Comments

કોંગ્રેસ વગર વિપક્ષોને કોઇ આરો નથી

પોતાને રાજગાદી પર ત્રીજી વાર બેસાડનાર બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં અભૂતપૂર્વ સફળતાથી ફૂલાઇને મમતા બેનરજીએ હવે દિલ્હી પર મીટ માંડી છે. પોતાના ટેકેદારો અને ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરના પ્રોત્સાહનથી મમતાએ ૨૦૨૪ ની લોકસભાની ચૂંટણીમાં સંયુકત વિરોધપક્ષોના વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે પોતાની જાતને રજૂ કરવામાં કોઇ સંકોચ નથી અનુભવ્યો. મમતામાં હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે ટકકર લેવાની ક્ષમતા છે કે નહીં તે ચર્ચાનો વિષય છે.

Mamata Banerjee keen to build new Opposition axis to take on BJP -  Telegraph India

પણ મમતા માને છે કે વિરોધ પક્ષના અન્ય કોઇ નેતા ખાસ કરીને રાહુલ ગાંધી, પ્રિયંકા વાડ્રા કે ખુદ સોનિયા ગાંધી કરતાં હું વધારે સારી પસંદગી છું અને વિરોધપક્ષો માટે સમય વીતી રહ્યો છે અને જો તેઓ ભારતીય જનતા પક્ષ સામે કોઇ વિકલ્પ નહીં અને તો મોદીની આગેવાની હેઠળના ભારતીય જનતા પક્ષનો વિજયરથ ધસમસતો આગળ વધતો જ રહેશે અને તેને કોઇ પણ સંજોગોમાં અટકાવી શકાશે નહીં! શરદ પવાર, ઉધ્ધવ ઠાકરે, નવીન પટનાઇક, કે. ચંદ્રશેખર રાવ, વાય. જગમોહન રેડ્ડી, એમ.કે. સ્તાલિન, અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ જેવા પ્રાદેશિક નેતાઓને ભારતીય જનતા પક્ષ સામે ભેગા કરી એક સમાન મોરચો બનાવવો તે પોતાની જાતને હજી વ્યવસ્થિત કરવાની મથામણ કરી રહેલા કોંગ્રેસને ગણતરીમાં લેવા કરતાં બહેતર વિકલ્પ છે.

મમતાએ મુંબઇમાં તાજેતરમાં આશ્ચર્યજનક રીતે કહી દીધું કે યુનાઇટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ -યુ.પી.એ. જેવું કંઇ નથી અને કોંગ્રેસની છત્રછાયા હેઠળ તો વિરોધ પક્ષ ખતમ થઇ ગયો છે. જયારે સતત હાજર રહીને પ્રયત્ન કરવાના હોય ત્યાં અડધો સમય પરદેશ રહીને કોઇ રાજનીતિ નહીં કરી શકે એવી મમતાની રાહુલ ગાંધી સામેની ધારદાર ટકોરે મમતા હવે ખીલી રહ્યાં હોવાનો સંકેત આપ્યો હતો. મમતાને હવે કેમ કોંગ્રેસના નામથી આટલા ઉબકા આવે છે?

૨૦૧૯ ની સામાન્ય ચૂંટણીમાં મોદી સામેના સંયુકત વિરોધ પક્ષની નેતાગીરી લેવા માટે કોંગ્રેસે આગ્રહ નહીં રાખવો જોઇએ એવી ૨૦૧૫ ની છેલ્લી બેઠકમાં મમતાની ટકોરથી છેડાઇ પડી. સોનિયાએ કહ્યું હતું કે ભારતીય જનતા પક્ષ સામેના મુખ્ય વિરોધ પક્ષ તરીકેની પોતાની ભૂમિકા કોંગ્રેસ કઇ રીતે છોડી શકે? નિરાશ થયેલા મમતા બેનરજીએ ગાંધી પરિવાર સાથેની એ બાબત પડતી મૂકી. ૨૦૧૯ ની ચૂંટણીમાં મોદીનો ૨૦૧૪ કરતાં પણ મોટો વિજય થયો. ૨૦૧૯ ની ચૂંટણી પછી કોંગ્રેસનું રાજકીય કદ ઘટયું હશે પણ બીજા પક્ષો કહે છે એટલા માટે કોંગ્રેસ મુખ્ય વિરોધ પક્ષ તરીકેની પોતાની ભૂમિકા જતી કરવા તૈયાર નથી અને મમતાને આનાથી વ્યગ્રતા થઇ છે.

મમતા બેનરજી પોતે પણ એક જમાનામાં કોંગ્રેસી નેતા હતાં અને તે હિસાબે તેને ભારતનો આ ‘ભવ્ય પ્રાચીન’ પક્ષ નજીકના ભવિષ્યમાં ફરી બેઠો થઇ જશે એવું લાગતું નથી. કારણ કે પોતાના દીકરા રાહુલ ગાંધી સિવાય અન્ય કોઇ પણ વ્યકિતએ કોંગ્રેસનું નેતૃત્વ લેવું જોઇએ નહીં એવું સોનિયા ગાંધી મકકમપણે માને છે. ભલે રાહુલ ગાંધીને પોતાને ખંચકાટ થતો હોય.

સોનિયા ગાંધી કોંગ્રેસના નેતૃત્વનો પોતાનો અથવા પોતાના દીકરા રાહુલ ગાંધીનો દાવો જતો કરવા તૈયાર નથી એની ગંધ મમતાને આવી ગઇ છે. ગયા ઓગસ્ટમાં સોનિયા ગાંધીએ ૧૯ વિરોધ પક્ષો સાથે વર્ચ્યુઅલ બેઠક કરી હતી. આ બેઠકમાં રજૂ કરવાનો મુરાદો ઘડવાનું કામ સોનિયા ગાંધીએ માર્કસવાદી મહામંત્રી સીતારામ યેચુરીને સોંપ્યું તે જોઇને પણ મમતાનાં ભવાં ચડી ગયાં હતાં. મમતાની મહત્ત્વાકાંક્ષા જોઇ કોંગ્રેસનું ગાંધી પરિવાર ઓર અકકડ બન્યું છે. કારણ કે તેને ખબર છે કે ૨૦૨૪ ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ કેવો દેખાવ કરે છે તેના પર કોઇ પણ વિપક્ષી સરકાર રચાવાની સંભાવનાઓ છે.

બીજી તરફ મમતા માને છે કે કોંગ્રેસ પોતે ય નહીં સુધરે અને અન્ય પક્ષોને પણ ચૂંટણીના વિજયની તકો સુધારવા દે. મમતાએ પોતાની મહત્તાનો દાવો કર્યો પછી કોંગ્રેસ પક્ષ વધુ નબળો પડયો છે. મમતાએ રાહુલ ગાંધીની કાર્યશૈલીથી વ્યગ્ર બનેલા જુદાં જુદાં રાજયોના નેતાઓને પાડવાનું શરૂ કર્યું છે અને પૂર્વાંચલ, ગોવા, મણિપુર વગેરે રાજયોમાં તૃણમૂલ કોંગ્રેસનો પાયો મજબૂત અને વિશાળ કરવા અસંતુષ્ટ નેતાઓને પોતાના પક્ષ તરફ ખેંચવા માંડયા છે. મેઘાલયમાં મમતા ભૂતપૂર્વ મુખ્યમંત્રી મુકુલ સંગમાની આગેવાની હેઠળના તમામ ૧૭ ધારાસભ્યોનો પક્ષપલટો કરાવી શકયા છે અને પ્રશાંત કિશોર મમતાને પાનો ચડાવી રહ્યા છે.

હજી થોડા વખત પહેલાં પ્રશાંત કિશોર અને કોંગ્રેસ વચ્ચે છાનગપતિયાં ચાલતાં હતાં. પણ તેમની માંગણીઓ અવ્યવહારુ લાગતાં રાહુલ ગાંધીએ આ યોજના પડતી મૂકી હતી. ૨૦૧૯ ની ચૂંટણીમાં લોકસભામાં કોંગ્રેસને બાવન બેઠક મળી હતી, જે ૧૯૬ માં બીજા ક્રમે હતી અને ૨૪૯ બેઠકમાં તેમનું સ્થાન નોંધપાત્ર હતું. કોંગ્રેસ માને છે કે આખા દેશમાં લોકસભાની ૧૬૦ બેઠકો એવી છે, જેના પર અમે ભારતીય જનતા પક્ષને મુખ્ય પડકાર આપી શકીશું. પક્ષ પાસે અત્યારે આમાંથી ૧૦ બેઠક છે. કોંગ્રેસ ૨૦૨૪ ની ચૂંટણીમાં આ ૧૬૦ બેઠકો પર ઘણો સારો દેખાવ નહીં કરી શકે તો મમતા કે શરદ પવાર વિપક્ષી સફળતા માટે કોઇ આશા રાખી નહીં શકે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top