Editorial

ટેરિફની બાબતમાં ટ્રમ્પ ઢીલા પડશે કે મક્કમ રહેશે?

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ ઉધામાઓએ આજકાલ દુનિયાભરમાં ખળભળાટ મચાવી દીધો છે. ટ્રમ્પ અમેરિકી પ્રમુખ બન્યા અને તે પછી સૌપહેલા તેમણે અમેરિકાના પાડોશી દેશો  કેનેડા અને મેક્સિકો પર અને પછી ચીન પર ટેરિફ લાગુ પાડ્યા. કેનેડા અને ચીને વળતા પગલા ભર્યા અને વેપાર યુદ્ધની ધીમી શરૂઆત થઇ ગઇ. ત્યારબાદ ટ્રમ્પે દુનિયાભરના દેશો પર  ઓટો ટેરિફ લાદ્યા અને હાલ બીજી એપ્રિલે ભારત સહિત વિશ્વના અનેક દેશો પર રેસિપ્રોકલ ટેરિફ જાહેર કર્યા તે પછી તો દુનિયાભરના નાણાકીય ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો છે. વૈશ્વિક  શેરબજારોમાં કડાકા પર કડાકા સર્જાયા છે અને તેમાં પણ સોમવાર તો ભારત સહિત અનેક દેશોના શેરબજારો માટે બ્લેક મન્ડે પુરવાર થયો છે.

ટ્રમ્પના આ ટેરિફ અને તેને પગલે વિશ્વભરના  નાણા બજારોમાં સર્જાયેલા વમળોને કારણે હવે વૈશ્વિક મંદી સર્જાય તેવો ભય પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. જો કે વિશ્વભરના બજારોમાં ચાલુ રહેલા કડાકા અને વૈશ્વિક મંદીના વધતા  જતા ભય વચ્ચે અમેરિકી પ્રમુખ ટ્રમ્પ પોતાની ટેરિફ નીતિની બાબતમાં મક્કમ રહ્યા છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે જણાવ્યું હતું કે તેઓ વિશ્વના મોટા ભાગના દેશો પર લાદવામાં આવેલા  આયાત વેરાઓની બાબતમાં પીછેહટ કરવાના નથી, જ્યારે કે તેમના આ ટેરિફોએ વિશ્વભરના નાણા બજારોમાં ધ્રુજારીઓ સર્જી છે અને વૈશ્વિક વ્યાપાર વ્યવસ્થાને  અસર કરી છે.

ટેરિફના કારણે દુનિયાભરના બજારોમાં વમળો સર્જાયા હોવા છતાં હજી સુધી તો ટ્રમ્પ પોતાના ટેરિફની બાબતમાં મક્કમ રહ્યા છે. ટેરિફ સંદર્ભમાં હાલમાં પત્રકારો સાથે વાતચીત કરતા ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ ઇચ્છતા નથી કે વૈશ્વિક બજારો ગબડે, પરંતુ વ્યાપક વેચવાલીથી તેમને ચિંતા પણ નથી અને વધુમાં કહ્યું હતું કે કંઇક  સારું કરવા માટે તમારે કંઇક દવા લેવી પડશે. સોમવારે વેપાર ફરી શરૂ થયા પછી વૈશ્વિક નાણાકીય બજારોમાં તીવ્ર ઘટાડાનો દોર ચાલુ રહ્યો હોય તેવા સમયે તેમની ટિપ્પણી આવી હતી.

જો કે  ટ્રમ્પના સહાયકોએ 50થી વધુ દેશોએ ટેરિફ હટાવવા માટે વાટાઘાટો શરૂ કરી હોવા  અંગેની વાત કરીને બજારની ચિંતાઓને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમના આ પ્રયાસોની ખાસ કોઇ અસર જણાઇ ન હતી. ટ્રમ્પે કહ્યું, મેં વિશ્વભરના ઘણા નેતાઓ, યુરોપિયન, એશિયન નેતાઓ સાથે વાત કરી છે, તેઓ કરાર કરવા માટે ઉત્સુક છે. અને મેં કહ્યું, અમે તમારા દેશ સાથે ખાધ રાખવાના નથી. અમે તે  કરવાના નથી, કારણ કે મારા માટે ખાધ નુકસાન છે. અમારી પાસે સરપ્લસ હશે એમ ટ્રમ્પે કહ્યું હતુ. આ છપાશે તે દિવસે બુધવારથી ઊંચા દરો વસૂલ કરવામાં આવશે, જે કોઈ સ્પષ્ટ અંત વિના આર્થિક અનિશ્ચિતતાના નવા  યુગની શરૂઆત કરશે.

અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેંટે કહ્યું કે અન્યાયી વેપાર પ્રથાઓ એવી વસ્તુ નથી જે તમે દિવસો કે અઠવાડિયામાં વાટાઘાટો કરીને દૂર કરી શકો છો. તેમણે કહ્યું કે,  અમેરિકાએ જોવું જોઈએ કે અન્ય દેશો શું આપે છે અને તે વિશ્વસનીય છે કે નહીં?  વૈશ્વિક ખળભળાટથી બેફિકર ટ્રમ્પે ફ્લોરિડામાં સપ્તાહાંત ગોલ્ફ રમીને વિતાવ્યું હતું અને તેમણે  ઓનલાઈન પોસ્ટ કર્યું કે આપણે  જીતીશું. અટકવું મુશ્કેલ છે, તે સરળ રહેશે નહીં. તેમના કેબિનેટ સભ્યો અને આર્થિક સલાહકારો રવિવારે ટેરિફનો બચાવ કરતા અને વૈશ્વિક અર્થતંત્ર માટેના પરિણામોને ઓછા દર્શાવતા  જોવા મળ્યા હતા.

ટ્રમ્પના ટેરિફને કારણે અમેરિકામાં પણ વ્યાપક અસર થઇ છે અને આ માહોલમાં ટેરિફ યુદ્ધને પગલે અમેરિકાના બજારોમાં પણ મોટા કડાકા અને ફુગાવો વધવાના ભય વચ્ચે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના દેશની પ્રજાને ધીરજ રાખવાની સલાહ આપી હતી. મજબૂત  બનો, હિંમતવાન બનો અને ધીરજ રાખો. મહાનતા આનું પરિણામ હશે! એમ ટ્રમ્પે પોતાના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશ્યલ પર લખ્યું હતું.

બીજી બાજુ તેમણે અમેરિકાની મધ્યસ્થ બેંક ફેડરલ  રિઝર્વને વ્યાજ દર ઘટાડવા હાકલ કરી હતી, જ્યારે કે આ સ્વાયત્ત સંસ્થાના વડા જેરોમ પોવેલે ચેતવણી આપી હતી કે ટેરિફો ફુગાવો વધારી શકે છે. અમેરિકામાં મુશ્કેલી છે તો બીજી બાજુ વિશ્વમાં આર્થિક મંદીઓની અટકળો વધી રહી છે.  અમેરિકન મલ્ટિનેશનલ ઇન્વેસ્ટમેન્ટ બેન્ક ગોલ્ડમેન સાક્સે એક નવી આગાહીમાં કહ્યું છે કે જો ટ્રમ્પ પોતાના ટેરિફોમાં પીછેહટ કરે તો પણ મંદી આવે તેવી શક્યતા વધી ગઇ છે. આ બધા માહોલ વચ્ચે ટ્રમ્પ પોતાનો અભિગમ કંઇક હળવો બનાવે છે કે મક્કમ રહે છે તે હવે જોવાનું રહે છે.

Most Popular

To Top