કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ આજ રોજ તા. 8 નવેમ્બર શનિવારે જાહેરાત કરી કે સંસદનું શિયાળુ સત્ર તા.1 ડિસેમ્બરથી શરૂ થશે અને તા. 19 ડિસેમ્બર 2025 સુધી ચાલશે. આ અંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સરકારના આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.
રિજિજુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને લખ્યું છે કે “અમે આશા રાખીએ છીએ કે આ સત્ર લોકશાહીને વધુ મજબૂત બનાવશે અને લોકોની આશાઓ પૂર્ણ કરશે.”
આ શિયાળુ સત્ર અગાઉના સત્રોની તુલનામાં ટૂંકું રહેશે. કારણ કે ટૂંક સમયમાં બજેટ સત્ર પણ શરૂ થવાનું છે. રાજકીય રીતે આ પણ સત્ર ગરમ રહેવાની શક્યતા છે. સંસદના ચોમાસા સત્રમાં ભારે હોબાળો જોવા મળ્યો હતો. ખાસ કરીને સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) અને ઓપરેશન સિંદૂર જેવા મુદ્દાઓ પર ચર્ચા અને વિરોધ થયો હતો. તે સત્ર તા.21 જુલાઈથી તા. 21 ઓગસ્ટ સુધી ચાલ્યું હતું. જેમાં રાજ્યસભામાં 15 અને લોકસભામાં 12 બિલ પાસ થયા હતા.
આગામી આ શિયાળુ સત્રમાં પણ વિપક્ષના હોબાળાની શક્યતા છે. ખાસ કરીને બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો અને SIR પ્રક્રિયા જેવા મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે. રાજકીય વિશ્લેષકો માને છે કે વિપક્ષ સરકારને આ બંને મુદ્દાઓ પર ઘેરવાનો પ્રયત્ન કરશે.
આ સત્ર દરમિયાન સરકારના ધ્યાનમાં કેટલાક મહત્વપૂર્ણ બિલો છે. તેમાં પબ્લિક ટ્રસ્ટ બિલ અને ઈન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી બિલ મુખ્ય છે. જે પસાર કરવાની સરકારની યોજના છે.
સંસદનું આ શિયાળુ સત્ર કુલ 19 દિવસનું રહેશે. સરકારે જણાવ્યું છે કે તે કાયદાકીય પ્રક્રિયા આગળ ધપાવવા અને રાજકીય પડકારોનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
2013 પછીનું આ સૌથી ટૂંકું સત્ર ગણાશે કારણ કે તે વખતે પણ ફક્ત 14 દિવસનું શિયાળુ સત્ર યોજાયું હતું. હવે જોવું એ રહ્યું કે આ સત્ર દરમિયાન સરકાર કેટલા મહત્વપૂર્ણ બિલો પસાર કરી શકે છે અને વિપક્ષ કેટલો હંગામો સર્જે છે.