ઈરાન પર હુમલો કરવો એ નાઈકીની જાહેરાત નથી – જસ્ટ ડુ ઇટ. મધ્ય પૂર્વના નિષ્ણાત એરોન ડેવિડ મિલરે ઈરાનના પરમાણુ સ્થળો પર અમેરિકાના હુમલા પર કહ્યું. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ઈરાન સાથે યુદ્ધમાં ઉતરવાનો નિર્ણય માત્ર અમેરિકન શક્તિ જ નહીં, પણ તેલ સમૃદ્ધ પ્રદેશના સમીકરણોમાં પણ ફેરફાર કરી શકે છે. તે અમેરિકાને કાયમ માટે યુદ્ધમાં પણ ધકેલી દે. તે ઈરાક અને અફઘાનિસ્તાનમાં લાંબો સમય ફસાયેલું રહ્યું હતું. જ્યારે કે દેશને યુદ્ધમાં ન ફસાવવાનું ટ્રમ્પે વચન આપ્યું હતું. અમેરિકી સમય પ્રમાણે શનિવારે અમેરિકન દળોએ ઈરાનમાં ફોર્ડો, નાતાન્ઝ અને ઇસ્ફહાન પરમાણુ સ્થળો પર સંકલિત હવાઈ હુમલા કર્યા.
અમેરિકાએ હુમલો તો કરી દીધો પણ તેના દૂરગામી પરિણામો ગંભીર પણ હોઇ શકે. જેમ કે એરોન ડેવિડ મિલરે કહ્યું હતું, તે ફક્ત નાઇકીની જાહેરાત નથી. સૌથી મહત્વપૂર્ણ મુદ્દો. ઈરાન પર હુમલો કરવો એ નાઇકીની જાહેરાત નથી – જસ્ટ ડુ ઇટ. નાઇકીની જાહેરાતમાં આ શબ્દો આવે છે પણ આ યુદ્ધની બાબતમાં આવા શબ્દો ઉચ્ચારવા અમેરિકા માટે સહેલું નહીં હોય. અમેરિકા તેના દળોને જોખમમાં મૂકે છે, ત્યારે તે ફક્ત આપણે તે કરી શકીએ છીએ તેવું નથી; પરંતુ આપણે શું કરવું જોઈએ; તેની કિંમત શું હશે અને પછીના દિવસનું શું થશે એમ મિલરે X પર પોસ્ટ કર્યું. અને આ પછી ટ્રમ્પે બીજા જ દિવસે ઇરાન-ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ વિરામની જાહેરાત કરી પણ આ જાહેરાતના થોડા જ સમય પછી લડાઇ પાછી ચાલુ થઇ ગઇ. ઇઝરાયેલે યુદ્ધ વિરામનો ધરાર ભંગ કર્યો તેથી ટ્રમ્પ ભારે નારાજ છે પણ તેમની નારાજગીનો કદાચ કશો અર્થ રહેશે નહીં.
ઈરાને પોતાને અમેરિકન સાથી સુન્ની સાઉદી અરેબિયાના શિયા પ્રતિરૂપ તરીકે સ્થાન આપ્યું હતું અને શિયા સુપરસ્ટેટ બનાવ્યું હતું. લશ્કરી રીતે અપંગ ઈરાન મધ્ય પૂર્વમાં શક્તિનું સંતુલન ખોરવી નાખશે. નવ દિવસ પહેલા ઇઝરાયલે તેના પરમાણુ સુવિધાઓ અને ટોચના લશ્કરી કમાન્ડરો પર હુમલો કર્યા પછી ચીન અને રશિયા બંનેએ અમેરિકાને ઈરાનમાં લશ્કરી હસ્તક્ષેપ સામે ચેતવણી આપી હતી. જો કે ચીન અને રશિયા યુદ્ધમાં સીધા સામેલ થવાની શક્યતા ઓછી છે, તેઓ ઈરાનને અમેરિકાનો સામનો કરવામાં મદદ કરી શકે છે, જેણે મધ્ય પૂર્વમાં તેના વિરોધીઓને તેમની ગુપ્ત મદદથી પડકારોનો સામનો કર્યો છે. ઘણા દેશો ઈરાનને સીધા તેમના પોતાના પરમાણુ શસ્ત્રો પૂરા પાડવા માટે તૈયાર છે, ભૂતપૂર્વ રશિયન રાષ્ટ્રપતિ દિમિત્રી મેદવેદેવે દેશોનું નામ લીધા વિના કહ્યું. આ બધુ જાણ્યા પછી કદાચ ટ્રમ્પે યુદ્ધ વિરામ માટે બંને દેશોને તૈયાર કર્યા, પણ બંને દેશો સહેલાઇથી તેનો અમલ કરે તેમ જણાતુ નથી અને ટ્રમ્પ ખરાબ રીતે ફસાયેલા જણાય છે.
મધ્ય પૂર્વમાં કોઈપણ કટોકટી વૈશ્વિક વેપાર અને તેલના ભાવ પર મોટી અસર કરે છે. ફક્ત ઈરાની તેલ જ નહીં, પરંતુ ઈરાનના દક્ષિણ કિનારા પર હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતો ક્રૂડ વેપાર માર્ગ નિષ્ણાતો અને વેપારીઓને ચિંતિત કરે છે. વૈશ્વિક સ્તરે વેપાર થતા ક્રૂડ ઓઈલ અને સંબંધિત ઉત્પાદનોનો લગભગ 20% હિસ્સો હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થાય છે. અને આ જળમાર્ગ ઇરાન બંધ કરી રહ્યું છે તે વિશ્વ વેપાર માટે મોટી ચિંતાનો વિષય છે. ઇમિગ્રન્ટ્સની અટકાયત અને દેશનિકાલ મામલે ઘર આંગણે મુશ્કેલીઓનો સામનો કરી રહેલા ટ્રમ્પે હવે આ પગલુ ભરીને પોતાને એક નવી મુસીબતમાં સંડોવી દીધા છે. હુમલો કર્યા પછી ટૂંક સમયમાં ટ્રમ્પે ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ વિરાની જાહેરાત કરી, તેઓ કદાચ એમ માનતા હશે કે કેટલી સિફતથી પોતે શાંતિ કરાવી તેની વિશ્વ પ્રશંસા કરશે પણ ભારત-પાક.થી વિપરીત આ લડાઇ સહેલાઇથી અટકે તેમ લાગતુ નથી.