જેને વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે ઓળખાવવામાં આવી રહી છે અને જેને વિશ્વની મહાસત્તા કહેવામાં આવે છે તેવો અમેરિકા દેશ ગમે ત્યારે નાદારી નોંધાવે તેવી સંભાવનાઓ ઊભી થઈ છે. અમેરિકાની અર્થવ્યવસ્થા હાલમાં ભારે જોખમમાં છે. અમેરિકાનો ડેટ ટુ જીડીપી રેશિયો 124 ટકા પર પહોંચી ગયો છે. હાલમાં વિશ્વમાં વાત કરવામાં આવે તો સૌથી વધુ ડેટ ટુ જીડીપી રેશિયો 269 ટકા જાપાનનો છે. બીજા ક્રમે ગ્રીસ છે. ગ્રીસનો રેશિયો 197 ટકા છે. ત્યારબાદ સિંગાપુર 165 ટકા, પોર્ટુગલ, ફ્રાન્સ, સ્પેન અને બેલ્જિયમ દેશનો રેશિયો પણ 100 ટકાથી વધારે છે. આનો મતલબ એવો થાય છે કે જેનો રેશિયો 100 ટકાથી વધારે હોય તો તે દેશનું દેવું તેમના જીડીપી કરતાં વધારે છે.
ભૂતકાળમાં પણ આવી રીતે જેનો જીડીપી રેશિયો વધારે રહ્યો છે તેવા દેશ ડિફોલ્ટર થયા છે. આ જ કારણે અમેરિકામાં પણ મોટો ભય સેવાઈ રહ્યો છે. હાલમાં અમેરિકાનું દેવું 34 ટ્રિલિયન ડોલર પર પહોંચી ગયું છે. છેલ્લા 24 વર્ષમાં જ અમેરિકાના દેવામાં છ ગણો વધારો થયો છે. અગાઉ 2000ની સાલમાં અમેરિકાનું દેવું 5.7 ટ્રિલિયન ડોલર હતું. 2010માં તે 12.3 ટ્રિલિયન અને 2020માં આ દેવાનો આંક 23.2 ટ્રિલિયન ડોલરનો હતો.
યુએસ કોંગ્રેસના અંદાજ પ્રમાણે આગામી 10 જ વર્ષમાં અમેરિકાનું દેવું 54 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી જશે. છેલ્લા 3 વર્ષમાં અમેરિકાના દેવામાં 10 ટ્રિલિયન ડોલરનો વધારો થઈ ગયો છે. જ્યારે છેલ્લા 3 માસમાં અમેરિકાનું દેવું 1 ટ્રિલિયન ડોલર વધ્યું છે. આ દેવું અમેરિકાના જીડીપીના 124 ટકા બરાબર છે. જોવા જેવી વાત છે કે હાલમાં અમેરિકાએ દર વર્ષે દેવાના વ્યાજ પેટે જ 1.8 અબજ ડોલરનો ખર્ચ કરવો પડી રહ્યો છે. આ બતાવી રહ્યું છે કે સરકારની કમાણી ઘટી રહી છે અને સામે ખર્ચ વધી રહ્યો છે.
જે રીતે અમેરિકાના દેવામાં વધારો થઈ રહ્યો છે તે જોતાં આગામી વર્ષોમાં અમેરિકાનો ડેટ ટુ જીડીપી રેશિયો 200 ટકા સુધી પહોંચી જવાની સંભાવના છે. જો આમ થશે તો અમેરિકાના જીડીપીની સામે તેનું દેવું બમણું થઈ જશે અને તેને પગલે અમેરિકાનું અર્થતંત્ર પડી ભાંગશે. અમેરિકાની આ સ્થિતિને લીધે જ ગત વર્ષે ઓગષ્ટ માસમાં ફિચે અમેરિકાનું સાર્વભૌમ દેવાનું રેટિંગ AA+થી ઘટાડીને AAA કરી નાખ્યું હતું.
ગત નવેમ્બર માસમાં મૂડીઝે પણ અમેરિકાના રેટિંગમાં ઘટાડો થવાનો સંકેત આપ્યો હતો. ગત વર્ષે જૂન માસમાં જ અમેરિકા ડિફોલ્ટ થવાના આરે પહોંચી ગયું હતું પરંતુ બાદમાં બચી ગયું હતું. સામાન્ય રીતે જ્યારે દેશની અર્થવ્યવસ્થા ખરાબ હોય ત્યારે તેના દેવામાં વધારો થાય છે પરંતુ અમેરિકાની અર્થવ્યવસ્થા હાલમાં સારી છે છતાં પણ દેવામાં થઈ રહેલો વધારો ભારે ચિંતાજનક છે. અમેરિકાની સરકારે આ મુદ્દાને ગંભીરતાથી લેવો પડે છે.
અમેરિકામાં એવી સ્થિતિ છે કે જ્યારે પણ સરકાર બદલાય છે ત્યારે કોઈપણ સરકાર દેવાની ચિંતા કરતી નથી. નવી સરકાર દેવાની લિમિટ વધારીને પોતે સારૂં કર્યાનો દેખાડો કરે છે પરંતુ દેવું વધતું જઈ રહ્યું છે તે કોઈ જોતું નથી. આ કારણે જ અમેરિકાની દેવાની સ્થિતિ ચિંતા કરાવે તેવી છે. અમેરિકા વિશ્વની મહાસત્તા છે. જેથી જો અમેરિકા ડિફોલ્ટ થાય તો તેના આંચકા આખા વિશ્વએ સહન કરવાનો સમય આવી શકે છે. વિશ્વમાં વિનિમય માટે પણ અમેરિકન ડોલરનો ભરોસામંદ ગણવામાં આવે છે. પરંતુ જો અમેરિકા ડિફોલ્ટ થાય તો ડોલર ગગડી જશે. જેની અસર આખા વિશ્વની અર્થવ્યવસ્થાને થશે.
હાલમાં ભારત માટે એવો અંદાજ મુકવામાં આવે છે કે ભારત 2030 સુધીમાં એશિયાની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે અને તે જાપાનને પાછળ રાખી દેશે. ભારતનો જીડીપી પણ જર્મીન અને યુકેને પાછળ મૂકીને વિશ્વમાં ત્રીજા ક્રમનો બની જશે. હાલમાં ભારત યુએસ, ચીન, જાપાન, જર્મની અને યુનાઇટેડ કિંગડમ પછી વિશ્વની છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. ભારતની જીડીપી ડોલરના સંદર્ભમાં ધ્યાનમાં લેવામાં આવે છે જે 2021માં 2.7 ટ્રિલિયન ડોલરથી વધીને 2030 સુધીમાં 8.4 ટ્રિલિયન ડોલર થવાની આગાહી છે.
2030 સુધીમાં ભારતીય અર્થતંત્ર જર્મની, ફ્રાન્સ અને યુકેની સૌથી મોટી પશ્ચિમ યુરોપિયન અર્થવ્યવસ્થા કરતાં પણ કદમાં મોટું હશે. જોકે, સાથે સાથે દેશનો વપરાશ ખર્ચ 2020માં 1.5 ટ્રિલિયન ડોલરથી બમણો થઈને 2030 સુધીમાં 3 ટ્રિલિયન ડોલર થઈ જશે. જે પણ ધ્યાન રાખવા જેવી બાબત છે. ભારત માટે ભલે આ ગુલાબી ચિત્ર હોય પરંતુ અમેરિકા માટે તેનો ડેટ ટુ જીડીપીનો વધારો સમસ્યાજનક છે. આ જ કારણે ભારતે પણ સાવચેત રહેવું પડશે, નહીં તો અમેરિકાના ડિફોલ્ટ થવાની અસર ભારત પર પણ મોટી પડશે તે નક્કી છે.
ભારતને એ મોટો ફાયદો છે કે વસતીને કારણે ભારતમાં મોટું બજાર છે. સાથે સાથે ભારતના લોકોની સંપત્તિ બચાવીને સંકટના સમયમાં તેનો ઉપયોગ કરવાની વૃત્તિને કારણે સરેરાશ ભારતીય મંદીના સમયને પણ પચાવી જાણે છે. જોકે, ભારત દેશ હાલમાં વિકાસશીલ દેશ છે. જ્યારે અમેરિકા વિકસીત દેશ છે. અમેરિકા એવો દેશ છે કે જે આવતીકાલની ચિંતા કરતો નથી અને આ કારણે જ તેના દેવામાં થતા વધારાની ચિંતા ત્યાંની સરકાર પણ કરતી નથી. પરંતુ અર્થવ્યવસ્થા એક એવો મુદ્દો હોય છે કે જેમાં સ્હેજ સરખી ચૂક આખા દેશની કંગાલિયતની કગાર પર લાવી દે છે. અમેરિકાએ આ વાત સમજીને પોતાના ખર્ચને કાબૂમાં લેવો પડે તેમ છે. અમેરિકા નહીં સમજે તો આખા વિશ્વમાં મોટી મંદી છવાશે તે નક્કી છે.