ડિયન્સ સૌથી મોંઘી ફ્રેન્ચાઈઝી હતી. તેમાંથી બોર્ડને લગભગ 446 કરોડ રૂપિયા મળ્યા. જ્યારે ગયા વર્ષે બોર્ડને લખનૌની ફ્રેન્ચાઈઝી માટે 7090 કરોડ રૂપિયા મળ્યા હતા. બીસીસીઆઈને આશા છે કે મહિલા આઇપીએલમાં તેને એક ફ્રેન્ચાઈઝીથી એક હજારથી 1500 કરોડ રૂપિયા મળી શકે છે. એટલે કે બોર્ડને 5 ફ્રેન્ચાઈઝી પાસેથી 6 થી 8 હજાર કરોડ રૂપિયા મળવાની આશા છે. લીગ સાથે સંકળાયેલા એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, વિજેતા ફ્રેન્ચાઇઝી બીસીસીઆઇને પાંચ વર્ષમાં સમાન હપ્તામાં રકમ ચૂકવશે અને પુરુષોની આઇપીએલની જેમ કાયમ માટે ટીમના માલિક તરીકે ચાલુ રહેશે.

મહિલા આઇપીએલની પ્રારંભિક ટૂર્નામેન્ટમાં 20 લીગ મેચો રમાવાની સંભાવના
મહિલા આઇપીએલની પ્રથમ ટુર્નામેન્ટમાં 20 લીગ મેચનો સમાવેશ થશે, જેમાં ટીમો એકબીજા સાથે બે વખત રમશે. ટેબલ ટોપર્સને ફાઇનલમાં સીધો પ્રવેશ મળશે, જ્યારે બીજા અને ત્રીજા સ્થાને રહેલી ટીમો એલિમિનેટરમાં ભાગ લેશે. આ રીતે ટુર્નામેન્ટમાં કુલ 22 મેચો રમાડવાની તૈયારીઓ ચાલી રહી છે. દરેક ટીમ તેમની પ્લેઈંગ ઈલેવનમાં વધુમાં વધુ પાંચ વિદેશી ક્રિકેટરો રાખી શકે છે. બીસીસીઆઈએ તમામ રાજ્ય એસોસિએશનોને એક નોટ મોકલી છે. તેમાં લખવામાં આવ્યું છે કે ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ખેલાડીઓનું સારું સંતુલન રાખવા અને સ્પર્ધાત્મક ટીમો રાખવા માટે, ડબલ્યુઆઇપીએલ માટે કામચલાઉ રીતે પાંચ ટીમો નક્કી કરવામાં આવી છે. દરેક ટીમમાં વધુમાં વધુ અઢાર ખેલાડીઓ હોઈ શકે છે, જેમાં કોઈ ટીમમાં છથી વધુ વિદેશી ખેલાડીઓ ન હોવા જોઇએ.

Most Popular

To Top