United Kingdomએ અરબ સાગરમાં પોતાની અદ્યતન પરમાણુ શક્તિસંચાલિત સબમરીન HMS Anson તહેનાત કરી છે, જેને વૈશ્વિક સ્તરે એક મોટી લશ્કરી ચેતવણી તરીકે જોવામાં આવી રહી છે. અહેવાલો અનુસાર, આ સબમરીન ટોમાહોક ક્રૂઝ મિસાઈલોથી સજ્જ છે અને હજારો કિલોમીટર દૂર સુધી ચોક્કસ નિશાન પર હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે. ઇરાને હિંદ મહાસાગરમાં આવેલા મહત્વપૂર્ણ સંયુક્ત સૈન્ય મથક ડિએગો ગાર્સિયાને નિશાન બનાવી બે મિસાઈલ પ્રક્ષેપિત કરી હતી. આશરે 4,000 કિલોમીટર દૂરથી કરવામાં આવેલા આ હુમલાએ વિશ્વને ચોંકાવી દીધું હતું. જોકે આ હુમલામાં જાનહાનિ થઈ નથી, પરંતુ નિષ્ણાતો માને છે કે ઈરાનની મિસાઈલ ક્ષમતા હવે અગાઉ કરતાં ઘણી વધુ શક્તિશાળી અને વ્યાપક બની ગઈ છે.
આ ઘટનાના પગલે બ્રિટિશ વડાપ્રધાન Keir Starmerએ પોતાનું વલણ નોંધપાત્ર રીતે બદલી દીધું છે. શરૂઆતમાં તેઓ સૈન્ય કાર્યવાહી અંગે સાવચેત હતા અને અમેરિકાને તેમના હવાઈ મથકોનો ઉપયોગ કરવા મર્યાદિત મંજૂરી આપી હતી. પરંતુ ઈરાન દ્વારા સાથી દેશોને નિશાન બનાવ્યા બાદ હવે બ્રિટને United Statesને આરએએફ ફેરફોર્ડ અને ડિએગો ગાર્સિયા જેવા મહત્વપૂર્ણ મથકો પરથી કાર્યવાહી કરવાની સત્તાવાર મંજૂરી આપી દીધી છે. HMS Anson 6 માર્ચે ઓસ્ટ્રેલિયાના પર્થ બંદરેથી રવાના થઈ હતી અને હવે અરબ સાગરમાં સક્રિય બની ગઈ છે. આ સબમરીન દર 24 કલાકે સમુદ્રની સપાટી પર આવીને લંડનમાં આવેલા કમાન્ડ સેન્ટર સાથે સંપર્ક સાધે છે. કોઈપણ સંભવિત હુમલા માટેનો અંતિમ આદેશ સીધો વડાપ્રધાન સ્તરે જ આપવામાં આવશે, જે બ્રિટનની સૈન્ય તૈયારીની ગંભીરતાને દર્શાવે છે. આ સમગ્ર પરિસ્થિતિ દર્શાવે છે કે સંઘર્ષ હવે માત્ર એક વિસ્તારમાં મર્યાદિત નથી રહ્યો. વિવિધ દેશોની સીધી સંડોવણીને કારણે આ તણાવ વૈશ્વિક સ્તરે ફેલાવાની શક્યતા વધી રહી છે. ખાસ કરીને ઊર્જા માર્ગો, સૈન્ય મથકો અને આંતરરાષ્ટ્રીય સુરક્ષાને લઈને ચિંતા વધુ ઊંડી બની રહી છે, જેના કારણે આવનારા દિવસોમાં પરિસ્થિતિ વધુ તંગ બની શકે છે.