Editorial

ટ્રમ્પ અમેરિકાને ખરેખર સુવર્ણ યુગમાં લઇ જશે?

છેવટે ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી અમેરિકાના પ્રમુખ બની ગયા છે. આઠ વર્ષ પહેલા તેઓ પ્રમુખ બન્યા હતા ત્યારે જેવી વાતો કરી હતી લગભગ તેવી જ વાતોનું પુનરાવર્તન તેમણે આ વખતે પણ  કર્યું હતું. ત્યારે પણ તેમણે અમેરિકા બરબાદ થઇ ગયું હોવાની અને અમેરિકાને ફરીથી પ્રથમ ક્રમે લાવવાની વાતો કરી હતી. આ વખતે પણ આ પ્રકારનો જ સૂર તેમણે ચૂંટણી પ્રચારમાં અને  શપથ વિધિ પછીના પોતાના પ્રવચનમાં કાઢ્યો છે. શપથવિધિ બાદ મંચ પરથી પ્રવચન કરતા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકાનો સુવર્ણયુગ હવે શરૂ થાય છે. તેમણે એમ પણ કહ્યું હતું કે  અમેરિકાનું પતન હવે પુરું થયું છે. અમેરિકાના ૪૭મા પ્રમુખપદે પદારૂઢ થયા બાદ શપથવિધિ સંબોધનમાં ટ્રમ્પે કહ્યું હતું કે ઘણા વર્ષો સુધી એક કટ્ટર અને ભ્રષ્ટ વ્યવસ્થાએ આપણા  નાગરિકોની શક્તિ અને સંપત્તિ ખેંચી લીધી છે, જયારે આપણી લોકશાહીના થાંભલાઓ તૂટી ગયા છે અને તે જીર્ણશીર્ણ અવસ્થામાં છે એમ ટ્રમ્પે કહ્યું હતું.

તેમણે પોતાના પ્રવચનમાં ડેમોક્રેટો  અને લીબરલોની ઝાટકણી કાઢી હતી અને અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરીનો મુદ્દો ખાસ ઉપાડયો હતો. તેમણે એવી પણ જાહેરાત કરી હતી કે જ્યાં વ્યાપક ગેરકાયદે ઘૂસણખોરી થાય છે તે  અમેરિકાની મેક્સિકો સરહદે કટોકટી જાહેર કરવામાં આવશે. આવી જ વાતો તેઓ ૨૦૧૬માં પણ કરતા હતા. કોઇએ તેમને પૂછવું જોઇએ કે તેઓ ચાર વર્ષ પ્રમુખપદે રહ્યા ત્યારે તેમણે શું  કર્યું? અમેરિકાને તેમણે કેટલું મહાન બનાવ્યું? અને ઘૂસણખોરી કેટલી અટકાવી શક્યા? તેઓ હવે ફરીથી આ વાતો ઉપાડીને બેઠા છે.

પોતાના આઠ વર્ષ પહેલાના શપથવિધિ પ્રવચનમાં ટ્રમ્પે અમેરિકન કાર્નેજની વાત કરી હતી અને તેનો અંત લાવવાનું વચન આપ્યું હતું. આ વખતે અમેરિકાનું પતન હવે પુરું થયું છે એવી  વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે આપણું સાર્વભૌમત્વ ફરી પ્રાપ્ત કરવામાં આવશે અને આપણી સુરક્ષા ફરી સ્થાપિત કરવામાં આવશે. અમારી પ્રાથમિકતા એક ગૌરવભર્યા, સમૃદ્ધ અને મુકત  રાષ્ટ્રની રચના કરવાની છે એમ કહેવાની સાથે ટ્રમ્પે મેક્સિકો સરહદ પર દળો મોકલવાની, ઘરઆંગણે ઓઇલ ઉત્પાદન વધારવાની અને ટેરીફો લાદીને નાગરિકોને સમૃદ્ધ બનાવવાની વાત  કરી હતી.

ટ્રમ્પે ચૂંટણી પ્રચારમાં થયેલા પોતાની હત્યાના પ્રયાસોને પણ યાદ કર્યા હતા.  કેપિટોલ રોટુંડા હોલમાં ઇન્ડોર યોજાયેલ શપથવિધિ સમારંભમાં શપથ લીધા બાદ ટ્રમ્પે કહ્યું હતું કે  અમેરિકાનો સુવર્ણ યુગ હવે શરૂ થઇ રહ્યો છે. આ ટ્રમ્પ મહાશયને અમેરિકાના પતનની સતત ફરિયાદ આઠ વર્ષ પહેલા પણ હતી અને આજે પણ છે. તેઓ ત્યારે કહેતા હતા કે અમેરિકા  કોઇ ત્રીજા વિશ્વનો દેશ હોય તેવું બની ગયું છે. તેઓ હવે કહે છે કે લોકોની શક્તિ અને મિલકતો ભ્રષ્ટ તંત્રોએ ખેંચી લીધી છે. આ કયા તંત્રોએ કર્યું છે. કેટલા સમયમાં આ થયું છે તેનો  કોઇ ફોડ ટ્રમ્પે પાડ્યો નથી. છેલ્લા અનેક વર્ષોમાં ફક્ત ડેમોક્રેટો જ નહીં, રિપબ્લિકનો પણ સત્તામાં આવતા રહ્યા છે. ટ્રમ્પનો આક્ષેપ નહીં સમજાય તેવો છે.

આજથી આઠ વર્ષ પહેલા ૨૦૧૭માં પહેલી વખત અમેરિકાના પ્રમુખ બન્યા બાદ ૨૦૨૦ની ચૂંટણી તેઓ હારી ગયા હતા અને ચાર વર્ષના ગાળા બાદ ફરીથી તેઓ અમેરિકાના પ્રમુખ બન્યા  છે. ૭૮ વર્ષીય ટ્રમ્પે આ વખતે પરંપરા તોડીને અનેક વિદેશી નેતાઓને પણ શપથવિધિ સમારંભ માટે આમંત્રણ આપ્યું હતું અને તે મુજબ વિશ્વના અનેક દેશોના વર્તમાન અને ભૂતપૂર્વ  વડાઓ તથા અન્ય નેતાઓ આ શપથવિધિ સમારંભમાં હાજર હતા. ટ્રમ્પે અમેરિકાની પરંપરા તોડીને વિદેશી મહેમાનોને બોલાવ્યા તેમાં કશું ખોટું કર્યું નથી પણ તેમણે પોતાના પ્રવચનમાં જ  પોતાના અગાઉના જ અનાડી જેવા વર્તનની ઝલક  બતાવવા માંડી છે.

એક વિશ્લષેણ પ્રમાણે તેઓ આ પ્રવચનમાં ૨૦ જુઠાણાઓ ઉચ્ચારી ગયા હતા! એક ખાસ ધ્યાન ખેંચનાર જુઠાણુ તો  તેઓ એ બોલી ગયા કે કેલિફોર્નિયામાં સપ્તાહોથી જંગલની આગ સળગી રહી છે પણ તેને હોલવવા માટે કોઇ પ્રયાસો થતા નથી! જ્યારે વાસ્તવિકતા એ છે કે સેંકડો ફાયર ફાઇટરો આ  આગ હોલવવા માટે ઝઝૂમી રહ્યા છે. અમેરિકી પરંપરા મુજબ ૨૦ જાન્યુઆરીએ યોજાતી શપથવિધિમાં શપથ ગ્રહણ કર્યા બાદ ટ્રમ્પ અમેરિકાના ૪૭મા પ્રમુખ બન્યા છે જેઓ જોસેફ બાઇડનના અનુગામી બન્યા છે અને આવતાની સાથે જ  તેમણે પોતાની ‘લે બુધુ ને કર સીધુ’ની સ્ટાઇલમાં કામ કરવા માંડ્યું છે. ટ્રમ્પે શપથવિધિ પછી માત્ર ૩૦ મીનિટ જ પ્રવચન કર્યું હતું. જે ટ્રમ્પના ધોરણો પ્રમાણે ખૂબ ટુંકુ પ્રવચન હતું.

તેમણે ચૂંટણી પ્રચારમાં પણ ઘણી વખત એક કલાક કરતા વધુ સમય સુધી પ્રવચનો કર્યા છે. આટલા ટૂંકા પ્રવચનમાં તેમણે ઘણો ભાગ તો વિરોધીઓ પર કટાક્ષો કરવામાં અને ફેંકા ફેંક કરવામાં વેડફ્યો છે. અને પ્રમુખ બનવાની સાથે સંસદ પરિસર પરના હુમલાના દોષિતોને માફી જેવા પગલાઓ ભરવા માંડ્યા છે. ટ્રમ્પને સતત એ વાત કોરી ખાય છે કે અમેરિકા પોતાનો દબદબો ગુમાવી બેઠું છે, પણ આ વાત પણ સંપૂર્ણ સાચી નથી. આજે પણ અમેરિકા વિશ્વની પ્રથમ ક્રમની આર્થિક અને લશ્કરી મહાસત્તા છે જ. હા તેની કેટલીક આંતરિક સમસ્યાઓ વકરી છે, પણ અનાડી જેવું વર્તન કરીને ટ્રમ્પ અમેરિકા માટે સુવર્ણ યુગ સર્જી શકશે ખરા? તેમની પહેલા ટર્મમાં તો અનેક ડંફાસો છતા તેઓ કશું નોંધપાત્ર કરી શક્યા ન હતા.

Most Popular

To Top