ફેબ્રુઆરી ૨૦૨૨માં રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું તેને અઢી વર્ષ કરતા વધુ સમય થઇ ગયો પરંતુ આ યુદ્ધ હજી ચાલુ જ છે. યુદ્ધની તીવ્રતામાં વધઘટ થતી રહે છે. આ યુ્દ્ધે ખાસ્સા વળાંકો પણ જોયા છે. શરૂઆતમાં યુક્રેનને ખૂબ નુકસાન સહન કરવું પડ્યું પરંતુ બાદમાં તેણે રશિયાને ખાસ્સું એવું ઠમઠોર્યું. તેના પશ્ચિમી દેશો, ખાસ કરીને અમેરિકા તરફથી મળતી મદદને કારણે તેને ખાસ્સી શક્તિ મળી છે.
હવે આ યુદ્ધમાં એક નવું પાસુ ઉમેરાયું છે અને તે એ છે કે વિદાય લઇ રહેલા અમેરિકી પ્રમુખ જોસેફ ઉર્ફે જો બાઇડને યુક્રેનને એ વાતની મંજૂરી આપી છે કે તે તેને અમેરિકા તરફથી મળેલા લોંગ રેન્જ મિસાઇલોનો ઉપયોગ રશિયાના અંદરના પ્રદેશોમાં હુમલા કરવા માટે કરી શકે છે.. આનાથી રશિયા છંછેડાયું છે. અમેરિકી પ્રમુખ જો બાઇડને યુક્રેનને રશિયાની અંદરના ભાગમાં લોંગ રેન્જ મિસાઇલોથી હુમલા કરવા દેવાની મંજૂરી આપવાનો નિર્ણય લીધો તેની સામે ચેતવણી આપતા રશિયાએ કહ્યું છે કે આનાથી આ યુદ્ધનું સ્વરૂપ જ બદલાઇ જશે.
અમેરિકાએ તેના દ્વારા યુક્રેનને પુરા પાડવામાં આવેલા લાંબી રેન્જના મિસાઇલોથી રશિયાની અંદર હુમલા કરવાની મંજૂરી આપી છે તેવા આ સમાચાર એવા સમયે આવ્યા છે કે જ્યારે કલ્સ્ટર દારૂગોળા સાથેના એક રશિયન બેલેસ્ટિક મિસાઇલ સુમી નામના એક ઉત્તર યુક્રેનિયન શહેર પર પડ્યું હતું જેમાં બે બાળકો સહિત ૧૧નાં મોત થયા હતા અને અન્ય ૮૪ને ઇજા થઇ હતી. રશિયાનું કહેવું દેખીતી રીતે એમ છે કે અમે યુક્રેન પર મિસાઇલ હુમલા કરીએ, પણ તેણે અમારા પર મિસાઇલ હુમલા કરવા નહીં! આ માટે તે એવું બહાનું કાઢે છે કે પશ્ચિમી દેશો યુક્રેનને આવા શસ્ત્રો પુરા પાડી રહ્યા છે તેથી તે દેશો પણ અમારી સામે યુદ્ધે ચડેલા જ ગણાશે! અમેરિકાએ યુક્રેનને આપેલી મંજૂરી અંગે ક્રેમલિનના પ્રવકતા દમિત્રિ પેસ્કોવે સોમવારે પત્રકારોને રશિયન પ્રમુખ વ્લાદીમીર પુટિન દ્વારા સપ્ટેમ્બરમાં કરવામાં આવેલા નિવેદનનો સંદર્ભ આપ્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે રશિ્યાને લક્ષ્ય બનાવવા દેવાની મંજૂરીથી આ યુદ્ધના હિસ્સેદારો નોંધપાત્ર વધી જશે.
આનાથી આ યુદ્ધનું સ્વરૂપ જ બદલાઇ જશે એમ પુટિને તે સમયે કહ્યું હતું. આનો અર્થ એ કે નાટો દેશો – અમેરિકા અને યુરોપિયન દેશો – રશિયા સાથે યુદ્ધમાં ઉતર્યા છે. પેસ્કોવે દાવો કર્યો હતો કે પશ્ચિમી દેશો યુક્રેનને લોંગ રેન્જ મિસાઇલો પુરા પાડે છે તે તેને ટાર્ગેટિંગ સેવાઓ પણ પૂરી પાડે છે. આ મૂળભૂત રીતે યુદ્ધમાં તેમની સંડોવણીની મોડાલિટી બદલી નાખે છે એમ પેસ્કોવે કહ્યું હતું. પુટિન તો અગાઉ એવી પણ ચેતવણી આપી ચુક્યા છે કે જો યુક્રેન રશિયા પર મિસાઇલ હુમલા કરશે તો રશિયા અણુ શસ્ત્રનો પણ ઉપયોગ કરી શકે છે.
અવળચંડા પુટીન જો યુક્રેનના સાથી દેશો પર પણ હુમલો કરવાનું આંધળુકિયું કરે તો તેમાંથી ત્રીજું વિશ્વયુ્દ્ધ ફાટી નિકળવાનો ભય જરૂર રહે છે. કારણ કે મોટું યુદ્ધ થાય તો ચીન અને ઉત્તર કોરિયા રશિયાની મદદે દોડી આવે તેવી શક્યતા વ્યાપક છે. અને આમ પણ ઉત્તર કોરિયાના દસેક હજાર સૈનિકો રશિયાની મદદ માટે તો ગયા જ છે. જો કે અમેરિકાના પ્રમુખપદે ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પ જાન્યુઆરીમાં સત્તા સંભાળે પછી અમેરીકા યુક્રેનને મદદ ચાલુ રાખશે કે કેમ? તે બાબતે અચોક્કસતા છે. ટ્રમ્પ માટે અમેરિકા ફર્સ્ટ છે અને તેઓ પારકી પંચાતોમાંથી અમેરિકાને ખેંચી લેવા માગે છે. જો આમ થાય તો સંજોગો બદલાય.
આ બધા તનાવ વચ્ચે યુરોપિયન દેશ સ્વીડને તેના નાગરિકોને સંભવિત યુદ્ધ માટે તૈયાર રહેવા જણાવ્યું છે અને તેમને રશિયા સાથે યુદ્ધના વધતા જતા ભય વચ્ચે ખોરાક અને પાણી ભરી લેવાની સૂચના પણ આપવામાં આવી છે. તેની પાડોશના ફિનલેન્ડે પણ એક નવી તૈયારી માટેની વેબસાઇટ શરૂ કરી છે અને નોર્વેના લોકોને પણ તાજેતરમાં એવી બુકલેટો મળી છે જેમાં તેમને યુદ્ધ અને અન્ય ખતરાઓ સામે કઇ રીતે તૈયાર રહેવું તે સૂચનાઓ આપવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સ્વીડન અને ફીનલેન્ડ બંનેએ યુક્રેન પર રશિયાના આક્રમણ પછી અમેરિકાની આગેવાની હેઠળના લશ્કરી ગઠબંધન નાટોમાં જોડાવા તેમની દાયકાઓની લશ્કરી બિનજોડાણવાદની નીતિ પડતી મૂકી છે. સ્વીડન જો કે બીજા વિશ્વ યુદ્ધ પછી પાંચ વખત આવા પેમ્ફ્લેટો કે બુકલેટો બહાર પાડી ચુક્યું છે. પણ આ વખતે સ્થિતિની ગંભીરતા જોતા બુકલેટોનું કદ અગાઉ કરતા બમણા જેટલું થયું છે. દેખીતી રીતે આ દેશોને ત્રીજા વિશ્વયુદ્ધનો અને યુક્રેન યુદ્ધ પોતાના ઘરઆંગણે આવી જવાનો ભય સતાવે છે. મધ્ય પૂર્વના તનાવમાંથી ત્રીજુ વિશ્વયુદ્ધ ભડકવાની વાતો થતી હતી, હવે ફરી એકવાર રશિયા-યુક્રેન યુદ્ધમાંથી ત્રીજુ઼ વિશ્વયુદ્ધ ભડકવાની વાતો શરૂ થઇ છે. આશા રાખીએ કે આવું નહીં થાય.