Editorial

અમેરિકા-ચીન વચ્ચે ફરીથી ઉગ્ર વેપાર યુદ્ધ ભડકી ઉઠશે?

અમેરિકા અને ચીન વચ્ચેનું વેપાર યુદ્ધ આમ તો વર્ષોથી ચાલી રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોથી બંને દેશો વચ્ચે એકબીજા પર આકરા આયાત વેરા લાદવાનો અને એકબીજાની કંપનીઓ પર પ્રતિબંધો મૂકવાનો ખેલ ચાલી રહ્યો છે. બંને દેશો વચ્ચેના હાલના આ વેપાર યુદ્ધની શરૂઆત ડોનાલ્ડ ટ્રમ્પના પ્રમુખપદના સમયમાં થઇ હતી. જુલાઇ ૨૦૧૮માં ટ્રમ્પે કેટલાક ચીની ઉત્પાદનો પર આયાત ટેરિફ લાદી દીધા, જેને કારણે ચીની વસ્તુઓની અમેરિકામાં આયાત મોંઘી થાય, અમેરિકામાં આ ચીની વસ્તુઓ મોંઘી થતા તેમનું અમેરિકામાં વધુ વેચાણ થાય નહીં અને છેવટે ચીની વસ્તુઓના અમેરિકામાં વેચાણને ફટકો પડે તેવી ટ્રમ્પની દેખીતી ગણતરી હતી. ઓગસ્ટ ૨૦૧૯ સુધીમાં તો અમેરિકા આવતી ૪૫૦ અબજ ડોલર કરતા વધુ કિંમતની ચીની વસ્તુઓ અમેરિકાના આ ટેરિફને પાત્ર બની ગઇ. ટ્રમ્પનો આક્ષેપ હતો કે ગેરવાજબી વ્યાપાર નીતિઓને કારણે ચીન અમેરિકાના અર્થતંત્રને સેંકડો અબજ ડોલરનું નુકસાન કરે છે. અમેરિકાના ટેરિફના પગલા સામે ચીને વળતા પગલા ભર્યા અને બંને દેશો વચ્ચે સામ સામા પગલાનો સિલસિલો શરૂ થઇ ગયો.

૨૦૨૦માં ટ્રમ્પ અમેરિકી પ્રમુખપદે બીજી વખત ચૂંટાયા નહીં, પરંતુ તેમના પછી પણ અમેરિકા-ચીન વચ્ચે વ્યાપાર સંઘર્ષના છમકલાઓ ચાલુ રહ્યા. ડેમોક્રેટ પ્રમુખ જો બાઇડનના શાસનમાં પણ ચીની કંપનીઓ પર ટેરિફ કે પ્રતિબંધોના પગલાઓ અમલમાં મૂકાયા જ. હાલમાં બાઇડન પ્રશાસને ફરી એકવાર કેટલીક ચીની કંપનીઓ પર પ્રતિબંધ મૂકયો છે. જો કે આ પ્રતિબંધો જુદા કારણોસર છે. યુક્રેનમાં રશિયાના યુદ્ધ સાથે કથિત કડીઓ બદલ ચીની કંપનીઓ પર અમેરિકાએ આ પ્રતિબંધો લાદ્યા છે જેની સામે ચીને તેનો વિરોધ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે તે દેશના ધંધાઓના અધિકારો અને હિતોના રક્ષણ માટે જરૂરી પગલાઓ અપનાવશે.

આમ તો જો કે અમેરિકાએ હાલમાં રશિયા અને સમગ્ર યુરોપ, એશિયા અને મધ્ય પૂર્વમાં સેંકડો કંપનીઓ પર પ્રતિબંધો લાદી દીધા છે, જે કંપનીઓ પર અમેરિકાએ આરોપ મૂકયો છે કે તેઓ એવા ઉત્પાદનો અને સેવાઓ પુરી પાડે છે જે રશિયાના યુદ્ધ પ્રયાસોને મદદ કરે છે અને તેને પ્રતિબંધોને ચાતરી જવામાં મદદ કરે છે. અમેરિકાના વિદેશ વિભાગે જણાવ્યું હતું કે તે જે હદે બેવડા ઉપયોગના સામાનની નિકાસ ચીનથી રશિયાને કરવામાં આવે છે તેનાથી ચિંતીત છે. આની સામે ચીનના વાણિજ્ય મંત્રાલયે તેના નિવેદનમાં અમેરિકા અનેક ચીની કંપનીઓને તેના નિકાસ કન્ટ્રોલની યાદીમાં મૂકે તેની સામે વિરોધ નોંધાવ્યો હતો. અમેરિકાનું આ પગલું ચીની કંપનીઓને સ્પેશ્યલ લાયસન્સ વીના અમેરિકી કંપનીઓ સાથે વેપાર કરવા પર પ્રતિબંધ મૂકે છે અને આ સ્પેશ્યલ લાયસન્સ મળવું લગભગ અશક્ય છે.

ચીનના વાણિજ્ય મંત્રાલયે જણાવ્યું છે કે આ એકપક્ષી પ્રતિબંધો વૈશ્વિક વ્યાપાર વ્યવસ્થા અને નિયમોને ખોરવી નાખશે તથા વૈશ્વિક ઉદ્યોગો અને સપ્લાય ચેઇન્સની સ્થિરતાને અસર કરશે. અમેરિકાના વિદેશ વિભાગના જણાવ્યા પ્રમાણે કેટલીક ચીન સ્થિત કંપનીઓએ રશિયન કંપનીઓને મશીન ટુલ્સ અને છૂટા ભાગો મોકલ્યા હતા. યુક્રેન યુદ્ધમાં ચીન પોતાને તટસ્થ બતાવવાના પ્રયાસ કરે છે પણ પશ્ચિમી દેશો તરફની સખત શત્રુતામાં તેની રશિયા સાથે હિસ્સેદારી છે. આ હિસ્સેદારીને કારણે તે યુક્રેન યુદ્ધમાં રશિયાને મદદ કરવા તત્પર હોય તે સ્વાભાવિક છે. આ જોતાં ચીની કંપનીઓએ રશિયાને યુદ્ધમાં મદદરૂપ થાય તેવી સામગ્રી પુરી પાડી હોય તેવો અમેરિકાનો આક્ષેપ સાચો હોઇ શકે છે.

અમેરિકા અને ચીન વચ્ચે ફરી વેપાર સંઘર્ષ ઉગ્ર બને તો આખા વિશ્વના વ્યાપારને અસર થઈ શકે છે. અમેરિકા અને ચીન વચ્ચેના વેપાર યુદ્ધથી વિકાસશીલ દેશોની આર્થિક સંભાવનાઓને નુકસાન થઈ શકે છે. વેપાર યુદ્ધની સીધી અસર ગ્રાહક ઉત્પાદનો પર પડી શકે છે. વેપાર યુદ્ધ રોકાણને નબળું પાડી શકે છે, લોકો દ્વારા કરવામાં આવતા ખર્ચમાં ઘટાડો કરી શકે છે, નાણાકીય બજારોને અસ્થિર કરી શકે છે અને વૈશ્વિક અર્થતંત્રને ધીમું પાડી શકે છે. આ બધી બાબતોની અસર ભારત જેવા અનેક વિકાસશીલ દેશોને થઈ શકે છે. વૈશ્વિક સપ્લાય ચેઇનને પણ અસર પહોંચી શકે છે. અને આ બંને દેશોના અર્થતંત્રોને તો અસર થાય તે સ્વાભાવિક છે. લાગે છે કે અમેરિકા હાલ હાકોટા પાડશે પણ ફરી ઉગ્ર વ્યાપાર યુદ્ધ શરૂ નહીં કરે.

Most Popular

To Top