પીએમ મોદીએ મેરઠથી પ્રયાગરાજને જોડતા ગંગા એક્સપ્રેસ વેનો શિલાન્યાસ કરી દીધો છે. 12 જિલ્લામાંથી પસાર થનારો ગંગા એક્સપ્રેસ વે બનીને તૈયાર થશે ત્યારે તે સૌથી મોટો એક્સપ્રેસ વે બની જશે.તેના માટે 36200 કરોડ રુપિયા ખર્ચાશે.તેની લંબાઈ 594 કિલોમીટરની હશે તેમાં છ લેન હશે.ભવિષ્યમાં તેનો આઠ લેનમાં પણ વિસ્તાર કરી શકાશે. યોગી સરકારે આ એક્સપ્રેસ વેને 26 નવેમ્બરે મંજૂરી આપી હતી અને તેના માટે બજેટ પણ ફાળવ્યુ છે.
તેનો લાભ હરિયાણા, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ રાજ્યોને પમ મળશે.જે 12 જિલ્લામાંથી એક્સપ્રેસ વે પસાર થવાનો છે તેમાંના પચાસ ટકા જિલ્લા પશ્ચિમ યુપીમાં આવેલા છે. આ એક્સપ્રેસ વે માટે 94 ટકા જમીન સંપાદીત થઈ ચુકી છે.તેના પર 3.5 કિલોમીટરની એક લેન્ડિંગ સ્ટ્રીપ પણ તૈયાર કરાશે.જેના પર વાયુસેનાના વિમાનો ઈમરજન્સીમાં લેન્ડિંગ અને ટેકઓફ કરી શકશે.તેની સાથે સાથે એક ઈન્ડસ્ટ્રિયલ કોરિડોર બનાવવાનો પણ પ્રસ્તાવ છે.
ઉત્તર પ્રદેશ માટે આ એક્સપ્રેસ વે કાયા પલટ સમાન છે. આ એક્સપ્રેસ વે થી વિકાસના દ્વાર ખૂલી જાય તેમ છે. પરંતુ શુ એક્સપ્રેસ વેનું રાજકારણ ઉત્તર પ્રદેશમાં સફળ થાય છે કે કેમ તેની પર પણ એક નજર કરી લેવી જોઇએ. યમુના એક્સપ્રેસ વે બન્યા પછી માયાવતીએ સત્તા ગુમાવવી પડી હતી. તેવી જ રીતે આગ્રા એક્સપ્રેસ વે ખુલ્લો મુકનારા અખિલેશ યાદવે પણ સત્તા ગુમાવવી પડી હતી એટલે ઉત્તર પ્રદેશમાં એક્સપ્રેસ વેનું રાજકારણ અત્યાર સુધી તો સફળ થતું જણાતું નથી. ગંગા એક્સપ્રેસ વેનો શિલાન્યાસ કરતી વખતે આજે પીએમ મોદીએ એક સભાને સંબોધન કર્યુ હતુ નવો નારો આપ્યો હતો કે, ઉત્તર પ્રદેશ (યુપી) અને યોગી આદિત્ય નાથ (યોગી) એટલે ઉપયોગી તેમણે કહ્યુ હતુ કે, આપણે ત્યાં કેટલીક રાજકીય પાર્ટીઓ એવી છે જેમને દેશના વારસા સાથે અને વિકાસ સાથે પણ વાંધો છે.તેમને પોતાની વોટ બેન્કની ચિંતા વધારે હોય છે.
પીએમ મોદીએ કહ્યુ હતું કે, આ રાજકીય પક્ષોને દેશના વિકાસ સામે વાંધો એટલા માટે છે કારણકે ગરીબોની તેમના પરની નિર્ભરતા ઓછી થઈ રહી છે.તેમને ગંગાજીના સફાઈ અભિયાન સામે વાંધો છે.આ જ લોકો આતંકીઓ સામે સેનાની કાર્યવાહી પર સવાલ ઉઠાવતા હોય છે.આ એ જ લોકો છે જે ભારતીય વૈજ્ઞાનિકો બનાવેલી કોરોના વેક્સીન પર સવાલ ઉઠાવતા હોય છે. તેમણે કહ્યુ હતુ કે, વિપક્ષને તો બાબા વિશ્વનાથનુ કે અયોધ્યામાં ભગવાન રામનુ ભવ્ય મંદિર બને તેની સામે પણ વાંધો છે.તમે બધા જાણો છે કે, પહેલા પશ્ચિમ યુપીમાં કાયદો અને વ્યવસ્થા કેવી હતી.પહેલા સાંજ થતા જ તમંચો લહેરાવનારા રસ્તા પર આવી જતા હતા.
પાંચ વર્ષ પહેલા રાજ્યના બહુ ઓછા વિસ્તારોમાં વીજળી મળતી હતી પણ આજે યુપીમાં બધાનુ ભલુ થઈ રહ્યુ છે.પાંચ વર્ષ પહેલા જનતાના પૈસાનો દુરપયોગ થતો હતો.તમને પણ આ વાતની ખબર છે.આજે યુપી સરકારે 80 લાખ મફત વીજળી કનેક્શન આપ્યા છે. પીએમ મોદીએ કહ્યું હતું કે, પહેલા મોટી યોજનાઓ કાગળ પર શરુ કરીને વિપક્ષો પોતાની તિજોરી ભરતાં હતાં.હવે અમે જમીન પર યોજનાઓ શરુ કરી રહ્યા છે.જેથી તમે સમૃધ્ધ બનો.લોકોના પૈસા ક્યાં વપરાતા હતા તે તમે જોયુ છે.આજે યુપીના પૈસા યુપીના વિકાસમાં લાગી રહ્યા છે.ગંગા એક્સપ્રેસ વે પણ લોકો માટે પ્રગતિનો નવો દરવાજો ખોલશે. મોદી ભલે વિકાસની વાતો કરતાં હોય પરંતુ યુપીમાં છેલ્લી ઘડીએ તો જાતિવાદ જ ચાલશે. યુપીની ખાસિયત એ પણ છે કે, બ્રાહ્મણ મત જે તરફ જાય છે તે પાર્ટીનો જ વિજય થાય છે. એટલે જ માયાવતી પણ બ્રહ્મસંમેલન કરતાં થઇ ગયા છે.