દેલાડ: દ.ગુ.વીજ કંપનીની ઓલપાડ સબ ડિવિઝનના કાર્યક્ષેત્રનાં ગામોની સીમમાંથી ગત વર્ષે અજાણ્યા તસ્કરોએ વીજપોલ પરથી ચોરેલા એલ્યુમિનિયમ વાયરોની (Wires) ચોરીનો ગુનાનો ભેદ મોડે-મોડે પણ ઉકેલાતાં વીજ કંપનીના અધિકારીઓએ રાહતનો દમ લીધો હતો. પરંતુ ઓલપાડ તાલુકામાં પેધા પડેલ અજાણ્યા તસ્કરો આ વર્ષે ફરી રૂ.૩,૦૪,૫૦૦ની કિંમતના વાયરોની એલ્યુમિનિયમ વાયરોની ચોરી કરીને પલાયન થઈ જતાં વીજ કંપનીના અધિકારીઓની ઊંઘ હરામ થઈ જવા પામી છે.
- મોરથાણથી કંથરાજ અને કમરોલીથી મંદરોઈ જતા રસ્તા પરના વીજ પોલના કુલ ૯૨ ગાળાની વીજ લાઈનના એલ્યુમિનિયમ વાયરોની ચોરી
- ઓલપાડ તાલુકામાં પેધા પડેલા તસ્કરો ફરી વીજ પોલ પરથી રૂ.૩.૦૪ લાખના વાયરો ચોરી ગયા
પ્રાપ્ત વિગત મુજબ ઓલપાડ તાલુકાના અછારણ તથા સોંદલાખારા વિભાગના ખેડૂતોને એગ્રીકલ્ચર વીજ પુરવઠો પૂરો પાડતી દ.ગુ.વીજ કંપનીની માલિકીની ૧૧ કે.વી.ભારે દબાણવાળી વીજ લાઇનો પથરાયેલી છે. આ વીજ લાઈન પૈકી મોરથાણથી કંથરાજ તથા કમરોલીથી મંદરોઈ ગામ જતા રસ્તા ઉપર આવેલા વીજ પોલ પરથી અજાણ્યા તસ્કરો એલ્યુમિનિયમના વાયરોની ચોરી કરી હવામાં ઓગળી જતાં વીજ કંપનીના અધિકારીઓની દોડતા થઈ ગયા છે. પ્રથમ ઘટનામાં ગત તા.૨૨ ઓગસ્ટના રોજ રાત્રે ૯ કલાક પહેલાના સુમારે કોઈ અજાણ્યા તસ્કરો મોરથાણથી કંથરાજ જતા રસ્તા પર પથરાયેલા ૫.૪૬૦ કિ.મી.લંબાઈ વાળા ૫૨(બાવન)વીજ પોલના ગાળાની લાઈનના એલ્યુમિનિયમના ૭૯૧.૭ કિ.ગ્રા.વાયરો, જેની કિંમત રૂપિયા રૂ.૧,૫૮,૩૪૦ ઉતારી ચોરી કરીને પલાયન થઈ ગયા હતા.
જ્યારે વીજ વાયરોની ચોરીની બીજી ઘટના ગત તા.૨ સપ્ટેમ્બરના રોજ રાત્રે ૯ કલાક પહેલાના સુમારે બની હતી. આ ઘટનામાં તાલુકાના કમરોલીથી મંદરોઈ તરફ જતા રસ્તા ઉપર આવેલી એગ્રીકલ્ચર વીજ લાઇનના ૪૨ ગાળાની ૫.૦૪ કિ.મી. લાંબી વીજ લાઈનના ૭૩૦.૦૮ કિ.ગ્રા. એલ્યુમિનિયમના વાયરો, કિંમત રૂ.૧,૪૬,૧૬૦ની ચોરી કરી અજાણ્યા તસ્કરો ફરાર થઈ ગયા હતા. આમ વીજપોલ પરથી એલ્યુમિનિયમના વાયરોની ચોરીની બે ઘટનામાં કુલ ૧૦.૫ કિ.મી. લાંબી વીજ લાઈનના કુલ ૧૫૨૨.૫ કિલો ગ્રામ વાયરો, જેની કુલ કિંમત ૩,૦૪,૫૦૦ની ચોરી ઘટનાની જાણ મોડી થતાં દ.ગુ.વીજ કંપની, ઓલપાડ સબ ડિવિઝન ખાતે ફરજ બજાવતા નાયબ ઇજનેર નેહલ બીપીન પટેલે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ઓલપાડ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ એલ્યુમિનિયમના વાયરોની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.