સુરત શહેરના મનોરંજન અને પ્રવાસન ક્ષેત્રે નવા આકર્ષણ તરીકે ઉભરેલો ડુમસ સી-ફેસ 8 માર્ચ 2026ના રોજ લોકો માટે ખુલ્લો મુકાયા બાદ સુરતીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પરંતુ આ ઉત્સાહ સાથે નાગરિક જવાબદારીનો અભાવ પણ સામે આવ્યો છે. લોકાર્પણના માત્ર એક અઠવાડિયામાં જ સી-ફેસ વિસ્તારમાં ગંદકીના ઢગલા દેખાતા તેની સુંદરતા પર પ્રશ્નચિહ્ન ઊભું થયું. પરિસ્થિતિ ગંભીર બનતાં સુરત મહાનગરપાલિકાએ તાત્કાલિક ખાસ સફાઈ ઝુંબેશ અને જનજાગૃતિ અભિયાન શરૂ કરવાનો નિર્ણય લીધો. લોકાર્પણ સમયે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નાગરિકોને ખાસ અપીલ કરી હતી કે સરકાર સુવિધાઓ ઉભી કરી શકે છે, પરંતુ તેની જાળવણી નાગરિકોની જવાબદારી છે. તેમણે ખાસ કરીને પાનની પિચકારી ન મારવા અને પ્લાસ્ટિકનો કચરો ગમે ત્યાં ન ફેંકવા વિનંતી કરી હતી. છતાં પણ પ્રથમ અઠવાડિયામાં જ આ અપીલની અવગણના થતા ગંદકીના દ્રશ્યો સામે આવ્યા હતા.
શનિવારે હજારોની સંખ્યામાં લોકો સી-ફેસ પર પહોંચતા ખાણીપીણીની લારીઓ અને સહેલાણીઓ દ્વારા ફેંકાયેલા પ્લાસ્ટિકના કપ, પ્લેટ્સ અને અન્ય કચરાના કારણે વિસ્તાર ગંદો બન્યો. આ દ્રશ્યોના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જાગૃત નાગરિકોએ તંત્ર અને બેદરકાર લોકો સામે નારાજગી વ્યક્ત કરી.પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાના કમિશનરની સૂચનાથી ડુમસ સી-ફેસ ખાતે વિશેષ સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ. આ અભિયાન માત્ર કચરો સાફ કરવા પૂરતું નહોતું, પરંતુ લોકોને સ્વચ્છતા અંગે જાગૃત કરવાની દિશામાં પણ પ્રયાસ કરવામાં આવ્યો. આ કામગીરીમાં અઠવા ઝોનના આસિસ્ટન્ટ હેલ્થ ઓફિસર અને મુખ્ય આરોગ્ય નિરીક્ષકના માર્ગદર્શન હેઠળ લગભગ 12થી 15 સુપરવાઈઝરોએ સ્થળ પર મોનિટરિંગ કર્યું હતું.
સુરતના પાંચ અલગ-અલગ ઝોનની NGO ટીમો પણ સ્વયંસેવક તરીકે જોડાઈ હતી. અંદાજે 70થી 80 લોકોની ટીમે સતત મહેનત કરીને સી-ફેસ વિસ્તારને ફરી સ્વચ્છ બનાવ્યો હતો. સાથે સાથે લોકોને સ્વચ્છતા અંગે સમજાવવા માટે સ્પીકરો દ્વારા અનાઉન્સમેન્ટ કરવામાં આવી અને ફરવા આવેલા લોકોને સૂકો અને ભીનો કચરો અલગ-અલગ ડસ્ટબિનમાં નાખવાની પ્રેરણા આપવામાં આવી. મચ્છરોનો ઉપદ્રવ ન વધે તે માટે ‘સૂકો શનિવાર’ અભિયાનને પણ વેગ આપવામાં આવ્યો અને જાહેર સ્થળોએ પાણીનો ભરાવો ન થાય તે માટે ખાસ ધ્યાન આપવામાં આવ્યું.