Editorial

ટ્રમ્પના વિજય સાથે મસ્ક સહિત વિશ્વના ધનિકોની સંપત્તિ 10 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી ગઈ

વર્ષ 2024માં અનેક યુદ્દો થયા, મંદીનો માહોલ છવાયેલો રહ્યો છતાં પણ આ વર્ષે વિશ્વના સૌથી વધુ અમીર લોકોને વધુ અમીર બનાવ્યા છે. એલોન મસ્ક, માર્ક ઝુકરબર્ગ અને જેન્સન હુઆંગની સંપત્તિમાં મોટો વધારો થયો છે. ડોનાલ્ડ ટ્રમ્પને ટેકો આપવાની સાથે ટ્રમ્પના વિજયને પગલે અમેરિકામાં ટેકનોલોજીને લગતા શેરોમાં વધારો થતાં મસ્ક અને અન્ય અબજોપતિની સંપત્તિમાં મોટો વધારો થયો છે. વિશ્વના 500 જેટલા ધનિક લોકોની કુલ સંપત્તિમાં મોટો વધારો થયો છે. જેમાં માત્ર આઠ જેટલા જ ટેકનોલોજી દિગ્ગજોની સંપત્તિમાં મોટો વધારો થયો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્ષએ વિશ્વના ધનિકોની યાદી જાહેર કરવાની સાથે સંપત્તિમાં થયેલા વધારા અને ઘટાડાના આ આંકડાઓ બહાર પાડ્યા છે. એલોન મસ્ક દ્વારા ટેસ્લા, સ્પેસએક્સ અને અન્ય વ્યવસાયો નવા ઉચ્ચ સ્તરે પહોંચવાને કારણે તેની સંપત્તિમાં મોટો વધારો થયો છે.

ઈન્ડેક્ષ પ્રમાણે, વિશ્વના 500 ધનિકોની સંપત્તિ 2024માં 10 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી છે. આમાંથી માત્ર આઠ ટેકનોલોજી દિગ્ગજો એલોન મસ્ક, માર્ક ઝુકરબર્ગ, જેન્સન હુઆંગ, લેરી એલિસન, જેફ બેઝોસ, માઈકલ ડેલ અને ગૂગલના સહસ્થાપક લેરી પેજ અને સર્ગેઈ બ્રિને 600 બિલિયન ડોલરની કમાણી કરી છે. આમાં પણ એલોન મસ્કે 442.1 બિલિયન ડોલરની સંપત્તિ વધારી છે. વર્ષની શરૂઆતમાં તેની સંપત્તિ 213 બિલિયન ડોલર હતી. જે બતાવે છે કે મસ્કની સંપત્તિ એક જ વર્ષમાં બમણી થઈ ગઈ છે. જ્યારે એમેઝોનના સ્થાપક જેફ બેઝોસને સંપત્તિના મામલે બીજું સ્થાન મળ્યું છે. જોકે, મસ્કની સંપત્તિમાં વધારાને કારણે બંને વચ્ચેની સંપત્તિમાં મોટો તફાવત થઈ જવા પામ્યો છે.

વર્ષ 2024માં ટેકનોલોજીના શેરમાં 24 ટકાનો વધારો થયો છે. આ શેરની કંપનીઓમાં ટેસ્લા, મેટા પ્લેટફોર્મ અને એનવિડીયા જેવી કંપનીઓનો સમાવેશ થાય છે. હુઆંગે એઆઈનો મોટો ફાયદો ઉઠાવ્યો અને તેની સંપત્તિમાં 76 બિલિયન ડોલરનો વધારો થયો. જ્યારે માર્ક ઝુકરબર્ગની સંપત્તિમાં 81 બિલિયન ડોલરનો વધારો થયો છે. ઝુકરબર્ગએ વર્ષની શરૂઆતમાં રૂપિયા 7 હજાર કરોડનો દંડ પણ ચૂકવવો પડ્યો હતો. જો તેમ નહીં થયું હોત તો તેની સંપત્તિમાં હજુ પણ વધી હોત. ટ્રમ્પનો વિજય એવો ફળ્યો છે કે તેને કારણે મસ્કની સાથે સાથે ટેકનોલોજીના શેરમાં મોટો ફાયદો થયો છે તો સાથે સાથે બિટકોઈનમાં પણ મોટો વધારો થયો છે. આ કારણે બાયનાન્સના સ્થાપક ચાંગપેંગ ઝાઓની નેટવર્થ પણ 60 ટકા વધીને 55 બિલિયન ડોલર થઈ જવા પામી છે.

શેરબજારમાં વધારાને કારણે અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ટ્રમ્પની સંપત્તિમાં પણ મોટો વધારો થયો છે. ટ્રમ્પની સંપત્તિ 7 બિલિયન ડોલરથી વધારે થઈ ગઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પને કારણે વિશ્વના 500 ધનિકોને બખ્ખાં થઈ ગયા છે. મસ્કની સાથે અનેક ટેકનોક્રેટને ટ્રમ્પ પર મોટો ભરોસો છે. ટ્રમ્પ દ્વારા અમેરિકાને નવી ઉંચાઈએ લઈ જવાની સાથે સાથે મસ્કને તો ટ્રમ્પે શાસનમાં પણ સહભાગી બનાવ્યો છે. મસ્કને કારણે ધનિકોની સંપત્તિ વધી છે પરંતુ તેમાં મોટો ફાળો ટ્રમ્પનેો છે. ટ્રમ્પ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી મસ્કને ફાયદો થતો રહેશે. જોકે, ટ્રમ્પ પર ભરોસો કરી શકાય તેમ નથી. જે દિવસે ટ્રમ્પનું મસ્ક સાથે સંબંધ બગડશે તે દિવસે મસ્કના પણ વળતા પાણી થશે તે નક્કી છે.

ભારતમાં મંદીનો માહોલ છે છતાં પણ વિશ્વમાં ધનિકોની સંપત્તિ વધી છે. વિશ્વમાં ટેકનોલોજીની બોલબાલા વધી છે અને તેને કારણે આ સંપત્તિમાં વધારો થયો છે. દિવસેને દિવસે નવી ટેકનોલોજી શોધાઈ રહી છે. એઆઈ આવ્યા બાદ ટેકનોલોજીના મામલે અનેક નવા સંશોધનો થઈ રહ્યા છે. જેને કારણે આ ધનિકોની સંપત્તિમાં મોટો વધારો થશે. જોકે, ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા બાદ કેવી રીતે કામગીરી કરે છે તે પણ મહત્વનું છે. ટેકનોલોજીના શેરના ભાવમાં થયેલા વધારાને કારણે ભારતમાં વિદેશી રોકાણકારો દ્વારા અમેરિકા સહિત વિદેશના શેરબજારોમાં રોકાણ કરવામાં આવ્યા છે. જોકે, ટેકનોલોજીના સંશોધનો સફળ નહી રહ્યા તો આગામી દિવસોમાં આ ધનિકોની સંપત્તિ પણ ઘટી શકે છે.

Most Popular

To Top