રાજ્યમાં વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનતા ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવા ગાંધીનગરમાં પ્રથમવાર ‘વાઈસ ચાન્સેલર મીટ’ યોજાઈ
ગાંધીનગર, તા. 9
વિશ્વમાં બદલાતા પ્રવાહની સાથે રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ક્ષેત્રે રાજ્યની યુનિવર્સિટીઓની ભૂમિકા અગત્યની છે. નવા બદલાવની સાથે આપણી યુનિવર્સિટીઓએ તાલ મિલાવવો પડશે. યુનિવર્સિટીઓ માત્ર શિક્ષણ કેન્દ્રો નહીં પરંતુ શોધ, નવીનતા અને ઉદ્યોગસાહસિકતાના સશક્ત કેન્દ્રો તરીકે વિકસવી જોઈએ. “વિકસિત ગુજરાત અને વિકસિત ભારત @૨૦૪૭”ના સપનાને સાકાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેમ, સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું.
વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનતા ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવા અંગેની વ્યૂહરચના માટે આજે ગાંધીનગર ખાતે રાજ્યમાં પ્રથમવાર એક દિવસીય ‘વાઈસ ચાન્સેલર મીટ’ યોજાઈ હતી.
અર્જૂન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા જે સંશોધન થાય છે જેનો સીધો લાભ ખેડૂતો અને દેશના નાગરીકોને થઇ રહ્યો છે, આ દિશામાં આપણી યુનિવર્સિટીઓને પણ કામ કરવું પડશે. કોઈ પણ બિઝનેશ માટે તેને અનુરૂપ ઇકોસિસ્ટમ વિકસાવી જોઈએ તો જ સારૂ પરિણામ મળી શકે. સેમી કંડકટર ક્ષેત્રે ગુજરાત દેશનું હબ બનવા જઈ રહ્યું છે તેની પાછળ રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ અગત્યની ભૂમિકા ભજવે છે. આ માટે યુનિવર્સિટીઓએ અલગ વ્યવસ્થા વિકસાવવી જોઈએ.
રાજ્યમાં ચાલતા આર્ટસ, કોમર્સ અને સાયન્સ સહિત તમામ ફેકલ્ટીમાં વર્તમાન ટેકનોલોજી, કોમ્પ્યુટર અને AI આધારિત અભ્યાસક્રમ હોવો જોઈએ જેથી આવનાર પેઢી આ વિષયથી માહિતગાર થઇ શકે. શિક્ષણ ક્ષેત્રે આ બદલાવ કરવાથી રોજગારીની તકોમાં પણ વધારો થશે.