World

અમેરિકા-ઈરાન તણાવ ફરી વધશે? ચર્ચા નિષ્ફળ બાદ અમેરિકાનું અંતિમ અલ્ટીમેટમ

પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે યોજાયેલી મહત્વપૂર્ણ શાંતિ ચર્ચા નિષ્ફળ રહી છે. લગભગ 21 કલાક સુધી ચાલેલી આ ચર્ચા બાદ અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સએ સ્પષ્ટ કર્યું કે બંને દેશો વચ્ચે કોઈ સમજૂતી થઈ નથી અને હવે અમેરિકાએ પોતાનો “અંતિમ અને શ્રેષ્ઠ પ્રસ્તાવ” ઈરાન સમક્ષ મૂકી દીધો છે.

ચર્ચા પૂર્ણ થયા બાદ મીડિયા સાથે વાત કરતા જેડી વેન્સે જણાવ્યું હતું કે અમેરિકા અને ઈરાન વચ્ચે ઘણા મુદ્દાઓ પર “મહત્વપૂર્ણ અને ગહન ચર્ચા” થઈ હતી, પરંતુ અંતે કોઈ સકારાત્મક પરિણામ આવ્યું નથી. તેમણે કહ્યું કે સમજૂતી ન થવી એ અમેરિકા કરતાં વધુ ઈરાન માટે નુકસાનકારક છે.

વેન્સે વધુમાં જણાવ્યું કે અમેરિકા તરફથી ઈરાનને એક સરળ અને સ્પષ્ટ પ્રસ્તાવ આપવામાં આવ્યો છે, જેને તેમણે “અંતિમ અને શ્રેષ્ઠ ઓફર” ગણાવી. હવે જોવાનું રહેશે કે ઈરાન આ પ્રસ્તાવ સ્વીકારશે કે નહીં. અમેરિકાની મુખ્ય માંગ એ છે કે ઈરાન લાંબા ગાળે પરમાણુ હથિયારો બનાવવાનો પ્રયાસ નહીં કરે અને એવી કોઈ ટેક્નોલોજી અથવા સાધનો પણ વિકસાવશે નહીં, જેના દ્વારા તે ઝડપથી પરમાણુ હથિયાર તૈયાર કરી શકે. વેન્સે કહ્યું કે તાત્કાલિક નહીં પરંતુ ભવિષ્યમાં પણ ઈરાન તરફથી સ્પષ્ટ પ્રતિબદ્ધતા જરૂરી છે.

ઉલ્લેખનીય છે કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને યુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે પાકિસ્તાનની મધ્યસ્થતામાં અમેરિકા અને ઈરાન વચ્ચે આ ઉચ્ચ સ્તરની સીધી ચર્ચા યોજાઈ હતી. આ ચર્ચાનો મુખ્ય હેતુ બંને દેશો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને અંત આપવો અને સ્થાયી શાંતિ કરાર તરફ આગળ વધવો હતો.

અમેરિકી પ્રતિનિધિમંડળનું નેતૃત્વ જેડી વેન્સ કરી રહ્યા હતા, જ્યારે ઈરાન તરફથી ઉચ્ચ સ્તરના રાજકીય નેતાઓ ચર્ચામાં સામેલ થયા હતા. બંને દેશો વચ્ચે અગાઉ તાત્કાલિક યુદ્ધવિરામની જાહેરાત થયા બાદ આ ચર્ચાઓને લાંબા ગાળાની શાંતિ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી હતી. હાલમાં ચર્ચા નિષ્ફળ જતા પશ્ચિમ એશિયામાં ફરીથી તણાવ વધવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. હવે આંતરરાષ્ટ્રીય સમુદાયની નજર ઈરાનના આગામી નિર્ણય પર છે કે તે અમેરિકાના અંતિમ પ્રસ્તાવને સ્વીકારશે કે નહીં.

Most Popular

To Top