Editorial

વધતા જતાં હવાઇ વાહન વ્યવહાર સાથે તકેદારી અને સંસાધનો પણ વધારવા જરૂરી બન્યા છે

વિશ્વભરમાં હવાઇ મુસાફરીઓનું પ્રમાણ ખૂબ વધ્યું છે, માલસામાનનું પરિવહન કરતા કાર્ગો વિમાનોનું પ્રમાણ પણ વધ્યું છે તે સાથે જ એરપોર્ટો પર અને આકાશમાં વિમાનોની અવરજવર અને ભીડ વધી રહી છે અને સાથે જ અકસ્માતોની સંભાવનાઓ પણ વધી છે. એરપોર્ટ પર બે વિમાનો એકબીજા સાથે ઘસાયા હોય કે તેમની વચ્ચે નાની ટક્કર થઇ હોય તેવા બનાવો  તો વિશ્વના અનેક એરપોર્ટો પર છેલ્લા કેટલાક સમયમાં બન્યા છે.

બીજા પણ વધારે પડતા ટ્રાફીકને લગતા બનાવો બનવા માંડ્યા છે. હાલ થોડા સમય પહેલા મુંબઇ એરપોર્ટ પર એક ચોંકાવનારી ઘટનામાં એક જ રન-વે પર એક મિનીટ કરતા પણ  ઓછા સમયના અંતરે એક વિમાને ઉડાન ભરી તો બીજા વિમાને ઉતરાણ કર્યું હતું. આ બાબતે ભારતના ઉડ્ડયન નિયંત્રક ડીજીસીએ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ પછી આ ઘટના અંગે જે પગલા લેવાય તે, પરંતુ ખરેખર  તો આવી ઘટનાઓ વધેલા અને વધી રહેલા હવાઇ વાહન વ્યવહારને કારણે ઉભા થયેલા નવા પ્રકારના જોખમો  તરફ ધ્યાન ખેંચનારી છે.

મુંબઇ એરપોર્ટ પર બનેલા આ બનાવ પછી ડીરેકટરેટ જનરલ ઓફ સિવીલ એવિએશન(ડીજીસીએ)એ તપાસ શરૂ કરી છે અને ઘટના સમયે ફરજ પર હાજર એર ટ્રાફિક કન્ટ્રોલરને ફરજ પરથી દૂર કર્યા છે.  ઘટના એવી છે કે એરપોર્ટના રન-વે પરથી એર-ઇન્ડિયાનું એક વિમાન ઉડાન ભરી રહ્યું હતું તે જ સમયે ઇન્ડિગોનું વિમાન આ રન-વેના બીજા છેડા તરફ આવી રહ્યું હતું અને  તેણે એર-ઇન્ડિયાના વિમાને ઉડાન ભરી તેના એક મીનિટ કરતા પણ ઓછા સમયમાં આ રન-વે પર ઉતરાણ કર્યું હતું.

એક જ રન-વે પર એક વિમાન ઉતરી રહ્યું હોય અને બીજું ટેક-ઓફ કરી રહ્યું હોય તેવો વીડિયો પણ સોશ્યલ મીડિયા પર કોઇકે મૂક્યો હતો. અમે આ બનાવ અંગે તપાસ કરી રહ્યા છીએ અને આ બનાવમાં સંડોવાયેલા એટીસી અધિકારીને ડી-રોસ્ટર્ડ  કરી દીધા છે એમ ડીજીસીએના એક અધિકારીએ જણાવ્યું હતું. જો બંને વિમાનો વચ્ચે રન-વે પર ટક્કર થાય  તો ખોફનાક અંજામ આવી શકે છે.

લગભગ બે દાયકા કરતા વધુ સમય પહેલા કે જ્યારે આટલો બધો હવાઇ વાહન વ્યવહાર પણ ન હતો ત્યારે દિલ્હી એરપોર્ટ પરથી રવાના થયેલું અને દિલ્હી એરપોર્ટ તરફ આવી રહેલું એક મુસાફર વિમાન – બંને વિમાનો ભટકાઇ પડ્યા હતા અને તેમાં ઘણા લોકોના મોત થયા હતા. તેમાં એટીસીએ બંને વિમાનોને એકસરખી ઉંચાઇની સૂચના આપી હતી તેથી અકસ્માત થયો હતો  તેવી વાત બહાર આવી હતી. આજે તો જ્યારે હવાઇ ટ્રાફીક વધ્યો છે ત્યારે આવી ઘટનાઓની શક્યતાઓ ઘણી વધી ગઇ છે, સદભાગ્યે દિલ્હીમાં બનેલી તેવી કોઇ મોટી ઘટના બીજી બની નથી પરંતુ સાવધાની વધારવાની ખૂબ જરૂર છે.

હવાઇ વ્યવહાર વધ્યો છે તે સાથે સ્વાભાવિક રીતે એરપોર્ટો પર અને રન-વેઝ પર દબાણ વધ્યું છે. તેમાં પણ ઘણા એરપોર્ટ એવા છે કે જ્યાં રન-વે ઓછા છે અને ભૌગોલિક સ્થિતિ જોતા  તે એરપોર્ટનું વિસ્તરણ પણ બહુ શક્ય નથી.  મુંબઇ એરપોર્ટ પર માત્ર એક જ રન-વે આરડબલ્યુ૨૭ છે અને તેના પર દર કલાકે ૪૬ વિમાનો આવે છે અને રવાના થાય છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના એક સૂત્રના જણાવ્યા પ્રમાણે નિયમ પ્રમાણે રવાના થઇ રહેલું વિમાન જ્યાં સુધી રન-વેનો છેડો વટાવે નહીં અથવા ટર્ન લે નહીં ત્યાં સુધી એટીસી બીજા કોઇ વિમાનને તે રન-વે પર લેન્ડિંગ માટેની મંજૂરી આપી શકે નહીં.

આ કેસમાં આ નિયમને અનુસરવામાં આવ્યો ન હતો એમ આ સૂત્રએ જણાવ્યું હતું. બીજી બાજુ એર ટ્રાફિક કન્ટ્રોલર્સ ગિલ્ડ નામના એટીસીઓના સંગઠને પોતાના સભ્યના બચાવમાં નિવેદન જારી કરતા કહ્યું હતું કે આ બનાવમાં કોઇ એર પ્રોક્ષ સ્થિતિ ન હતી અને દ્રશ્ય ક્ષમતા સારી હતી તેથી એક ટેક-ઓફ થવાના સમયે જ બીજા વિમાનને લેન્ડિંગની પરવાનગી આપવાના બનાવમાં કશું ખોટું થયું નથી. જો એટીસીને બે વિમાનો વચ્ચેના અંતર અંગે વાજબી ખાતરી થાય  તો તેને સેપરેશન મિનિમા (બે વિમાનોના ઉતરાણ-ઉડાન વચ્ચેનો સમય) ઘટાડવાની પરવાનગી છે એ મુજબ ગિલ્ડે કહ્યું હતું.

આ બધી ટેકનીકલ બાબતો છે અને તે બાબતે નિષ્ણાતો જ અભિપ્રાય આપી શકે. પરંતુ એ વાત ચોક્કસ છે કે વધતા જતા હવાઇ ટ્રાફિકને જોતા તકેદારીઓ પણ વધારવાની જરૂર છે અને સંસાધનો અને સવલતો પણ વધારવાની જરૂર છે. જ્યાં એરપોર્ટ નાનુ  પડતું હોય, રન-વે ઓછા  પડતા હોય અને એરપોર્ટનું વિસ્તરણ શક્ય ન હોય તે વિસ્તારમાં નજીકના કોઇ અનુકૂળ સ્થળે બીજું એરપોર્ટ બાંધવાનું વિચારી શકાય જેથી વર્તમાન એરપોર્ટ પરનું દબાણ ઘટાડી શકાય. વિશ્વભરમાં વિમાની ઉડ્ડયનો વધી રહ્યા છે, હેલિકોપ્ટરો, ડ્રોન વગેરેનું પ્રમાણ પણ વધી રહ્યું છે ત્યારે તેને અનુરૂપ પગલાઓ ભરવાની જરૂર છે.

Most Popular

To Top