Editorial

વગર ચોમાસે આંધી અને વરસાદ મુંબઇ મહાનગરને હચમચાવી ગયા

દેશની આર્થિક રાજધાનીના શહેર મુંબઇમાં સોમવારે અચાનક હાહાકાર મચી ગયો જયારે ધૂળની આંધી સાથે વરસાદ તૂટી પડ્યો અને શહેરનું જનજીવન ખોરવાઇ ગયું. આ મહાનગરમાં સામાન્ય રીતે ચોમાસામાં આવી સ્થિતિ સર્જાતી હોય છે પરંતુ સોમવારની ઘટનાઓ લોકો માટે અણધારી હતી અને તેમાં નોંધપાત્ર સંખ્યામાં લોકોના જીવ પણ ગયા તથા અનેક લોકો ઇજાગ્રસ્ત થયા.

ભારે વરસાદના પગલે ભારે ધૂળના તોફાનને કારણે સોમવારે સાંજે મુંબઈમાં અનેક વિસ્તારોમાં થાંભલાઓ, પાલખ અને વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા.  સૌથી મોટી અસર ઘાટકોપરમાં જોવા મળી હતી જ્યાં એક વિશાળ બિલબોર્ડ ફ્યુઅલ સ્ટેશન પર પડતાં ઓછામાં ઓછા આઠ લોકો માર્યા ગયા હતા અને 59 ઘાયલ થયા હતા. આ ઉપરાંત પણ અન્ય એક વ્યક્તનું મોત આ તોફાનને કારણે થયું જે સાથે આ આંધી અને વરસાદને કારણે કુલ મૃત્યુઆંક નવ થયો.

સોમવારે મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં એક ઈંધણ સ્ટેશન પર એક વિશાળ બિલબોર્ડ પડી જતાં ઓછામાં ઓછા આઠ લોકોના મોત થયા હતા અને 60 ઘાયલ થયા હતા.  આ ઘટના ધૂળની ડમરીઓ અને ભારે વરસાદને કારણે બની હતી જેના કારણે શહેરમાં અફડાતફડી મચી ગઈ હતી. આ ઘટના પંતનગરમાં ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર પોલીસ ગ્રાઉન્ડ ફ્યુઅલ સ્ટેશન પર બની હતી.  વીડિયોમાં દેખાઈ રહ્યું હતું કે બિલબોર્ડની નીચે અનેક કાર ફસાઈ ગઈ છે.

કલાકો પછી, મુંબઈ પોલીસે શહેરમાં ધરાશાયી થયેલા હોર્ડિંગના માલિક ભાવેશ ભીડે વિરુદ્ધ કેસ નોંધ્યો અને 8 લોકોના મોત થયા અને 60 ઘાયલ થયા. ભાવેશ ભીડે ઈગો મીડિયા પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટર છે. આ કેસ નોંધવામાં આવ્યો અને તપાસ હાથ ધરવામાં આવી. જવાબમાં, BMC એ એજન્સીને નોટિસ જારી કરી જેની જગ્યા પર હોર્ડિંગ લગાવાયું હતું.  એક નિવેદનમાં, BMCએ કહ્યું કે તે મહત્તમ 40×40 ચોરસ ફૂટનું કદ રાખવાની મંજૂરી આપે છે.  જો કે, જે ગેરકાયદે હોર્ડિંગ તૂટી પડ્યું તે 120×120 ચોરસ ફૂટનું હતું. બૃહદ મુંબઇ મહાનગર પાલિકાની એ વાત સાચી છે કે તે મહતમ ચાલીસ બાય ચાલીસ ફૂટનું જ હોર્ડિંગ રાખવાની મંજૂરી આપે છે પરંતુ એક પ્રશ્ન એ જરૂર થાય કે આટલું વિશાળ કદનું હોર્ડિંગ કંઇ દુર્ઘટનાના દિવસે જ  તો અચાનક ઉભું નહીં થઇ ગયું હોય.

ઘણા સમયથી તે ત્યાં હશે, તો મુંબઇ મહાનગરપાલિકાના કોઇ પણ અધિકારીનું તેના  તરફ ધ્યાન જ નહીં ગયું હોય? આંધીને કારણે આ મહાકાય બિલબોર્ડ તૂટી પડ્યું તેના કારણે એક જ સ્થળે આટલી મોટી જાનહાનિ થઇ અને આટલા બધા લોકો ઇજા પામ્યા તે માટે આ હોર્ડિંગ ગોઠવનાર કંપની કે કોન્ટ્રાકટર ઉપરાંત શહેરી પ્રશાસનના લાગતા વળગતા અધિકારીઓ પણ જવાબદાર ગણાય જ. આપણા દેશમાં વિવિધ વહીવટીતંત્રોમાં ઘણુ લોલમલોલ ચાલે છે અને આવી હોનારતો વખતે  તેનું કરૂણ પરિણામ આવે છે તે ઘાટકોપરની ઘટના પરથી સમજી શકાય છે.

ઘાટકોપરની આ દુર્ઘટના ઉપરાંત બીજી પણ અનેક નાની દુર્ઘટનાઓ સોમવારની આંધી તોફાનમાં મુંબઇમાં બની. અને આ  તોફાનને કારણે એરપોર્ટ કેટલાક સમય માટે બંધ થઇ ગયું અને શહેરી પરિવહનની સેવાઓ તથા અન્ય પરિવહન તથા અન્ય સેવાઓ પણ ખોરવાઇ જેને કારણે જનજીવનને વ્યાપક અસર થઇ. પ્રતિકૂળ હવામાન અને ધૂળના તોફાનને કારણે, મુંબઈ એરપોર્ટે લગભગ એક કલાક માટે અસ્થાયી રૂપે ફ્લાઇટ કામગીરી સ્થગિત કરી દીધી હતી, જેના પરિણામે ઓછામાં ઓછા 15 ડાયવર્ઝન થયા હતા. મેટ્રો રેલ સેવાને પણ આ તોફાનની અસર થઇ. 

જોરદાર પવનને કારણે સાંભળેલા વાયર પર એક બેનર પડ્યા બાદ આરે અને અંધેરી પૂર્વ મેટ્રો સ્ટેશનો વચ્ચે મેટ્રો સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી. ભારે પવનને કારણે થાણે અને મુલુંડ સ્ટેશનો વચ્ચે ઓવરહેડ ઇક્વિપમેન્ટ પોલ વાંકા વળી ગયા બાદ મધ્ય રેલવે પર ઉપનગરીય સેવાઓને પણ અસર થઈ હતી. મેઇન લાઇન પર ઉપનગરીય સેવાઓ સ્થગિત કરવામાં આવી તો બીજી બાજુ થાણે જિલ્લાના કાલવા અને અન્ય કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.

આપણે અગાઉ જોયું તેમ મુંબઇમાં ચોમાસાની ઋતુમાં તો એક બે વાર તો ભારે વરસાદ અને તેને પગલે શહેરમાં પાણી ભરાઇ જવા જેવી ઘટનાઓને કારણે જનજીવન ખોરવાવાનું બનતું જ હોય છે પરંતુ ચોમાસા સિવાયના સમયમાં ત્યાં આવા કોઇ  તોફાનને કારણે જનજીવનને આટલી વ્યાપક અસર થાય અને આટલી સંખ્યમાં જાનહાનિ થાય તેવું જવલ્લે જ બને છે અને તે હાલમાં બની ગયું. તંત્રની કેટલીક લાપરવાહી વગેરે પણ હશે, પરંતુ તે પણ એક વાસ્તવિકતા છે કે કુદરતની શક્તિ આગળ માણસ લાચાર છે અને શહેરો કે મહાનગરોમાં જો આવું કોઇ  તોફાન ત્રાટકે તો તેની અસર  વ્યાપક હોય છે અને ફક્ત ભારત જ નહીં, દુનિયાભરમાં વધતે ઓછે અંશે આવી સ્થિતિ છે.

Most Popular

To Top