ગ્રીનલેન્ડ એ વિશ્વનો સૌથી મોટો એવો ટાપુ છે જે ખંડ નથી. આ ટાપુ ઉત્તર ધ્રુવ નજીક આવેલો છે. આમ તો ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા પણ વિશાળ ટાપુઓ છે પરંતુ તેઓ મોટા ટાપુઓ હોવાની સાથે ખંડો પણ છે. જ્યારે ખંડ નહીં હોય તેવો સૌથી મોટો ટાપુ ગ્રીનલેન્ડ છે. તે સૌથી ઓછી વસ્તી ધરાવતો પ્રદેશ પણ છે. ત્યાં લગભગ પ૭૦૦૦ લોકો રહે છે, જેમાં મોટાભાગે દેશી ઇનુઇટ લોકો રહે છે.
તેનો લગભગ 80% પ્રદેશ બરફથી ઢંકાયેલો છે. ગ્રીનલેન્ડનું અર્થતંત્ર મુખ્યત્વે માછીમારી પર આધારિત છે. તાજેતરના વર્ષોમાં, ગ્રીનલેન્ડના કુદરતી સંસાધનોમાં રસ વધ્યો છે, જેમાં દુર્લભ પૃથ્વી ખનિજો, યુરેનિયમ અને આયર્નનો સમાવેશ થાય છે. ગ્લોબલ વોર્મિંગને કારણે ગ્રીનલેન્ડ પરનો બરફ પીગળી રહ્યો હોવાથી આ ખનિજો વધુ સુલભ પણ બની શકે છે. બરફ પીગળી રહ્યો હોવાને કારણે આ ખનિજો ખોદવાનુ સહેલુ બની શકે છે અને તેથી ગ્રીનલેન્ડમાં વિશ્વનો રસ વધ્યો છે અને અમેરિકી પ્રમુખ ટ્રમ્પ તેમાં ખાસ્સો રસ બતાવી રહ્યા છે.
આર્કટિક સમુદ્રમાં આવેલ ગ્રીનલેન્ડ ટાપુ યુરોપિયન દેશ ડેન્માર્કની માલિકીનો છે. ગ્રીનલેન્ડને ડેનમાર્ક પાસેથી મેળવવા માટેની એક વિધિવત યોજના ટ્રમ્પના વહીવટીતંત્રે રજૂ કરી છે એમ ન્યૂયોર્ક ટાઇમ્સે અહેવાલ આપ્યો છે. વિચારણા હેઠળના વિકલ્પોમાંનો એક વિકલ્પ એ છે કે ડેન્માર્ક આ ટાપુને વર્ષે ૬૦ કરોડ ડોલરની જે સબસીડી આપે છે તેના સ્થાને દરેક ગ્રીનલેન્ડવાસીને ૧૦૦૦૦ ડોલર પ્રતિ વર્ષની ચુકવણી કરવામાં આવે. ડેન્માર્ક એ બાબત પર ભાર મૂકે છે કે આ ટાપુ વેચવાનો નથી અને તે તેની પાસેથી કબજે કરી શકાય નહીં.
આથી ટ્રમ્પ પ્રશાસન દાબદબાણના સ્થાને સમજાવટ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને ગ્રીનલેન્ડની પ૭૦૦૦ લોકોની વસ્તીને એ સમજાવવા માટે એક જન સંપર્ક અભિયાન ચલાવવા વિચારે છે કે તેઓ અમેરિકા સાથે જોડાવા માટે માગણી કરે. ટ્રમ્પના અધિકારીઓ માને છે કે ટાપુવાસીઓને આકર્ષવા માટે જે પણ ખર્ચ કરવામાં આવે છે તે ગ્રીનલેન્ડના કુદરતી સંસાધનોમાંથી મેળવેલી નવી આવકમાંથી સરભર કરવામાં આવશે. કદાચ આને કારણે જ ટ્રમ્પની દાઢ ગ્રીનલેન્ડને કબજે કરવા માટે સળકી છે. જો કે ગ્રીનલેન્ડની સ્વાયત્ત સરકાર તરફથી આનો સખત વિરોધ થઇ રહ્યો છે અને ડેન્માર્ક પણ ગ્રીનલેન્ડ અમેરિકાને આપી દેવા માટે ઉત્સુક જણાતું નથી. ડેન્માર્કની પ્રજાનો સ્પષ્ટ અભિપ્રાય હજી સુધી સ્પષ્ટ જાણવા મળ્યો નથી. જો કે પ્રજાના નોંધપાત્ર વર્ગમાં વિરોધ જણાય છે.
આમ તો અમેરિકા ઘણા સમયથી ગ્રીનલેન્ડ કબજે કરવા પ્રયાસો કરી રહ્યું છે પણ ટ્રમ્પ જેટલી આક્રમકતા કદાચ કોઇએ બતાવી નથી. ૧૯મી સદીથી, યુનાઇટેડ સ્ટેટ્સે ડેનમાર્ક પાસેથી ગ્રીનલેન્ડ ટાપુ ખરીદવા માટે અનેક પ્રયાસો કર્યા છે, બીજા વિશ્વયુદ્ધ પછી, અમેરિકાએ ગુપ્ત રીતે ગ્રીનલેન્ડ ખરીદવાની ઓફર કરી હતી; ૨૦૧૯માં ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન અને ટ્રમ્પના ૨૦૨૪માં ફરીથી ચૂંટાયા પછી, તેમની અમેરિકન વિસ્તરણવાદ નીતિના ભાગ રૂપે, ટાપુ ખરીદવા અંગે જાહેર ચર્ચા થઈ હતી. ગ્રીનલેન્ડને અમેરિકાના કબજામાં લાવવા ટ્રમ્પ શું કરે છે અને તેઓ ગ્રીનલેન્ડને કબજે કરી શકે છે કે નહીં તે હવે જોવાનું રહે છે.